વર્ષ ૨૦૨૫! આપણે એકવીસમી સદીના પચીસમા વર્ષમાં પ્રવેશ કરી ગયા છીએ!
ભારતમાં ઓગસ્ટ ૨૨, ૧૯૯૪માં, એટલે કે ત્રીસેક વર્ષ પહેલાં મોબાઇલ ફોન સર્વિસ શરૂ થઈ હતી. એ સમયે મોબાઇલ હેન્ડસેટની કિંમત હતી રૂ. ૪૫,૦૦૦! એવા ફોન પર વાતચીત પણ મોંઘી હોય એ સ્વાભાવિક છે – દર મિનિટના લગભગ રૂ. ૧૭! એ સમયે આપણા પર કોલ આવે અને આપણે તેને રીસિવ કરીએ તો એ માટે પણ રૂપિયા ચૂકવવા પડતા. પહેલો મોબાઇલ ફોન ભારતમાં આવ્યો એના એકાદ દાયકા પહેલાં, ભારતમાં કમ્પ્યૂટર્સ ધીમે ધીમે પ્રચલિત થવા લાગ્યાં હતાં. લગભગ એ જ અરસામાં ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ થયો હતો!
એ બધું જોતાં, આજના સમયમાં કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, મોબાઇલ ફોન કે સ્માર્ટફોન સુદ્ધાં જૂની ટેક્નોલોજી લાગે એવી સ્થિતિ છે. એકવીસમી સદીના પહેલાં દસ-પંદર વર્ષ દરમિયાન, ઇન્ટરનેટના પ્રસાર સાથે આ બધી ટેક્નોલોજીએ હરણફાળ ભરી. માઇક્રોસોફ્ટના િવવિધ પ્રોગ્રામ્સ ઉપરાંત એપલના આઇફોન, ગૂગલના એન્ડ્રોઇડ ફોન, ગૂગલની વિવિધ સર્વિસ, ઓરકૂટ, ફેસબુક, ટ્વીટર, યુટ્યૂબ, પછી વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ, ઓનલાઇન શોપિંગ, ફૂડ ડિલિવરી એપ્સ, એપ કેબ્સ, ક્વિક ડિલિવરી એપ્સ. ઓટીટી વગેરે આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયાં.
આમ છતાં, પાછલાં પાંચ-સાત કે કહો દસેક વર્ષથી આ બધાનો ઉપયોગ વધતો જતો હોવા છતાં, તેમાં ખાસ કંઈ નવું આવતું હોય એવું લાગતું નહોતું. એ જ ગૂગલમાં સર્ચ, એ જ જીમેઇલ, એ જ ફેસબુક-ઇન્સ્ટા કે વોટ્સએપ!
આ બધી સર્વિસમાં નાનાં-મોટાં ફીચર્સ ઉમેરાયાં એ અલગ વાત છે, પણ ધરમૂળથી કંઈક જુદું જ થયું હોય કે થઈ રહ્યું હોય એવું લાગતું નહોતું.
એ સ્થિતિ અચાનક બદલાઈ વર્ષ ૨૦૨૨ના અંત ભાગમાં. એ સમયે ઓપનએઆઇ કંપનીએ તેનો ચેટજીપીટી ચેટબોટ પબ્લિક રીવ્યૂ માટે ખુલ્લો મૂક્યો એ સાથે આખી દુનિયામાં એઆઇની રીતસર આંધી આવી. એ પહેલાં, ઓપનએઆઇ કંપનીનું નામ પણ આપણે સાંભળ્યું નહોતું, પણ એ કંપનીએ ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓને મૂળથી હચમચાવી નાખી.
પાછલાં ૧૦-૧૫ વર્ષમાં જે પરિવર્તનો થયાં, એનાથી ક્યાંય વધુ ફેરફાર પાછલા બે-અઢી વર્ષમાં થયા.
છતાં, એઆઇ યુગની હજી તો આ શરૂઆત છે! ‘સાયબરસફર’માં આપણે ૨૦૧૬માં આવો યુગ આવી રહ્યો હોવાની વાત કરી હતી, એ પછી હમણાં ઓગસ્ટ ૨૦૨૪માં એઆઇની બુદ્ધિ સતેજ કરતી વિવિધ ટેક્નોલોજીનો પરિચય મેળવ્યો હતો. હવે આગામી સમયમાં કેવી એઆઇ આવી રહી છે, તેની વાત કરીએ!
હેપ્પી નોલેજ-રિચ ન્યૂ યર!
– હિમાંશુ
(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)