ભારતમાં ટેલિવિઝન પર સરકારી દૂરદર્શનની મોનોપોલી પછી ખાનગી સેટેલાઇટ્સ ચેનલ્સનો યુગ શરૂ થયો ત્યારે જેટલું મોટું પરિવર્તન આવ્યું હતું, એટલું જ કે તેનાથી પણ મોટું પરિવર્તન હવે લગભગ આવી પહોંચ્યું છે.

આમ તો ટીવી ક્ષેત્રે વર્ષોથી કોઈ મોટાં પરિવર્તન આવ્યાં નથી. ચેનલ્સની સંખ્યા અને કાર્યક્રમોના પ્રકાર બદલાય, પણ પ્રસારણ પદ્ધતિમાં કોઈ ફેરફાર નહીં. અત્યાર સુધી આપણે માત્ર કેબલ કે સેટેલાઇટથી ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) સિગ્નલ ઝીલતી ડિશ એન્ટેનાની મદદથી ટીવી જોતા આવ્યા છીએ, પણ હવે ટીવી જોવાની ઘણી વધુ રીતો ગઈ છે. કારણ દેખીતું છે – હવે ઇન્ટરનેટ અને ટીવી વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું છે!

ટીવીનું કન્ટેન્ટ સ્માર્ટ ડિવાઇસ પર

અત્યાર સુધી ટીવી પર આપણી કોઈ મરજી ચાલતી નહોતી. આપણા સૌ માટે એ એક તરફી માધ્યમ રહ્યું છે. જે સમયે, જે ચેનલ પર, જે પ્રોગ્રામ આવતો હોય એ જ આપણે જોવો પડે. ચેનલ બદલવાની આઝાદી ખરી, પણ એ તો રીમોટ કંટ્રોલ પર જેનો કંટ્રોલ હોય એના માટે!

ભારતમાં હજી પણ મોટા ભાગના પરિવાર એવા છે, જેના ત્રણ-ચાર કે પાંચ-સાત સભ્યો વચ્ચે એક જ ટીવી હોય. સ્માર્ટફોન અને વાઇ-ફાઇના આગમન સાથે આ સ્થિતિ બદલાવા લાગી. હોટસ્ટાર, ડીટ્ટો ટીવી કે વૂટ જેવી સર્વિસની મદદથી પરિવારના જુદા જુદા સભ્યો, પોતપોતાના સ્માર્ટફોન પર પોતાને ગમતા પ્રોગ્રામ જોવા લાગ્યા! યુટ્યૂબને પણ એમાં પોતાનો ભાગ ભજવ્યો.

એ કારણે, ટીવી પરનું લગભગ બધું જ કન્ટેન્ટ સ્માર્ટફોન પર પહોંચી ગયું, પણ સ્માર્ટફોનમાંના ઇન્ટરનેટનું કન્ટેન્ટ હજી ટીવી પર પહોંચ્યું નહોતું.

હજી હમણાં સુધી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ બે કે ત્રણ સાઇઝના સ્ક્રીન પર કરતા હતા – સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ કે કમ્પ્યુટરનું મોનિટર, પણ ત્યાંથી આગળ વધીને ઇન્ટરનેટને ટીવીના સૌથી મોટા સ્ક્રીન પર પહોંચાડવું ઘણી મથામણ માગી લેતું કામ હતું, સિવાય કે તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ સ્માર્ટ ટીવી ખરીદ્યું હોય!

ટીવીના મોટા સ્ક્રીન પર ઇન્ટરનેટના કન્ટેન્ટની મજા માણવી હોય તો અત્યાર સુધી આપણી પાસે બહુ મર્યાદિત વિકલ્પો હતા. કાં તો પહેલેથી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ સ્માર્ટ ટીવી ખરીદો અથવા તમારા ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ લેપટોપને ટીવી સાથે વાયરથી જોડીને ટીવીને લેપટોપના મોનિટરમાં ફેરવી નાખો, ગૂગલ ક્રોમકાસ્ટ જેવા ડિવાઇસની મદદ લો અથવા સ્માર્ટફોનમાંની મિરાકાસ્ટ નામની ટેક્નોલોજી પર હાથ અજમાવો.

