ડગમગતા દીવાને સ્થિર કરવાની જવાબદારી આપણી!

By Himanshu Kikani

3

દિવાળીના દિવસોમાં આપણે બાલ્કની કે ઘરના આંગણમાં દીવો પ્રગટાવીએ ત્યારે ઘણી વાર પવનનો સામનો કરવો પડે.

પ્રગટાવેલો દીવો પવન સામે ઝઝૂમતો હોય ત્યારે આપણે દીવાની બંને બાજુ બે હાથ રાખીને તેને સ્થિર કરવો પડે. દીવાની વાટ બરાબર પ્રજ્વલિત થઈ જાય એ પછી હાથ હટાવી લઇએ તો પછી દીવાને વાંધો ન આવે. પવન ભારે હોય તો વાત અલગ છે, બાકી દીવો એની સામે ઝીંક ઝીલતાં શીખી જાય.

અત્યારે આપણી સ્થિતિ, ખાસ તો આપણાં બાળકોની સ્થિતિ પવન સામે ઝઝૂમતા દીવા જેવી છે.

હમણાં હમણાં, ખાસ કરીને  અમેરિકામાં મેટા કંપનીની વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ સામે ફરી એક વાર કોર્ટમાં વિવિધ કેસ નોંધાઈ રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે કાચી ઉંમરનાં બાળકો માટે હાનિકારક હોવા છતાં તેનો ઉપયોગ બેફામ વધી રહ્યો છે. કંપની પોતે તેનાં પ્લેટફોર્મ્સની કુમળા માનસ પર થતી અસરો વિશે બરાબર જાણતી હોવા છતાં એ અસરો ઓછી કરવાનાં કોઈ પગલાં લઈ રહી નથી.

ભારતમાં આપણી આખી એક પેઢી બહુ નાની વયથી ઇન્સ્ટાગ્રામ (કે તેના જેવી બીજી સાઇટ્સ)ની દુનિયામાં મોટી થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર સતત કંઈ ને કંઈ પોસ્ટ કરવું, સતત કંઈ ને કંઈ જોતા રહેવું અને તેમની પોસ્ટ કે રીલ વગેરેને ધાર્યા વ્યૂઝ કે લાઇક ન મળે  તો નિરાશાની ગર્તામાં ધકેલાઈ જવું… આ નવી પેઢીનું આજનું જીવન છે.

એથી વધુ મોટી કમનસીબી એ છે કે આ બધું જાણતા હોવા છતાં આપણે સૌ બહુ કાચી ઉંમરથી બાળકોના હાથમાં સ્માર્ટફોન પકડાવી દઇએ છીએ. આપણે પોતે ‘ડૂમસ્ક્રોલિંગ’ કરતા રહીએ છીએ ને સાવ નિરર્થક પોસ્ટ્સ, વીડિયો કે ગેમ્સમાં, અટક્યા વિના, સતત ગળાડૂબ રહીએ છીએ.

ઇન્ટરનેટના પવન સામે આપણો પોતાનો દીવો ડગમગી રહ્યો છે ત્યારે બાળકો ફરતે બે હાથ મૂકીને એમને સ્થિર કરવાની તો વાત જ ક્યાં રહી?

અખબારોમાં અવારનવાર ‘મા-બાપે કડકાઈ દાખવીને મોબાઇલ ખૂંચવી લેતાં કિશોર/કિશોરીએ આત્મહત્યા કરી’ એવા સમાચારો આવતા રહે છે. આપણે એ બધું વાંચીને બે ઘડી અરેરાટી અનુભવીએ છીએ અને પછી પાછા પોતાના સ્માર્ટફોનમાં ખોવાઈ જઇએ છીએ.

આ સ્થિતિનો સામનો કઇ રીતે કરી શકાય? એક જ ઉપાય છે – આપણે પોતે સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ કરીને બાળકોને અનુસરવા જેવું ઉદાહરણ પૂરું પાડીએ.

‘સાયબરસફર’માં હંમેશાં કહ્યું છે તેમ ઇન્ટરનેટ ને સ્માર્ટફોન બંનેમાં ગજબની શક્તિ છે. તેનો આપણે પૂરો લાભ લેતા થઇએ તો એ આપણું આખું જીવન બદલી શકે. આ અંકની કવર સ્ટોરીમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સગવડોનો લાભ લઇને આપણા રોજબરોજના કામકાજ તથા ફાઇલ્સનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય તેની વાત કરી છે. એથી પણ વધુ અગત્યની વાત ઇન્ટરનેટને કારણે આપણા મગજમાં જે વિચારો ઘૂસે છે તેનું યોગ્ય મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય તેની પણ વાત કરી છે.

આપણે મા-બાપ કે દાદા-દાદી તરીકે આ બધું જાણીશું અને તેનો લાભ લેતા થઇશું તો આપણાં બાળકો પણ આપોઆપ એ તરફ વળશે.

દિવાળી પછી નવા વર્ષમાં નૂતન વિચારોને વધાવવાની આ એક તક છે. શાંતિ, સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ આપોઆપ આવશે. હાર્દિક શુભેચ્છાઓ!

– હિમાંશુ

(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop