વર્ષ ૨૦૨૪ની વિદાય નજીક હતી એ મહિનાઓ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક બની ગયા. એક, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને પછી તરત વારી એનર્જીસ નામની કંપનીઓના આઇપીઓને બમ્પર શબ્દ નાનો પડે એટલો પ્રતિસાદ મળ્યો. જે લોકોને શેર લાગ્યા તેમનું રોકાણ ગણતરીના દિવસોમાં, લગભગ બમણું થઈ ગયું હશે. પછી એ બંને કંપનીના ભાવમાં સ્વાભાવિક ઊંચ-નીચ થવા લાગી, પણ એમના આઇપીઓ તરફ નવાસવા રોકાણકારોનું પણ ધ્યાન ખેંચાયું. બીજી તરફ, સપ્ટેમ્બર મહિનામાં તો સેન્સેક્સ ૮૫૯૭૮.૨૫ની ઓલટાઇમ ઊંચાઈએ પહોંચ્યો.