થોડાં વર્ષ પહેલાં વિવિધ બ્રાન્ડનું માર્કેટિંગ કમ્યુનિકેશન સંભાળતી એજન્સીનું કામ સહેલું હતું – જાહેરાત કરવાનાં માધ્યમ ગણ્યાંગાંઠ્યાં હતાં. અખબાર-સામયિક જેવાં પ્રિન્ટ, ટીવી, રેડિયો અને આઉટડોર હોર્ડિંગ્સ. બસ, મીડિયા પ્લાનિંગ પૂરું. આ બધાં મીડિયમની કોસ્ટમાં પણ ખાસ્સી ઊંચનીચ, એટલે માર્કેટિંગ કે એટવર્ટાઇઝિંગ કેમ્પેઇનનું બજેટ નક્કી થાય એ સાથે અમુક મીડિયાની આપોઆપ બાદબાકી થઈ જાય.
હવે વાત એટલી સહેલી રહી નથી. હવે તો ઇન્ટરનેટ, તેમાં સોશિયલ મીડિયા અને એમાં પાછા જાતભાતના પેટા પ્રકારો – કન્ટેન્ટ માર્કેટિંગ, વીડિયો માર્કેટિંગ, ઇન્ફ્લુઅંસર્સ… આ બધામાં, પહેલાંની જેમ, ખરેખર કયું મીડિયમ કેટલું અસરકારક એ નક્કી કરવું પણ મુશ્કેલ.
આ બધી તો મોટા ગજાની બ્રાન્ડ્સની વાત થઈ. બિઝનેસની હજી માંડ શરૂઆત થઈ હોય, માંડ તેનું માર્કેટિંગ કે પ્રમોશન કરવા જેવો સમય આવ્યો હોય ત્યારે બિઝનેસ કમ્યુનિકેશન હજી મુશ્કેલ બને છે.
આજના સમયમાં આ વાત માનવી અઘરી, પણ ડિજિટલ કમ્યુનિકેશનના અનેક રસ્તાઓ ખુલ્યા હોવા છતાં – અને કદાચ એટલે જ – વાત વધુ ને વધુ અટપટી બનતી જાય છે.
બિઝનેસ હજી પ્રમાણમાં નાનો હોય ત્યારે વોટ્સએપ કે એસએમએસ કે ઇમેઇલથી, વર્તમાન અને સંભવિત ગ્રાહકો સુધી પહોંચી શકાય, પરંતુ જેમ ટાર્ગેટ ઓડિયન્સ મોટું થતું જાય તેમ તેમ તેમની સાથે લાઇવ ટચ જાળવવો વધુ મુશ્કેલ બનતો જાય. સોશિયલ મીડિયાનો પનો પણ એમાં ટૂંકો પડે.
આ વાત મોટી ટેક કંપનીથી માંડીને નાનાં-મોટાં સ્ટાર્ટઅપ્સ બરાબર સમજી ગયાં છે. એટલા માટે જ કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ (સીઆરએમ) ટૂલ્સ અને તેની સાથોસાથ કસ્ટમર સપોર્ટ, કસ્ટમર કમ્યુનિકેશન અને પ્રમોશનલ મેસેજિંગનાં નવાં નવાં ટૂલ્સ બજારમાં આવતાં જાય છે.
આ બધામાં અત્યારે વોટ્સએપ સૌથી આગળ છે. આપણા જેવા સરેરાશ લોકોને વોટ્સએપના ફક્ત સાદા ઉપયોગની જાણ છે, પણ બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપ ખાસ્સી અસરકારક સર્વિસિસ પણ આપે છે, અલબત્ત એ બધું જ પેઇડ છે. કંપની તેની મોનોપોલી જેવી સ્થિતિ જાણે છે એટલે આ સર્વિસના ભાવ પણ વધારતી જાય છે.
આ ધંધામાં જબરો કસ જોઈને ગૂગલ પણ તેમાં ભાગ પડાવવા તત્પર છે. એ કારણે, અત્યાર સુધી નાના બિઝનેસને જે સગવડો મફતમાં મળતી હતી તે હવે બંધ થવા લાગી છે, કેમ કે ફોકસ આગામી પેઇડ સર્વિસિસ પર છે.
આ અંકમાં આ બધી વાતો પર થોડું વધુ ફોકસ છે. તમારો પોતાનો બિઝનેસ હશે તો આ બધું વધુ ઉપયોગી થશે, બાકી કસ્ટમર તરીકે તો આપણે આ વાતમાં સામેલ છીએ જ!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)