આ બધા વિકલ્પોની પોતપોતાની મર્યાદા છે. ઇન્ટરનેટ કનેક્ટેડ સ્માર્ટ ટીવી સૌની પહોંચમાં નથી. ટીવીને લેપટોપનો સ્ક્રીન બનાવવા માટે પોતાનું લેપટોપ હોવું જરૂરી છે અને જરૂરી કેબલ તથા તેના કનેક્શનની થોડી ટેકનિકલ જાણકારી પણ જોઈએ. ક્રોમકાસ્ટ ડિવાઇસ આપણે ખરીદવું પડે અને મિરાકાસ્ટનું ફીચર આપણા ફોનમાં ભલે હોય, આપણા ટીવીને મિરાકાસ્ટને અનુકૂળ બનાવવા માટે જરૂરી હાર્ડવેર પણ જોઈએ (એટલા માટે તો લગભગ અત્યાર સુધી આપણે ‘સાયબરસફર’માં આ વિષયને ઝાઝું સ્પશર્યા નથી)!

અલબત્ત હવે, ખાસ કોઈ મથામણ વિના, તમારા ટીવીના મોટા સ્ક્રીન પર યુટ્યૂબના વીડિયો કે પ્લે સ્ટોરમાંની ગેમ્સની મજા માણી શકો છો – તમારું ટીવી સ્માર્ટ ન હોય તો પણ! કેમ કે હવે વિકલ્પો વધ્યા છે.

હવે ગૂગલ ક્રોમકાસ્ટ ઉપરાંત, એમેઝોન ફાયર ટીવી સ્ટિક ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. બીજી તરફ ટાટા સ્કાય, વીડિયોકોન જેવી ડીટુએચ ટીવી સર્વિસીઝ પોતાના સેટટોપબોક્સને સ્માર્ટ બનાવી રહી છે. રિલાયન્સ જિઓએ સ્માર્ટફોનમાં ફ્રી ઓફરથી જબરજસ્ત ઉથલપાથલ મચાવી દીધી છે એ જ રીતે એ ટૂંક સમયમાં ડીટુએચ અથવા કેબલ દ્વારા ટીવી માર્કેટમાં પણ ધમાકેદાર રીતે પ્રવેશે તેવી શક્યતા છે. પરંતુ આ બધામાં અત્યારે સૌથી નોંધપાત્ર છે, હજી ગયા મહિને જ લોન્ચ થયેલ ‘એરેટલ ઇન્ટરનેટ ટીવી’ સર્વિસ.


ભારતમાં નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયોના આગમન સાથે મોટાં શહેરોમાં કેબલ અને ડીટીએચના પરંપરાગત ટીવી સામે મોટો પડકાર ઊભો થવા લાગ્યો છે. આ સર્વિસીઝ ગ્રાહકો પાસેથી માસિક લવાજમ લઈને હોલીવૂડ-બોલીવૂડની મૂવીઝ ઉપરાંત સંખ્યાબંધ દેશી-વિદેશી ટીવી શો જોવાની સગવડ આપે છે, જે આપણે ઇચ્છીએ ત્યારે, આપણા સ્માર્ટ ડિવાઇસમાં જોઈ શકીએ છીએ.

જેમ કોલિંગની મોબાઇલ સર્વિસ પૂરી પાડતી કંપનીઓની કમાણી ઉપર ઇન્ટરનેટ પર ચાલતી ફ્રી ‘ઓવર-ધ-ટોપ’ સર્વિસીઝ, જેમ કે વોટ્સએપ મેસેજિંગ અને વીડિયોકોલિંગથી મોટી અસર થઈ, બરાબર એ જ રીતે, કેબલ અને ડીટીએચના બિઝનેસને ઇન્ટરનેટની મદદથી મળતા આ ટીવી કન્ટેન્ટથી જબરી હરીફાઇ મળવા લાગી છે.

ભારતમાં ટોચની ટેલિકોમ ઉપરાંત, એક મોટા ગજાની ડીટેએચ કંપની તરીકે પણ પોતાનું સ્થાન જમાવી ચૂકેલી એરટેલ કંપનીએ આ સ્થિતિનો સામના કરવા માટે ડીટીએચ અને ઇન્ટરનેટ બંનેને એકમેકમાં ભેળવી દીધાં છે અને ઇડિયટ બોક્સને ખાસ્સું સ્માર્ટ બનાવી દીધું છે!

