તમારા કોઈ નજીકના સ્વજનને આકસ્મિક સ્થિતિમાં લોહીની જરૂર ઊભી થાય અને હોસ્પિટલમાં એમને જરૂરી બ્લડ ગ્રૂપનું લોહી ઉપલબ્ધ ન હોય ત્યારે એ ગ્રૂપના રક્તદાતા શોધવાનું કામ આપણી ઉપર આવી પડે છે. આવા સંજોગમાં સોશિયલ મીડિયા બહુ ઉપયોગી થઈ શકે છે.
સામાન્ય રીતે ફેસબુક પર આપણા ફ્રેન્ડઝ કે વોટ્સએપ-હાઇક જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગની સર્વિસીઝમાં વિવિધ ગ્રૂપમાં આપણે લોહીની જરૂરિયાતનો મેસેજ મૂકીએ એ સાથે સંખ્યાબંધ લોકો સ્વૈચ્છાએ મદદ કરવાની તત્પરતા દર્શાવતા હોય છે. ફેસબુકે આ આખી વાતને જરા વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ઘણાં દેશોની જેમ ભારતમાં લોહીની હંમેશા અછત રહે છે. દરરોજ હોસ્પિટલ્સમાં જેટલા પ્રમાણમાં લોહીની જરૂરિયાત હોય છે એટલા પ્રમાણમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ તરફથી રક્ત મળતું નથી. એબી નેગેટિવ અને ઓ નેગેટિવની તો હંમેશા ખેંચ રહેતી હોય છે.
આ બધું ધ્યાને રાખીને ફેસબુકે રક્તદાન કરતા લોકો અને આ માટે કાર્યરત સંસ્થાઓને એકબીજાના જીવંત સંપર્કમાં રાખવા માટે એક નવું ટૂલ વિકસાવ્યું છે.