રોજબરોજના સ્પામ ઈ-મેઇલ્સ અચાનક હદ બહારના વધી જાય તો…
હમણાં અમેરિકામાં તીવ્ર આગ વધુ ને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે ને થોડા દિવસોમાંઆપણે પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરીશું, પણ થોડા સમય પહેલાં, અમેરિકા અને કેનેડામાં ‘બોમ્બ સાયક્લોન’એ તરખાટ મચાવ્યો હતો! અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો અચાનક ગગડીને નીચો જાય અને તીવ્ર ઠંડી સાથે ભારે હિમવર્ષા થાય એવી સ્થિતિ માટે વપરાતો ‘બોમ્બ સાયક્લોન’ શબ્દ આપણે માટે નવો હતો.

આપણા વિષયના સંદર્ભે વાત કરીએ તો ઇન્ટરનેટ પર પણ વિવિધ રીતે, કંઈક અંશે આ જ પ્રકારની બોમ્બ જેવી આફત તરખાટ મચાવતી હોય છે. કુદરતી નહીં પરંતુ માનવસર્જિત એવી, આ પ્રકારની એક આફત ‘ઇમેઇલ બોમ્બ’ અથવા ‘લેટર બોમ્બ’ તરીકે ઓળખાય છે. નામ મુજબ, એનો હેતુ ટાર્ગેટ પર ત્રાટકીને ખાનાખરાબી સર્જવાનો હોય છે.