એરટેલના આ સેટટોપબોક્સથી ભારતમાં કનેક્ટેડ ટીવીના યુગનો પ્રારંભ થઈ ગયો છે, પણ અત્યારથી એરટેલ ઇન્ટરનેટ ટીવી ખરીદી લેવાની ઉતાવળ કરવા જેવી નથી. વીડિયોકોન, ટાટા સ્કાય અને રિલાયન્સ જિઓ આ પ્રકારના ખરેખર સ્માર્ટ સેટટોપબોક્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એમનાં ફીચર્સ સહેલાઈથી સરખાવીને નિર્ણય લેવામાં સરળતા રહે એ માટે અહીં એરટેલ ઇન્ટરનેટ ટીવીનાં ફીચર્સ જાણી લઈએ.

આગળ તમે વાંચશો…

  • શું છે એરટેલ ઇન્ટરનેટ ટીવી?
  • આ સેટટોપબોક્સથી શું શું જોઈ શકાય કે કરી શકાય?
  • આ સેટટોપબોક્સ ગમે તે ટીવીમાં ચાલશે?
  • ટીવીને આમ સ્માર્ટ બનાવવાનો ખર્ચ કેટલો છે?
  • એક વાત ખાસ યાદ રાખવા જેવી છે…

શું છે એરટેલ ઇન્ટરનેટ ટીવી?

એરટેલ કંપનીની આ એક પ્રકારની ડીટીએચ સર્વિસ જ છે, જે અન્ય ડીટીએચની જેમ ડીશ એન્ટેના અને સેટટોપબોક્સની મદદથી ચાલે છે. ફેર એટલો છે કે તેના સેટટોપબોક્સને વાઇ-ફાઇની મદદથી ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકાય છે. અન્ય ડીટીએચ કંપની પણ કંઈક અંશે આવી સગવડ આપે છે, પણ એરટેલ એવી પહેલી ભારતીય કંપની છે જેણે એન્ડ્રોઇડ આધારિત સેટટોપબોક્સ લોન્ચ કર્યું છે.

તમે જાણતા જ હશો કે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હવે સ્માર્ટફોન કે ટેબલેટ પૂરતી સીમિત રહી નથી. ગૂગલ કંપનીએ પોતાની આ ઓપરેટિંગ સિસ્ટમને સ્માર્ટવોચ જેવા પહેરી શકાય તેવાં ડિવાઇસીઝ ઉપરાંત કાર માટે એન્ડ્રોઇડ ઓટો (જુઓ ‘સાયબરસફર’નો અંક ડિસેમ્બર ૨૦૧૬) અને ટીવી માટે એન્ડ્રોઇડ ટીવી જેવી આગવી ઓપરેટિંગ સિસ્ટમ પણ વિક્સાવી છે.

આ કારણે, સ્માર્ટફોનને ટીવી સાથે કનેક્ટ કરવાથી જે પરિણામ મળે, તેના કરતાં ઘણું વધુ સારું પરિણામ એન્ડ્રોઇડ ટીવી આધારિત સેટટોપબોક્સથી મળે છે, કેમ કે આ ઓપરેટિંગ સિસ્ટમને ખાસ ટીવીના મોટા સ્ક્રીન માટે કસ્ટમાઇઝ્ડ કરવામાં આવી છે.

‘કનેક્ટેડ’ ટીવીની ખૂબીઓ…

વાઇ-ફાઇથી ટીવીને ઇન્ટરનેટ નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાય

 

કીબોર્ડ, હેડસેટ કે ગેમ કંટ્રોલર બ્લુટૂથથી કનેક્ટ કરી શકાય

 

એન્ડ્રોઇડ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ આધારિત

 

લાઇવ ટીવી શો સહિત, કન્ટેન્ટ પોઝ કે રેકોર્ડ કરવાની સુવિધા

 

એક્સ્ટ્રા સ્ટોરેજ ઉમેરી શકાય કે તેમાંનું કન્ટેન્ટ ટીવીમાં જોઈ શકાય

 

 

 

મૂવીઝની વેબ સર્વિસ અને ગૂગલ પ્લે સ્ટોરનો લાભ લઈ શકાય

 

ફોરકે – અત્યાર સુધીનું સૌથી વધુ રેઝોલ્યુશનનું કન્ટેન્ટ જોવાની સુવિધા

 

ડોલ્બી-એટમોસ પ્રકારના સાઉન્ડ માટે કમ્પેટિબલ

 

આ સેટટોપબોક્સથી શું શું જોઈ શકાય કે કરી શકાય?

