હમણાં હમણાં ટેક્નોલોજીની દુનિયામાં બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે – એક તરફ દરેક વાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના પગપેસારા – કે કહો કે ઘૂસણખોરી – ની જબરજસ્ત ચર્ચા છે, તો બીજી તરફ ટેક્નોલોજીમાં, ખાસ કરીને, સોશિયલ મીડિયામાં હ્યુમન ટચ પર વધુ ભાર મૂકવાની ચર્ચા શરૂ થઈ છે!
મજાની વાત એ છે કે આ બંને વાત પાછી એકમેકને સ્પર્શી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે એઆઇ જેટલી ઉપયોગી છે, એટલી જ જોખમી છે. જોખમી બે રીતે છે – એક, આપણા સૌની નોકરી તેને કારણે જોખમમાં છે (હું ઘણી વાર મજાકમાં કહું છું કે સર્ચ એન્જિનની ‘કરિયર’માં ૨૫ વર્ષથી જડબેસલાક રીતે સેટ થઈ ગયેલા ગૂગલ જેવા ગૂગલની ‘નોકરી’ પણ એઆઇને કારણે જોખમાઈ ગઈ છે, તો આપણી શી વિસાત?!).
એઆઇથી બીજું જોખમ ફેક કન્ટેન્ટનું છે. એઆઇને કારણે ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો, વોઇસ વગેરે બધા પ્રકારના મીડિયાની બનાવટ બહુ સહેલી બની ગઈ છે.
સોશિયલ મીિડયા પર આ પ્રકારનું કન્ટેન્ટ શેર થાય ત્યારે, સારી વાતો કરતાં ખોટી વધુ સહેલાઈથી અને વધુ ઝડપથી પ્રસરે, એ ન્યાયે ફેક કન્ટેન્ટ પણ અફાટ રીતે વ્યાપી રહ્યું છે. એ કારણે સોશિયલ મીડિયાની વિશ્વસનીયતા જોખમાઈ રહી છે.
આપણે સૌ ખરા મિત્રો, સ્વજનો કે કસ્ટમર્સના સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા, પણ એની એ મજા કે ઉપયોગિતા ધૂંધળી બની રહી છે.
અગાઉના ટ્વીટર ને હવેના એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વગેરે કે પછી જેમાં અલ્ગોરિધમની કોઈ ભૂમિકા નથી એવા વોટ્સએપમાં પણ તદ્દન નકામા, તદ્દન ખોટા કે પૂરેપૂરા જોખમી કન્ટેન્ટ શેરિંગનું પ્રમાણ બેહદ વધી રહ્યું છે.
અમેરિકા જેવા દેશમાં ચૂંટણી આવે ત્યારે આ આખી વાતને નવા પોલિટિકિલ રંગ પણ મળે છે.
કંઈક એ કારણે, નવા પ્રમુખની ગુડબુકમાં રહેવા માટે કે પછી ખરેખરા, જેન્યુઇન ઇન્ટરેસ્ટથી, સોશિયલ સાઇટ્સ પોતાની ગુમાવેલી વિશ્વસનીયતા પાછી મેળવવાની વેતરણમાં છે અને, એની જવાબદારી નાખવામાં આવી રહી છે આપણે માથે!
અત્યાર સુધી સોશિયલ સાઇટ્સ કન્ટેન્ટને પોતાની રીતે જોઇ-તપાસીને કંઇક અંશે રેગ્યુલેટ કે કંટ્રોલ કરતી હતી, હવે એ બધું કામ આપણે માથે નાખવામાં આવી રહ્યું છે, સોશિયલ મીડિયાને પારદર્શક બનાવવાના નામે.
આપણે એનાં રાજકીય કારણોમાં પડવું નથી, આપણે તો આ પ્રયાસો કેવો આકાર લઈ રહ્યા છે અને એમાં આપણી ભૂમિકા કેવી રહેશે એની વાત કરીએ – આખરે સોશિયલ મીડિયા આપણા થકી જ તો છે!
– હિમાંશુ
(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)