એક્સ પ્લેટોર્મ પર ‘કમ્યૂનિટિ નોટ્સ’ નામે એક ફીચર છે, એવી જ વ્યવસ્થા અન્ય સાઇટમાં આવવા લાગી છે.

ઘણા ખરા વોટ્સએપ ફેમિલી ગ્રૂપ્સમાં આવું બનતું હોય છે – ગ્રૂપમાં સામેલ કોઈ ઉત્સાહી વ્યક્તિ અન્ય ગ્રૂપમાંથી આવેલી કોઈ પોસ્ટ વિશે વધુ તપાસ કર્યા વિના તેને પોતાના ફેમિલીના ગ્રૂપમાં પણ ફોરવર્ડ કરે. બનવાજોગ, એ પોસ્ટ ફેક ન્યૂઝ હોય અથવા તેમાં આપેલી લિંક ક્લિક કરવાથી આપણે કોઈ ને કોઈ મુશ્કેલીમાં મુકાઈએ એવી શક્યતા હોય.
સોશિયલ મીડિયા પર શેર થયેલી મૂળ પોસ્ટ કે તેના પર થયેલી કમેન્ટમાંની વાત સાચી જ હોવાની કોઈ ખાતરી હોતી નથી.
ગ્રૂપમાંની કોઈ વ્યક્તિ આવી પોસ્ટ, તેના વિશેની આંટીઘૂંટી સમજ્યા વિના ફેમિલી ગ્રૂપમાં ફોરવર્ડ કરે ત્યારે ગ્રૂપમાંની કોઈ અન્ય જાણકાર વ્યક્તિ નમ્રતાપૂર્વક એ વ્યક્તિ તથા ગ્રૂપમાંના અન્ય સભ્યોનું ધ્યાન દોરે અને કહે કે એ પોસ્ટમાં આપેલી માહિતી ખોટી છે અથવા તો જોખમી છે. પરિણામે ગ્રૂપમાંના અન્ય લોકો ગેરમાર્ગે દોરવાઈ જાય નહીં.
તમારા વોટ્સએપ ફેમિલી ગ્રૂપમાં પણ આવું થતું હશે. વોટ્સએપ પરના ફેમિલી ગ્રૂપમાં બહુ નાના પાયે જે થાય છે, એવું જ કંઈક આખા ઇન્ટરનેટ પર, ખાસ કરીને સોશિયલ મીડિયા પર બહુ વિરાટ પાયે થવું જરૂરી હોય છે.