
તમે મધ્યમ વર્ગની ગૃહિણી હો તો તમારે એક સાથે અનેક મોરચે લડવાનું હોય. પરિવારમાં પતિ એક માત્ર કમાનાર વ્યક્તિ હોય તો તેની આવકમાં પરિવારના બધા ખર્ચ નીકળે નહીં. તમારામાં આવડત હોય, પતિને સાથ આપવાની તૈયારી હોય, પણ જોઈતી તક મળતી ન હોય!
હવે તમને આવી તક મળી શકે છે – સોશિયલ ઇ-કોમર્સ સ્વરૂપે.
લોકો વડે, લોકો થકી, લોકો માટે… આ શબ્દો અત્યાર સુધી લોકશાહી માટે વપરાતા આવ્યા છે, હવે તે ઓનલાઇન વેપારધંધા એટલે કે ઇ-કોમર્સ માટે પણ વાપરી શકાય તેમ છે! ભારતમાં અંગ્રેજોની ઇસ્ટ-ઇન્ડિયા કંપની વેપાર માટે આવી, ધીમે ધીમે ભારતને ગુલામ બનાવ્યું, એની સામે સ્વતંત્રતા આંદોલન શરૂ થયું, દેશ આઝાદ થયો અને પછી પ્રજાસત્તાક બનતાં, ખરા અર્થમાં લોકોના હાથમાં સત્તા આવી… કંઈક આવું જ બધું અત્યારે ઇ-કોમર્સના ક્ષેત્રે થઈ રહ્યું છે. દેશમાં શરૂ થયેલાં કેટલાંક સ્ટાર્ટઅપ (વિદેશી રોકાણકારોની મદદથી!) જાયન્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊભાં કરી શક્યાં, પછી વિદેશી કંપનીઓ મેદાનમાં આવી અને છેવટે ફક્ત બે જ મહારથી ટક્યા, જેની કમાન વિદેશીઓના હાથમાં છે! હવે આ ‘ડ્યુઓપોલી’ સામે પણ નાનાં-મોટાં આંદોલનો શરૂ થયાં છે અને સત્તા ફરી લોકોના હાથમાં આવી રહી છે!