વોટ્સએપમાં ટૂંક સમયમાં આપણી ઓળખની પદ્ધતિ બદલાશે.

આજે વોટ્સએપ સૌથી સરળ, સૌથી વ્યાપક મેસેજિંગ સર્વિસ બની ગઈ છે. એસએમએસની જેમ, જો તમને કોઈનો મોબાઇલ નંબર ખબર હોય તો તમે તેમને વોટ્સએપ પર મેસેજ મોકલી શકો. જોકે આ જ કારણે વોટ્સએપર પ્રમોશનલ મેસેજિસ અને – ક્યાંય વધુ જોખમી – છેતરપિંડી માટેના મેસેજિસનું પ્રમાણ હદ બહારનું વધ્યું છે.
સ્થિતિ એવી છે કે સાવધાની હટી, તો દુર્ઘટના ઘટી!
આ સ્થિતિનું એક મોટું કારણ એ છે કે વોટ્સએપમાં આપણું એકાઉન્ટ ફક્ત મોબાઇલ નંબર આધારિત છે – જે કોઈને પણ ખબર હોય. એ જ કારણે લાંબા સમયથી મેટા કંપની વોટ્સએપમાં પણ યૂઝરનેમ પદ્ધતિ લાવવા મથે છે.
હવે તેની શરૂઆત થઈ છે. વોટ્સએપ પર ફ્રી પ્રમોશનલ મેસેજ અંકુશમાં લાવીને કંપની પોતાનો પેઇડ પ્રમોશન બિઝનેસ વધારવા માગતી હોય એ પણ સંભવ છે. પરંતુ સરેરાશ યૂઝર તરીકે આપણે માટે આ ફેરફારો મહત્ત્વના છે.