એરટેલ ઇન્ટરનેટ ટીવી સેટટોપબોક્સની મદદથી આપણે સાદા ડીટીએચ કનેક્શનની જેમ ૫૦૦થી વધુ સેટેલાઇટ ટીવી ચેનલ્સ જોઈ શકીએ છીએ અને ઇચ્છીએ ત્યારે તેમાં ઇન્ટરનેટના વાઇ-ફાઇ સિગ્નલ મેળવીને કે લેન પોર્ટથી ઇન્ટરનેટનો કેબલ કનેક્ટ કરીને કે મોબાઇલના હોટસ્પોટમાંથી વાઇ-ફાઇ મેળવીને, ડાયરેકટ ઓનલાઇન કન્ટેન્ટ ટીવી પર જોઈ શકીએ.

જો તમે નેટફ્લિક્સ સર્વિસનું અલગથી લવાજમ ભર્યું હોય તો તેના પરની મૂવીઝ, ટીવી શો વગેરે જોઈ શકો છો. એ ન હોય તો યુટ્યુબના વીડિયોથી કામ ચલાવી શકો છો. ઉપરાંત, આ સેટટોપબોક્સમાં ગૂગલ ક્રોમકાસ્ટની સગવડ પણ સામેલ હોવાથી, તમારા સ્માર્ટફોન કે ટેબલેટના સ્ક્રીનને ટીવીના સ્ક્રીન કાસ્ટ કરી શકો છો, એટલે કે સ્માર્ટફોનમાંનું કન્ટેન્ટ ટીવી પર જોઈ શકો છો. તેમાં યુએસબી ડ્રાઇવ કનેક્ટ કરીને તેમાંનું કન્ટેન્ટ ટીવી પર જોઈ શકાય છે.

તેને ગૂગલ પ્લે સ્ટોર કે એરટેલ સ્ટોર સાથે કનેક્ટ કરીને તેમાંની એપ્સ સેટટોપબોક્સમાં ઇન્સ્ટોલ કરી શકાશે. આ માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને જ ગેમ કંટ્રોલર બનાવી શકાશે.

આ સેટટોપબોક્સ એન્ડ્રોઇડ ટીવી આધારિત હોવાથી, તેના રીમોટ કંટ્રોલમાં વોઇસ સર્ચની સુવિધા છે, તમને મનગમતી મૂવીનું નામ બોલો અને સ્ક્રીન પર, ઇન્ટરનેટ પરથી તેને શોધી કાઢો!

આ સેટટોપબોક્સ ગમે તે ટીવીમાં ચાલશે?

આ સેટટોપબોક્સ કોઈ પણ એલસીડી, એલઇડી અને પ્લાઝ્મા (એચડી કે ફોરકે) ટીવીમાં ચાલશે. તેને એચડીએમઆઇ પોર્ટથી કે સામાન્ય સેટટોપબોક્સની જેમ ઓડિયો, વીડિયો કેબલથી પણ કનેક્ટ કરી શકાશે.

એરટેલનું આ સેટટોપબોક્સ એન્ડ્રોઇડ માર્શમેલોના એન્ડ્રોઇડ ટીવી વર્ઝન પર આધારિત છે. તેમાં ડ્યુઅલ કોર પ્રોસેસર, ૨ જીબી રેમ અને ૮ જીબી ઇન્ટર્નલ મેમરી છે. આટલી મેમરી ઓછી પડે, પણ આપણે તેમાં ૧૨૮ જીબી સુધીનું એક્સટર્નલ મેમરી કાર્ડ ઉમેરી શકીએ છીએ.

