નોટબંધ પછી ભારતમાં સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઘણી બધી રીતે ડિજિટલ અને સ્માર્ટ બનવા લાગી છે. યુપીઆઇ તેમાં સૌથી નોંધપાત્ર બાબત છે. તેનાથી રૂપિયાની ઓનલાઇન લાઇવ લેવડદેવડની એક નવી જ ઇકોસિસ્ટમ ઊભી થઈ. બરાબર એ જ રીતે, લોન મેળવવાની સમગ્ર પ્રક્રિયાને સરળ, ઝડપી, ડિજિટલ બનાવતી ઇકોસિસ્ટમ પણ હવે વિક્સી રહી છે.

આઠેક વર્ષ પહેલાં, આપણા પર ‘નોટબંધી’નો હથોડો ઝીંકાયો ત્યારે સૌને આકરો લાગ્યો હતો. પરંતુ પછી, દેશમાં બેંન્કિંગ વ્યવસ્થાએ ઘણી બધી રીતે ડિજિટલ બનવાની દિશા અને ગતિ પકડી. સમગ્ર દેશના દરેકેદરેક નાગરિકની ઓળખ માટે આધાર, મોબાઇલના સતત વધતા ઉપયોગ સાથે ડિજિલોકરની વ્યવસ્થા, જનધન યોજનાથી સરળતાથી બેન્ક ખાતાં, આંખના પલકારે ને આંગળીના ઇશારે રૂપિયાની ઓનલાઇન લેવડ-દેવડ માટે યુપીઆઇ… આ બધું એકમેક સાથે સંકળાયેલું છે.
એમાં હવે એક નવી વાત ઉમેરાઈ રહી છે – યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (યુએલઆઇ). આપણે યુપીઆઇનો જબરો ઉપયોગ કરવા લાગ્યા છીએ, પણ તેના નામમાંના ‘યુનિફાઇડ’ અને ‘ઇન્ટરફેસ’ શબ્દો તરફ ખાસ ધ્યાન આપતા નથી. આગામી સમયમાં બેન્કિંગ સંબંધિત વિવિધ બાબતો માટે આવા ‘યુનિફાઇડ’ ‘ઇન્ટરફેસ’ કે પ્લેટફોર્મ મળવાનાં છે એ નક્કી છે.