આધુનિક એકલવ્ય બનવું છે? ગુરુ બનાવો ઇન્ટરનેટને!

પોતાનું લક્ષ્ય સ્પષ્ટ હોય તો ગમે તેવા અવરોધોને તમે ઓળંગી શકો છો - આ વાતના જીવંત ઉદાહરણ જેવા અમદાવાદના એક વિદ્યાર્થીની અનોખી શિક્ષણસફર સૌને માટે પ્રેરણાદાયી છે. એ સાથે, તમને પણ ઉપયોગી થાય તેવા ઇ-લર્નિંગના વિવિધ સ્રોત પણ જાણો!

ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે – માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી).

ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો હતો, જેમાં કોલેજમાં ગયા વિના શિક્ષણ અને ડીગ્રી મેળવી શકાતાં, પરંતુ ઇ-લર્નિંગથી શિક્ષણ ખરા અર્થમાં વિશ્વવ્યાપી બન્યું છે.

હવે વિશ્વની અનેક યુનિવર્સિટીઝ લેક્ચર્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરે છે, જેનો કોઈ પણ લાભ લઈ શકે છે.

માસિવ ઓપન ઓનલાઇન કોર્સ તેનાથી એક ડગલું આગળ વધે છે અને આ અનૌપચારિક લાગતા શિક્ષણને જરા વધુ વ્યવસ્થિત માળખું પણ આપે છે. આ પ્રકારના કોર્સમાં ક્લાસરૂમ લેક્ચર્સ ઉપરાંત ઇન્સ્ટ્રક્ટરનું માર્ગદર્શન, પ્રેક્ટિકલ્સ, એસાઇન્મેન્ટ્સ, ફીડબેક, એક્ઝામ વગેરે પણ સામેલ હોય છે.

સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારના ઘણા ખરા કોર્સ  ‘સેલ્ફ પેસ્ડ’ હોય છે એટલે કે આપણે આપણી અનુકૂળતાએ, કોર્સમાં આગળ વધી શકીએ છીએ.

ફીની વાત કરીએ તો ઓનલાઇન કોર્સીઝ મોટા ભાગે બે પ્રકારના હોય છે. કેટલીક કંપની સ્ટુડન્ટસ પાસેથી ફી લે છે, તો કેટલીક સાઇટ પર વિવિધ યુનિવર્સિટીની ગ્રાન્ટ્સથી તદ્દન ફ્રી કોર્સ ઓફર કરવામાં આવે છે. આવી સાઇટ પર જો તમે કોર્સ પૂરો કર્યાનું સર્ટિફિકેટ મેળવવા માગતા હો તો તમારે નિશ્ચિત ફી ચૂકવવી પડે છે, બાકી ફક્ત નોલેજનો કોઈ ચાર્જ નથી!

આપણા દેશના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના કોર્સ વિશેષ ઉપયોગી છે કારણ કે કમ્પ્યુટર સાયન્સ અને આઇટી જેવાં તેજ ગતિએ વિકસતાં ક્ષેત્રો સાથે આપણી કોલેજીસના અભ્યાસક્રમો તાલ મિલાવી શકતા નથી.

હવે સમય સતત શીખતા રહેવાનો છે, એટલે પોતાના ફિલ્ડમાં સતત અપડેટ રહેવા માગતી વ્યક્તિ માટે પણ આવા કોર્સીસ વરદાન રૂપ છે.

મતલબ કે સવાલ ફક્ત તમારી પોતાની ધગશનો છે, તમને જ્ઞાન આપવા ગુરુજી તો તૈયાર જ છે!

આ લેખમાં આગળ અમદાવાદના એક વિદ્યાર્થીના સંઘર્ષભર્યા ઓનલાઇન લર્નિંગના પ્રયાસો તથા વિવિધ ઓનલાઇન લર્નિંગની સાઇટ્સની પૂરક માહિતી આપી છે.

ઓપન ઓનલાઇન કોર્સ અનેક વિષયમાં ઉપલબ્ધ છે

ઓનલાઇન કોર્સ માત્ર ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વિષયો પૂરતા સીમિત નથી. વિવિધ યુનિવર્સિટી જુદા જુદા અનેક વિષયોમાં, સૌને મફતમાં પોતાનું જ્ઞાન વિસ્તારવાની તક આપે છે. તમે કોઈ પણ વિષયમાં કારકિર્દી ઘડવા માગતા હો કે પછી કોઈ ક્ષેત્રમાં જોડાઈ ગયા પછી તમારા અભ્યાસને વિસ્તારવા માગતા હો, આ કોર્સીસ તમને બહુ ઉપયોગી થઈ શકે છે. તમે www.mooc.org સાઇટ પર જઈને શરૂઆત કરી શકો છો.

મળો આજના એકલવ્યને!

જિમિત જયસ્વાલ, અમદાવાદમાં પોતાના ઘરમાં

 

“પપ્પા મને મારી જિંદગીનું એક વર્ષ કે થોડા મહિના આપો. મારે જે કરવું છે એ કરી લેવા દો. જો ન કરી શકું તો પછી તમે જે કહેશો તે હું કરીશ. ફિલ્મ ‘થ્રીઇડિયટ’માં જોવા મળ્યો હતો કંઈક એવો જ સીન અમદાવાદના એક નાનકડા ઘરમાં ભજવાઈ રહ્યો હતો.

પપ્પા માટે હા કહેવી મુશ્કેલ હતી કેમ કે ભૂતકાળમાં દીકરાએ કરેલી ‘ભૂલો’ તેમની નજર સામે હતી. બીજી બાજુ દીકરો જે ધગશથી મનગમતી દિશામાં આગળ જવા મથી રહ્યો હતો એ પણ એમનાથી અજાણ્યું નહોતું.

પપ્પાએ હા કહી. દીકરો પૂરી લગન સાથે આગળ વધ્યો અને થોડા સમયમાં એણે એવું કરી બતાવ્યું કે ગૂગલ ઇન્ડિયાના બ્લોગ પર તેની નોંધ લેવાઈ!

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા જિમિત જયસ્વાલની આ સફર ખરેખર ફિલ્મની સ્ક્રિપ્ટ  જેવી રોમાંચક રહી છે. જેના નસીબમાં પિતાની જેમ ઓટોમિકેનિક બનવાનું લગભગ લખાઈ ચૂક્યું હતું એવા જિમિતે ઇન્ટરનેટને ગુરુ બનાવીને રીતસર એકલવ્યની જેમ શિક્ષણ મેળવ્યું અને મનગમતી કારકિર્દીની દિશામાં આગળ વધીને પોતાનું નસીબ બદલી નાખ્યું.

જિમિતની અનોખી શિક્ષણસફરના વળાંકો

શરૂઆતના દિવસો

જિમિતનો જન્મ ૧૯૯૪માં. ઘોડાસરની જિગર સ્કૂલમાં ભણતો જિમિત પાંચમા ધોરણમાં હતો ત્યારે તેણે પહેલીવાર કમ્પ્યુટર જોયું. તેને કમ્પ્યુટર ગમી ગયું. દસમા ધોરણમાં આવ્યો ત્યારથી તેણે કમ્પ્યુટર લાવી આપવાની પપ્પા પાસે જિદ પકડી.

જિમિતના પિતા ભાવેશભાઈ અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ફૂટપાથ પર ભાડાની જગ્યામાં નાનકડું ઓટો ગેરેજ ચલાવે છે.

દીકરાની કમ્પ્યુટરની જિદ ન સંતોષવાનું એમની પાસે બીજું પણ એક કારણ હતું. જિમિત ગણિતમાં બિલકુલ કાચો હતો. ઘરમાં કમ્પ્યુટર તો ન આવ્યું પણ એ સમયમાં પહેલવહેલો મોબાઇલ ઘરમાં આવ્યો. ટુ-જી કનેકશનના એ જમાનામાં મોબાઇલમાં ફક્ત ઇન્ટરનેટ ખોલ્યાનો સંતોષ મળે તેમ હતો એથી વિશેષ કશું સર્ફિંગ થઈ શકે એવું નહોતું કારણ કે મોબાઇલ જૂના જમાનાની ટેકનોલોજીનો હતો અને જિમિતના વિસ્તારમાં મોબાઇલનાં સિગ્નલ પણ નબળાં હતાં.

જિમિતને કમ્પ્યુટર ને મોબાઇલની દુનિયાનો રંગ લાગી ગયો. જોકે એ પોતે કહે છે તેમ એ સમયે કેમ આગળ વધવું એની કોઈ સમજ એને નહોતી.

બીજી તરફ પિતાએ દસમા ધોરણમાં ૪૫ ટકા લાવનારો દીકરો હવે ઓટોમિકેનિક જ બની શકશે એવું વિચારીને તેને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇટીઆઇ)માં ઓટોમિકેનિકના કાર્સમાં એડમિશન લેવડાવી દીધું.

સાથોસાથ દીકરાનો મોબાઇલમાં રસ જોઈને એને નોકિયાનો મોબાઇલ પણ અપાવ્યો. એ સમયે હજી એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું આગમન થયું નહોતું. સિમ્બાયન ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા નોકિયા ફોન્સનો દબદબો હતો. જિમિત રાત-દિવસ પોતાના ફોનમાં જાતભાતની થીમ્સ, સોફ્ટવેર વગેરે ડાઉનલોડ કરવા લાગ્યો અને એમાં થાય એવા અખતરાની શરૂઆત કરી.

ઘરેથી એ ‘આઇટીઆઇમાં જાઉં છું’ કહીને નીકળતો અને પહોંચતો સાયબર કાફેમાં. મમ્મી કે પપ્પા પાસેથી દરરોજ આછી પાતળી રકમ મળતી એ બધી તે સાયબર કાફેમાં ખર્ચી નાખતો. જિમિત મોબાઇલ થીમ્સ, એપ્સ, સોફ્ટવેર વગેરેની દુનિયામાં ઊંડો ઊતરતો ગયો.

દરમિયાન જિમિત mobile9.com સાઇટના પરિચયમાં આવ્યો. આ સાઇટ એ સમયે સિમ્બાયન ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન માટે એપ્સ, ગેમ્સ, થીમ્સ, વોલપેપર્સ, રિંગટોન્સ વગેરે ઓફર કરતી હતી. જુદા જુદા લોકો આ પ્રકારનું કન્ટેન્ટ જનરેટ કરીને આ સાઇટ પર ફ્રી ડાઉનલોડ માટે મૂકી શકતા હતા.

જિમિતને આ બધાનું એટલું ઘેલું હતું કે તેણે કોઈ ઓળખીતાની મદદથી ફોટોશોપ સોફ્ટવેર થોડું ઘણું શીખીને તેમાં મોબાઇલ માટેના આઇકન્સ, થીમ્સ વગેરે બનાવીને મોબાઇલનાઇન સાઇટ પર અપલોડ કરવાની શરૂઆત કરી. ત્યાંથી આગળ વધીને તેણે નોકિયા પ્લેસ્ટોર માટે થીમ્સ બનાવવાની શરૂઆત કરી.

પોતાની થીમ્સ નોકિયા પ્લેસ્ટોરમાં વેચવા માટે તેણે ગમે તેમ કરી, મમ્મી-પપ્પાને મનાવીને રૂ. ૬૫૦૦ની ફી પણ ભરી. પરંતુ બરાબર એ જ સમયે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું આગમન થયું. નોકિયાનાં વળતાં પાણી થયાં અને જિમિતે ભરેલા રૂપિયા પણ પાણીમાં ગયા.

પણ જિમિત હિંમત ન હાર્યો.

એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં રસ જાગ્યો

નોકિયા ફોન ભૂલાઈ ગયા પછી જિમિતને એટલું સમજાઈ ગયું હતું કે હવે એન્ડ્રોઇડ એપ્સ ડેવલપમેન્ટનો જમાનો આવશે. જિમિતે ઇન્ટરનેટ પર યુટ્યૂબ અને અન્ય સાઇટ્સ પર એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ અને પ્રોગ્રામિંગ લેંગ્વેજિસને લગતાં ખાંખાંખોળાં શરૂ કર્યાં.

જોકે બે મોટા અવરોધ હતા. જિમિતનું ગણિત તો સાવ કાચુ હતું જ, ઇંગ્લિશમાં પણ તે નબળો હતો. કોડિંગ શીખવતી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપતી જુદી જુદી ફ્રી સાઇટ્સ પર જુદી જુદી લેંગ્વેજની મદદથી ફક્ત ‘હેલ્લો’ શબ્દ કેવી રીતે લખાય એટલું એ શીખી શક્યો. જિમિત કહે છે, “એ બધું મને ગમતું હતું પણ ખરેખર હું શું શીખું તો મને ઉપયોગી થશે એની કોઈ સમજ પડતી નહોતી.

જિમિતનું ગણિત સાવ કાચું હતું અને ઇંગ્લિશમાં પણ તે નબળો હતો. તેમ છતાં, તેણે જુદી જુદી રીતે મહેનત ચાલુ રાખી.

દરમિયાન પરિવાર તો એવું જ માનતો હતો કે આઇટીઆઇનો તેનો અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો છે. જિમિતની કમ્પ્યુટર લેવાની જિદ ફરી સળવળી અને આ વખતે પપ્પાએ નમતું જોખી લેપટોપ અપાવ્યું. એ સમયે ઘરમાં ઇન્ટરનેટ કનેકશન તો નહોતું એટલે મોબાઇલ પર ટુ-જી કનેકશનથી જેટલું થઈ શકે એટલું સર્ફિંગ એ કરતો અને બાકીની કસર સાયબર કાફેમાં જઇને પૂરી કરતો.

જોકે આઇટીઆઈમાં તેની લાંબી ગેરહાજરી પછી ઇન્સ્ટ્રકટરે કારણ પૂછ્યું. જિમિતે તાવનું બહાનું કાઢ્યું. ઇન્સ્ટ્રકટરે મેડિકલ સર્ટિફિકેટ લાવવા કહ્યું.

હવે જિમિત મુંઝાયો. પિતા પાસે પોતે આઇટીઆઇમાં નિયમિત અભ્યાસ કરી રહ્યો હોવાનું કહીને લેપટોપ લેવડાવ્યું હતું. બીજી બાજુ આઇટીઆઇમાં જવાને બદલે તે મોબાઇલ અને ઇન્ટરનેટમાં ઊંડો ઊતરતો ગયો હતો પરંતુ હજી કશું નક્કર શીખી શક્યો નહોતો. આ બધું મમ્મી-પપ્પાને કેવી રીતે ગળે ઉતારવું એની ભીંસ એટલી વધી કે એક દિવસ જિમિત ઘરે કોઈને કહ્યા વિના મુંબઈ પહોંચી ગયો. જોકે બીજે જ દિવસે તેણે ત્યાંથી પપ્પાને ફોન કર્યો અને મુંબઈમાં વસતા સંબંધીની મદદથી એ અમદાવાદ પરત ફર્યો.

મોબાઇલ પર ટુ-જીથી થાય એટલું સર્ફિંગ કરતો અને બાકીની કસર તે સાયબર કાફેમાં જઈને પૂરી કરતો હતો.

રોજેરોજ આકરી મહેનત કરીને પરિવારનું ભરણપોષણ કરતા પિતા માટે દીકરાનું આ વર્તન સમજવું કે સહન કરવું મુશ્કેલ હતું. તેમણે દીકરાને અમદાવાદની એક ઓટો કંપનીમાં એક્સટર્નલ એપ્રેન્ટિસ તરીકે જોતરી દીધો.

જોકે એ કંપનીમાં બીજા દિવસે જ સ્ટાફમાં સૌને ખબર પડી ગઈ કે જિમિતને ઓટોમિકેનિક બનવામાં કોઈ રસ નથી એના રસની દુનિયા બીજી જ કોઈક છે. જિમિતને ‘એ કંપનીમાં જેલ જેવું લાગતું હતું’. જિમિતની મોબાઇલમાં આવડત અને રસ જોઈ કંપનીના લોકો કહેતા કે “મમ્મી પપ્પાને એકવાર થ્રીઇડિયટ ફિલ્મ બતાવી દે તો એ લોકો તને તારી ગમતી દિશામાં જવા દેશે.

જોકે હવે પપ્પાને વધુ કંઈ કહેવાની જિમિતની હિંમત રહી નહોતી. જેમ તેમ કરીને એ ઓટો કંપનીમાં તેણે એકાદ વર્ષ એપ્રેન્ટિસ તરીકે કામ કર્યું. એ દરમિયાન અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ રિલાયન્સ જિઓ કંપનીના ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ શરૂ થયા હતા.

ફ્રી વાઇ-ફાઇથી અભ્યાસ આગળ વધાર્યો

જિમિત પોતાની સાથે લેપટોપ લઇને  ઘરેથી નીકળતો અને પેલી ઓટો કંપનીના સર્વિસ સ્ટેશન નજીક એસજી હાઇવે પાસે જ્યાં જિઓ વાઇ-ફાઇ પકડાય ત્યાં બેસી જતો. એ દરમિયાન જુદી જુદી અનેક સાઇટ્સ પર ભટકતો જિમિત યુડેસિટીની સાઇટ પર જઇ ચડ્યો.

જિમિતે તેમાં એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ માટેનો કોર્સ જોયો. જિમિતને સમજાયું કે પહેલાં તેણે જાવા બરાબર શીખવું પડશે. જાવાના વીડિયોને જોયા પરંતુ એ સમજવા બહુ હાર્ડ લાગ્યા. તેમાં શીખવવામાં આવેલી બાબતો ધો.૧૧ અને ૧૨ના ગણિત આધારિત હતી. જિમિતને તો ૧૦મા ધોરણનું ગણિત સમજવામાં પણ ફાંફાં પડ્યાં હતાં. એક ઓળખીતાએ તેને જાવાની બુક લઇને પ્રયાસ કરવાની સલાહ આપી.

બુક ઇંગ્લિશમાં હતી! જિમિત ઇંગ્લિશ ન સમજાય તોય એક એક શબ્દ વાંચતો ગયો અને બુકમાં ઘણા પ્રેક્ટિકલ્સ પણ આપેલા હતા એ જોઈ જોઈને લેપટોપમાં પોતાનો અભ્યાસ આગળ વધારતો ગયો.

લેપટોપ મળ્યું, પણ ઇન્ટરનેટ કનેક્શન નહોતું. ડોંગલ ખરીદ્યું પણ તેનો પ્લાન ત્રણ દિવસમાં જ પૂરો થઈ ગયો! હવે શું કરવું?

જિમિતને લાગ્યું કે આવનારો સમય એન્ડ્રોઇડ ડેવલપમેન્ટનો છે અને તેને લગતું બધું જ્ઞાન તે ઇન્ટરનેટ પરથી ફ્રીમાં મેળવી શકશે. છેવટે તેણે પિતાને ફરી સમજાવવાની હામ ભીડી અને ફક્ત એક વર્ષ તેનું ધાર્યું કરવાની છૂટ આપવા કહ્યું.

જિમિત કહે છે, “હું આખી જિંદગી પસ્તાવા નહોતો માગતો. મને એટલું સમજાઈ ગયું હતું કે મારે ઓટોમિકેનિક બનવું નથી, એ મારું ફિલ્ડ નથી. મારે જે કરવું હતું એની હું બહુ નજીક હતો. હું બધું મફતમાં શીખી શકું એમ પણ હતો. ફક્ત એકવાર પૂરેપૂરું મથી લેવાની વાત હતી.

આખરે પપ્પાએ છૂટ આપી. જિમિતે પહેલાં જાવાની બુક પૂરી કરી અને પછી નવેસરથી યુડેસિટી પર એન્ડ્રોઇડ ડેવલપમેન્ટના કોર્સ શીખવાનું શરૂ કર્યું. ઘરમાં ઇન્ટરનેટ કનેકશન નહોતું એટલે એક કંપનીનું ડોંગલ લઇ જોયું પણ તેનો જીબીનો પ્લાન ત્રણ દિવસમાં જ ખર્ચાઈ ગયો. આ કોઈ રીતે પોસાય તેમ નહોતું. દરમિયાન ખબર પડી કે કાંકરિયામાં જિઓનું ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ હતું.

ગૂગલ ડેવલપર્સ મીટમાં જિમિતનો ઉલ્લેખ

જિમિતે દરરોજ સવારે ૯-૧૦ વાગ્યામાં કાંકરિયા જવાનું શરૂ કર્યું. મમ્મી ટિફિન ભરી આપતાં. કાંકરિયાની દસ રૂપિયાની ટિકિટનો ખર્ચ થતો પણ જિમિત રાતના ૯-૧૦ વાગ્યા સુધી કાંકરિયામાં બેસી રહેતો. એ રીતે જિમિતે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટનો પહેલો કોર્સ પૂરો કર્યો. કોર્સ મફતમાં કર્યો હતો એટલે કોઈ સર્ટિફિકેટ ન મળ્યું. પણ એટલો વિશ્વાસ મળ્યો કે એન્ડ્રોઇડ ડેવલપર તરીકે નોકરી મળે એટલું તો શીખી લીધું છે.

પહેલી નોકરી

જિમિતે વિવિધ જોબ પોર્ટલમાં એપ્લાય કરવાનું શરૂ કર્યું. દરેક અરજીમાં એણે એક વાક્ય લખવું પડતું કે ‘કોઈ ડિગ્રી નથી પણ કામ જાણું છું.’

કોઈ અરજીનો જવાબ ન મળતાં જિમિત મુંઝાયો. દરમિયાન કોઈ ફ્રેન્ડના ફ્રેન્ડની મદદથી અમદાવાદની એક આઇટી કંપનીમાં ઇન્ટરવ્યૂની તક મળી. કંપનીવાળાએ એક પ્રેક્ટિકલ પ્રોજેક્ટ આપ્યો અને એ કામ જિમિતે બરાબર કરી આપતા તેને જિંદગીની પહેલી નોકરી મળી.

જોકે કંપનીમાં કામ કરવાનો કોઈ અનુભવ નહીં, તદ્દન અજાણ્યું પ્રોફેશનલ વાતાવરણ… આ બધાને કારણે જિમિત નર્વસ રહેતો હતો. કંપની તરફથી પ્રોત્સાહન હતું પણ પછી જિમિતને પગાર પણ ઓછો હોવાનું લાગતાં આખરે તેણે એ નોકરી છોડી.

એ દરમિયાન યુડેસિટીમાં નવા એડવાન્સ્ડ કોર્સ આવી ગયા હતા. જિમિતે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટની સાથોસાથ મટીરિયલ ડિઝાઇન, એડવાન્સ્ડ એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ તથા એપમાં વિવિધ પ્રકારનું ઇન્ટિગ્રેશન વગેરે શીખી લીધું. જિમિત કહે છે કે આ બધી જ બાબત તે કોઈ એક સ્રોતમાંથી શીખવાને બદલે ત્રણ-ચાર સ્રોતમાંથી શીખવાનો પ્રયાસ કરે છે જેથી જે તે વિષયની શક્ય એટલી વધુ સમજ મળે.

એકથી વધુ સ્રોતમાંથી શીખવાનો અભિગમ

ઇન્ટરનેટ પર લગભગ બધી સાઇટ પર, જે કોર્સ મફત ન હોય તેમાં પણ અમુક સમયની ફ્રી ટ્રાયલ તો મળતી જ હોય છે. જિમિત આવી ફ્રી ટ્રાયલમાં જોડાઇ, કોર્સનો અભ્યાસક્રમ બરાબર સમજીને પછી તેના મુદ્દાઓ યુટ્યૂબ અને અન્ય વિવિધ ફ્રી માધ્યમ પરથી પચાવવાની મહેનત કરે છે. આવા કોર્સીઝના ઇન્સ્ટ્રક્ટર્સ દરેક વિદ્યાર્થીને, પોતે જે શીખે તે કોઈ સ્વજન કે મિત્રને સમજાવવાની સલાહ આપે છે, જેથી તેમની પોતાની સમજ વધુ પાકી થાય. જિમિત પોતે શીખેલું બધું રોજેરોજ મમ્મીને સમજાવવાનો પ્રયાસ કરે છે. એનાં મમ્મી હળવાશથી કહે છે કે “હવે તો મનેય જિમિતની વાતોમાં થોડી સમજણ પડવા માંડી છે.

જિમિતે એ પછી ફરી વિવિધ કંપનીમાં નોકરી માટે અરજી કરવાનું શરૂ કર્યું. આ વખતે લગભગ દરેક કંપનીમાંથી ઇન્ટરવ્યૂ કોલ આવ્યો અને મે ૨૦૧૭માં એક કંપનીમાં માસિક રૂ. ૧૪૦૦૦ના પગારથી તેને જુનિયર એન્ડ્રોઇડ ડેવલપર તરીકે નોકરી મળી.

જિમિતે એ કંપનીના ઓફર લેટર સાથે યુડેસિટીને તેનો આભાર માનતો એક ઈ-મેઇલ મોકલ્યો. જિમિતે તેને આવડે એવા ઇંગ્લિશમાં કંપનીનો આભાર માનીને કહ્યું યુડેસિટીના સાથ વગર તે આટલે સુધી પહોંચી શક્યો ન હોત. જિમિતે એ પણ લખ્યું કે તેણે યુડેસિટીના કોર્સ જાહેર સ્થળોએ ફ્રી વાઇ-ફાઇની મદદથી પૂરા કર્યા હતા. યુડેસિટીના ઓફિસરે આ વાત ગૂગલને પહોંચાડી. ગૂગલના એક્ઝિક્યુટિવે યુડેસિટીના સાથમાં જિમિત સાથે વીડિયો કોન્ફરન્સ યોજી. પછી ગૂગલ ઇન્ડિયાના બ્લોગ પર જિમિતની આ શિક્ષણ યાત્રાનો ઉલ્લેખ થયો!

જોકે હવે જિમિતે તેને મળેલી નવી નોકરી પણ છોડી દીધી છે!

ભવિષ્યનાં લક્ષ્યો

જિમિતને લાગ્યું કે આવનારો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો છે, પરંતુ એમાં આગળ વધવા માટે લિનિયર એલજિબ્રા, કેલ્ક્યુલસ, સ્ટેટિસ્ટિક્સ પર સારી એવી પકડ જોઈએ. એઆઇના પહેલા પગથિયા તરીકે પહેલાં મશીન લર્નિંગ સમજવું પડે. સાથોસાથ પાયથોન લેંગ્વેજ બરાબર સમજવી જોઈએ.

જિમિતે એક સાથે ઘણા બધા મોરચે લડવાનું હતું અને એ બધું તે નોકરીની સાથે કરી નહીં શકે એમ લાગ્યું.

હવે જિમિતે વિવિધ સાઇટ પર જઈને ડીપ લર્નિંગ અને મશીન લર્નિંગ તથા એમઆઇટીના ઓપનકોર્સવેરની મદદથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવાનું શરૂ કર્યું છે. તે યુડેસિટીની સાઇટ પર મશીન લર્નિંગનો પેઇડ કોર્સ કરવાની પણ તૈયારી કરી રહ્યો છે, જેથી તેને નેનો ડીગ્રીનું સર્ટિફિકેટ પણ મળે.

જિમિત પોતાની ધગશ અને ખાસ તો ફોકસ જાળવી રાખી શકશે તો તેનું ભાવિ ચોક્કસ ઘણું ઉજ્જવળ છે.

જિમિત અને તેના પરિવારે ‘સાયબરસફર’ સાથે નિખાલસતાથી તેમની બધી મૂંઝવણો અને પડકારોની વાત કરી. એટલું સ્પષ્ટ છે કે જિમિતની આપબળની મહેનત હવે રંગ લાવી રહી છે.

અત્યાર સુધીમાં તે જે કંઈ શીખી શક્યો છે તે જોતાં તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે દિશા પકડી છે તે એકદમ સાચા સમયે અને યોગ્ય છે. જો તે પોતાની ધગશ અને ખાસ તો ફોકસ જાળવી રાખશે તો તેનું ભાવિ ચોક્કસ ઘણું ઉજ્જવળ છે!

ઓનલાઇન લર્નિંગ માટે ઉપયોગી સાઇટ્સ

edx.org

એડએક્સની સ્થાપના હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)એ સંયુક્ત રીતે ૨૦૧૨માં કરી. આ કંપની નોનપ્રોફિટ અને ઓપન સોર્સ છે અને દુનિયાની અનેક યુનિવર્સિટીઝના સાથમાં, અનેક વિષયો પર કોર્સીઝ ઓફર કરે છે. વિષયનો પ્રાથમિક પરિચય આપતા કોર્સથી માંડીને કરિયર વિક્સાવી શકાય એટલું ઊંડાણ ધરાવતા કોર્સ અહીં મળી રહે છે.

મોટા ભાગના કોર્સ મફત છે, જો તમારે કોર્સ પૂરો કર્યાનું વેરિફાઇડ સર્ટિફિકેટ જોઈતું હોય તો એ માટે થોડી ફી ચૂકવવી પડે છે. આ સાઇટનો લાભ લેતા ૬૫ ટકા લોકો ૨૫ વર્ષથી વધુ ઉંમરના અને સતત નવું શીખવા ઇચ્છતા લોકો છે!