આ સેટટોપબોક્સની મદદથી આપણે કોઈ ટીવી સિરિયલ તેના નિર્ધારિત સમયે જોવાનું ચૂકી ગયા તો ઇન્ટરનેટ પરથી શોધીને જોઈ શકીશું અથવા તેના નિર્ધારિત સમયે રેકોર્ડ કરીને પછી ગમે ત્યારે જોઈ શકીશું.

ટીવીને આમ સ્માર્ટ બનાવવાનો ખર્ચ કેટલો છે?

એરટેલ ઇન્ટરનેટ ટીવીની પ્રારંભિક કિંમત રૂ. ૪૯૯૯/- છે. એમાં ૩ મહિના માટે તમામ એચડી અને એસડી ચેનલ્સ ફ્રી જોવા મળશે. ઉપરાંત ૩ મહિના સુધી ઇરોઝ નાઉનું ત્રણ મહિનાનું સબસ્ક્રીપ્શન ફ્રી મળશે. ૩ મહિના પછી એસડી ચેનલ્સનો ચાર્જ મહિને રૂ. ૫૦૦ અને એચડી માયપેકમાં અમુક એચડી ચેનલ્સ પસંદ કરી શકાશે અથવા રૂ. ૭૦૦માં બધી એચડી+એસડી ચેનલ્સ જોઈ શકાશે.

એ સિવાય, એરટેલ મર્યાદિત સમય માટે રૂ. ૭૯૯૯/-નો પ્લાન પણ ઓફર કરી રહી છે, જેમાં ૧૨ મહિના માટે લગભગ બધું જ ફ્રી રહેશે.

એરટેલની વાત હોવાથી એરટેલ મૂવીઝ તેમાં સામેલ છે, કંપની એમેઝોન પ્રાઇમ વીડિયો, વૂટ અને હોટસ્ટાર જેવી કંપની સાથે પણ જોડાણ કરે તેવી શક્યતા છે.

એક વાત ખાસ યાદ રાખવા જેવી છે…

ટીવીના મોટા સ્ક્રીન પર ઇન્ટરનેટ કનેક્શન મેળવી મૂવીઝ જોવાની કે ગેમ રમવાની મજા તો છે, પણ એ માટેનો ડેટા ખર્ચ રોજિંદી ટીવી ચેનલ્સના ખર્ચ ઉપરાંત, વધારાનો છે. ટીવીના સ્ક્રીન પર જોવાનું મન થાય એવું કન્ટેન્ટ પાછું ડેટાનો ભારે ઉપયોગ કરે એવું જ રહેવાનું.

આ પ્રકારની સર્વિસ આપતી એરટેલ, વીડિયોકોન વગેરે બધી જ કંપની ઓછામાં ઓછા ૪ એમબીપીએસની સ્પીડવાળા ઇન્ટરનેટ કનેક્શનની ભલામણ કરે છે. તમે સ્માર્ટફોનમાં લાઇવ ટીવી કે વીડિયો જોતા હશો તો તમારે અનુભવ હશે કે તેમાં વીડિયોની ક્વોલિટી માટે લો, મીડિયમ અને હાઇ એવા ત્રણ વિકલ્પ હોય છે. સ્માર્ટફોનના ટચૂકડા સ્ક્રીન પર પણ લો ક્વોલિટીનો વીડિયો તદ્દન નબળો જોવા મળે છે તો ટીવીમાં તો તેની રેઝોલ્યુશન ક્વોલિટી પણ ઊંચી જ રાખવી પડશે, મતલબ કે ડેટા ઘણો વધુ ખર્ચાશે.

એરટેલ ઇન્ટરનેટ ટીવી ફોરકે કન્ટેન્ટને પણ સપોર્ટ કરે છે, આ પ્રકારનું કન્ટેન્ટ અત્યારે ઓછું ઉપલબ્ધ છે, પણ એ જોવા જશો તો ડેટાનો ખર્ચ સડસટાડ ઊંચો જશે! એરટેલ ઇન્ટરનેટ ટીવીના કિસ્સામાં, જો તમે પહેલેથી એરટેલનું બ્રોડબેન્ડ કનેક્શન ધરાવતા હો તો, જો તમારો પ્લાન માસિક રૂ. ૯૯૯/- કરતાં ઓછા રૂપિયાનો હોય તો મહિને ૧૦ જીબી વધારાનો ફ્રી ડેટા મળશે, જો પ્લાન રૂ. ૯૯૯/- થી વધુનો હોય તો મહિને ૨૫ જીબી વધારાનો ફ્રી ડેટા મળશે. આ કંપનીઓ ડેટા પ્લાન વેચતી કંપની પણ છે એ યાદ રાખશો!

