
તમને સુગર કે બીપીનો પ્રોબ્લેમ છે? તમને મોતિયો આવી રહ્યો છે? કે સાંધાનો દુઃખાવો સતાવે છે? જો તમે તમારી પ્રાઇવસી જળવાય તેવી તકેદારી રાખ્યા વિના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો બની શકે કે તમારી આ બધી તકલીફો વિશે તમારા પરિવારને ખબર પડે એ પહેલાં, સંખ્યાબંધ ઇન્ટરનેટ કંપનીઓને તેની જાણ થઈ ગઈ હોય! એ પછી તમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર તમારી બીમારીને સંબંધિત જાહેરાતો દેખાવા લાગે ને ન્યૂઝ એપમાં રોજિંદા સમાચારો જોતા હો તો તેમાં પણ બીપીને કંટ્રોલમાં રાખવાનું સૂચવતા લેખો વધુ પ્રમાણમાં દેખાવા લાગે!
આમાં કંઈ નવું નથી. આપણે સૌ, કોઈ ને કોઈ રીતે આવી જાસૂસીનો ભોગ બનતા હોઇએ છીએ. પરંતુ હમણાં અમેરિકાની એક લો યુનિવર્સિટીનાં મહિલા પ્રોફેસરે આ જ સંદર્ભે પોતાનો અનુભવ એક મેગેઝિનમાં શેર કર્યો, એ જાણવા જેવો છે. આગળની વાત લગભગ એમના જ શબ્દોમાં…