સમગ્ર દેશના ખૂણે-ખૂણે લોકો કોરોના સામેની રસી મેળવી રહ્યા હતા અને તેઓ વેક્સિનેટેડ હોવાનું સર્ટિફિકેટ તેમને આપવું પણ જરૂરી હતું. ભારત કરતાં ઘણી ઓછી વસતી અને ટેક્નોલોજીની રીતે ઘણી વધુ ક્ષમતાવાળા દેશોમાં પણ આવાં કોઈ સર્ટિફિકેટ આપવામાં આવતાં નહોતાં, ત્યારે ભારતે નવા સમયના ડિજિટલ જિન – ચેટબોટ – ને કામે લગાડ્યો, જેને હવે વધુ કામઢો બનાવવામાં આવ્યો છે.

પેલી અલાદ્દીનના જાદુઈ ચિરાગવાળી વાર્તા યાદ કરો. એ વાર્તામાં અલાદ્દીન ફક્ત એક હતો, એના હાથમાં ચિરાગ પણ ફક્ત એક હતો અને અલાદ્દીનના આદેશ મુજબ કામ કરી આપતો જિન પણ એક હતો. એટલે આખી વાર્તામાં બધી કામગીરી સરળતાથી ચાલતી હતી. અલાદ્દીન જ્યારે ફુરસદ મળે ત્યારે ચિરાગ હાથમાં લઈ તેને ઘસતો, ચિરાગમાંથી જિન પ્રગટ થતો અને અલાદ્દીનના આદેશનું ફટાફટ પાલન કરી આપતો.