અમદાવાદના બે યુવાનોએ ક્રિકેટ માટેના પ્રેમને સ્ટાર્ટઅપમાં ફેરવીને, લોકલ મેચના સ્કોરને પણ ડિજિટલ બનાવતી અને ખેલાડીને પોતાની ગેમ તપાસવા/સુધારવામાં મદદ કરતી એપ વિક્સાવી છે.
ભરબપોરે બિલ્ડિંગનો છાંયો શોધીને તૂટલું ફૂટલું બેટ લઈને ‘મેદાન’માં ઊતરતો ટાબરિયો હોય કે પછી રોજ વહેલી સવારે નજીકના મેદાનમાં, એક જ મેદાનમાં આઠ-દસ ‘પીચ’ પર રમાતી મેચમાં બોલિંગ કરતો બોલર હોય, દરેકની આંખમાં એક દિવસ ઇંગ્લેન્ડના લોર્ડ્ઝમાં કે ભારતના ઇડનગાર્ડનમાં વર્લ્ડકપની ફાઇનલમાં બેટિંગ કે બોલિંગ કરવાનું સપનું હોય છે!
કેમ? કેમ કે હમણાં તો મહેન્દ્રસિંહ ધોની આપણને વારંવાર યાદ અપાવે છે, ‘‘યે ગેમ હૈ મહાન!’’
ભારત અને બીજા સંખ્યાબંધ દેશોમાં ક્રિકેટ ખરેખર ધર્મ સમાન છે. અસંખ્ય લોકોને ટીવી પર રમાતી મેચ જોવામાં રસ હોય તો બીજા લગભગ એટલા જ લોકો પોતે ફિલ્ડમાં ઊતરીને ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા હોય. આમાંથી ઘણા પોતાની કોલેજની ટીમમાં સામેલ થાય, આગળ વધીને રણજી ટ્રોફીમાં રમતા થાય, ત્યાંથી આગળ વધીને આઇપીએલ સુધી પણ પહોંચી શકે અને ખરેખર ટેલેન્ટ હોય તેમજ નસીબ જોર કરતું હોય તો એક દિવસ ભારતની સત્તાવાર ટીમની જર્સી પણ પહેરવા મળે.