જુઓ edx.org

ocw.mit.edu

ટેક્નોલોજી ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધનો અને શિક્ષણ માટે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી) જગવિખ્યાત છે. આ ઇન્સ્ટિટ્યૂટના ૨૪૦૦ જેટલા કોર્સીસનું લગભગ તમામ કોર્સ મટીરિયલ આ સાઇટ પર સૌના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

વિવિધ સ્કૂલના શિક્ષકો પોતાના શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે તથા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પોતાના ક્ષેત્રનું વધારાનું શિક્ષણ, પોતાની રીતે મેળવી શકે એ આ સાઇટનો હેતુ છે. જોકે આ સાઇટનો લાભ લેતા લોકોમાં ભારત, પાકિસ્તાન વગેરે દેશના લોકોનું પ્રમાણ માત્ર ૯ ટકા છે.

જુઓ ocw.mit.edu

nptel.ac.in

આપણા દેશની સાત આઇઆઇટી અને આઇઆઇએસસીએ સાથે મળીને ‘નેશનલ પ્રોગ્રામ ઓન ટેક્નોલોજી એન્હેન્સ્ડ લર્નિંગ’ નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અહીં એન્જિનીયરિંગનો ગ્રેજ્યુએટ કક્ષાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ)એ સૂચવેલા અભ્યાસક્રમ મુજબ સંખ્યાબંધ કોર્સીસ, મોટા ભાગે વીડિયો લેક્ચર સ્વરૂપે, આપવામાં આવ્યા છે.

કોલેજનાં સેમેસ્ટર મુજબ કયાં લેકચર્સ જોવાં જોઈએ એનાં સૂચન પણ અહીં મળશે. આ કોર્સ મટીરિયલ્સનો કોઈ પણ, મફતમાં લાભ લઈ શકે છે.

જુઓ nptel.ac.in

in.udacity.com

ઓટોનોમસ કાર અને ગૂગલ ગ્લાસ પ્રોજેક્ટને લીડ કરનારી વ્યક્તિએ આ કંપની સ્થાપી છે. આઇટી ફિલ્ડના ઓનલાઇન કોર્સીઝ માટે અત્યારે વિશ્વઅગ્રણી મનાય છે. આ સાઇટ પર પેઇડ કોર્સીઝ ઉપરાંત સંખ્યાબંધ ફ્રી કોર્સીઝ પણ ઉપલબ્ધ છે, જે મોટા ભાગે વિવિધ વિષયની પાયાની સમજણ કેળવવા માટે પૂરતા છે. આવા કોર્સમાં વીડિયોથી માર્ગદર્શન, પ્રેક્ટિકલ્સ વગેરે સામેલ હોય છે અને શીખવવાની રીત અત્યંત સરળ હોય છે.

ગૂગલ તરફથી ભારતના પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે અવારનવાર આ સાઇટ પર સ્કોલરશીપ આપવામાં આવે છે, તેનો પણ લાભ લેવા જેવો છે.


 

khanacademy.org

ફક્ત એક વ્યક્તિએ પોતાના પિતરાઈને મેથ્સમાં મદદ કરવાના આશયથી શરૂ કરેલી યાત્રાએ હવે એક વિરાટ સ્વરૂપ લઈ લીધું છે. આ સાઇટ પર શરૂઆતમાં ફક્ત ગણિતનાં વિવિધ પાસાં એકદમ સરળ અને અસરકારક રીતે શીખવતા વીડિયો હતા, હવે તેમાં બીજા ઘણા વિષયો ઉમેરી દેવામાં આવ્યા છે.

ભારતમાં ટાટા ઉદ્યોગ જૂથના સહયોગમાં, ખાન એકેડમી દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને અનુરૂપ વીડિયો તૈયાર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. વિવિધ વિષયની પાયાની સમજ પાકી કરવા માટે એકદમ ઉપયોગી સાઇટ.

જુઓ khanacademy.org

જો તમે કોઈ ઓનલાઇન કોર્સમાં જોડાઓ તો તમારા અનુભવો himanshu@cybersafar.com પર જરૂર શેર કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here