ફોન ધીમો પડી ગયો એવું લાગતું હોય કે કોઈ એપ વારંવાર ક્રેશ થઈને પજવતી હોય તો તેનું કારણ ‘કેશ’ હોઈ શકે છે. તેની નિયમિત સફાઈ જરૂરી છે.
આપણા ઘરમાં કે બેન્ક એકાઉન્ટમાં કેશ જમા થાય એ ખુશીની વાત છે, પણ સ્માર્ટફોનમાં ‘કેશ’ જમા થાય એ તકલીફની વાત છે કારણ કે સ્માર્ટફોનમાં કેશનો અર્થ તદ્દન જુદો થાય છે (તેનો સ્પેલિંગ Cache છે, પણ ઉચ્ચાર ‘કેશ’ છે)!
સ્માર્ટફોનમાં આપણે જે પણ એપ્સ ઇન્સ્ટોલ કરીએ અને ઉપયોગમાં લઇએ તેને સંબંધિત વિવિધ ડેટા કેશ સ્વરૂપે જમા થતો હોય છે. ફોનમાંની જુદી જુદી એપ્સનો આપણે ઉપયોગ કરીએ ત્યારે તેમાંની ઘણી બાબતો બીજી વાર ઝડપથી લોડ થાય એ માટે કેશ તરીકે ડાઉનલોડ થતી હોય છે.