
સાત-આઠ વર્ષ પહેલાં, ૨૦૧૪માં મૂળ ભારતીય અને ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગની ડિગ્રી મેળવનારા સત્યા નડેલાને માઇક્રોસોફ્ટ કંપનીના સીઇઓ બનાવવામાં આવ્યા ત્યારે કંપનીની સ્થિતિ તદ્દન ડામાડોળ હતી. માઇક્રોસોફ્ટનો ઇતિહાસ ભવ્ય હતો, પણ ભવિષ્ય ધૂંધળું હતું.
એક જમાનામાં ઓફિસના કામકાજની બાબતે આપણા કમ્પ્યૂટરમાં માઇક્રોસોફ્ટનું એકચક્રી શાસન હતું. ઓફિસનું કમ્પ્યૂટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આધારિત હોય. તેમાં પાર વગરનાં ફીચર્સ ધરાવતા વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ જેવા ઓફિસ પ્રોગ્રામ્સ હોય અને ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર નામે વેબ બ્રાઉઝર હોય. ઓફિસનું લગભગ બધું કામકાજ આ પાંચેક પ્રોગ્રામમાં સમેટાઈ જતું હતું.