આ સર્વિસ અત્યારે અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગાલૂરુ, હૈદરાબાદ, કોલકતા, ચેન્નઈ, ચંદીગઢ, જયપૂર વગેરે શહેરોમાં જ ઉપલબ્ધ છે. અત્યારે એરટેલ ઇન્ટરનેટ ટીવી માત્ર એમેઝોન.ઇન સાઇટ પરથી ખરીદી શકાય છે, ટૂંક સમયમાં તે ઓફલાઇન સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ થવા લાગશે. તમારી પાસે પહેલેથી

એરટેલ ડિજિટલ ટીવીનું કનેક્શન હોય તો તમે તેને અપગ્રેડ કરી શકો છો. જોકે સાવ શરૂઆતમાં લખ્યું તેમ, એરટેલ ઇન્ટરનેટ ટીવી ખરીદવાની ઉતાવળ કરવા જેવી નથી. રિલાયન્સ જિઓ અને અન્ય કંપની તેમના પ્લાન અને ઓફર્સ જાહેર કરે તે પછી આપણને પસંદગીના ઘણા વિકલ્પ મળવાના છે.

એટલું નક્કી છે કે એક સમયે ટીવીમાં મનોરંજન બુધવારના ચિત્રહાર અને રવિવારની એક ફિલ્મ સુધી જ સીમિત હતું એ આપણને પણ માનવું મુશ્કેલ લાગે છે, બરાબર એ જ રીતે, બે-ચાર વર્ષમાં એવો સમય આવશે જ્યારે ટીવીના પ્રોગ્રામ્સ તેના નિશ્ચિત સમયે ન જોઈએ તો તે ચૂકી જઈએ એવા દિવસો હતા એવું પણ કોઈ માનશે નહીં!


ટીવીને સ્માર્ટ બનાવતાં અન્ય સાધનો

ગૂગલ ક્રોમકાસ્ટ

શું છે અને કેવી રીતે કામ કરે છે : આ સાધન ખરીદીને તેને તમે તમારા ટીવીના એચડીએમઆઇ પોર્ટમાં કનેક્ટ કરો, પછી તે ઘરના ઇન્ટરનેટ નેટવર્કમાંથી મળતાં વાઇ-ફાઇ સિગ્નલ ઝીલીને, ઇન્ટરનેટનું વિવિધ કન્ટેન્ટ ટીવીના સ્ક્રીન પર બતાવી શકે છે. આપણા એન્ડ્રોઇડ કે આઇઓએસ સ્માર્ટફોનમાં ગૂગલ કાસ્ટ એપ ઇન્સ્ટોલ કરી, સ્માર્ટફોન અને ક્રોમકાસ્ટને એક વાઇ-ફાઇ નેટવર્ક પર નેટ સાથે કનેક્ટ કરવાનાં રહે છે. આ પછી, સ્માર્ટફોન એક પ્રકારના રીમોટ જેવું કામ કરે છે અને તેમાં આપણે કન્ટેન્ટ બ્રાઉઝ કરી, તેને ટીવીના સ્ક્રીન પર જોઈ શકીએ છીએ.

ફાયદા :  સ્માર્ટફોનમાંની જે કોઈ એપ કાસ્ટ સપોર્ટેડ હોય, જેમ કે નેટફ્લિક્સ, યુટ્યૂબ, સાવન, વિંક, હંગામા, ગૂગલ ફોટોઝ, એંગ્રી બર્ડ્સ ફ્રેન્ડ્સ, વગેરેને કન્ટેન્ટ આપણે ટીવીના સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. એ જ રીતે, કમ્પ્યુટરના ક્રોમ બ્રાઉઝરને કે આખા કમ્પ્યુટર કે મોબાઇલના સ્ક્રીનને ટીવી પર કાસ્ટ કરી શકાય છે.

ગેરફાયદા : મૂવીઝ, ટીવી શો વગેરે પેઇડ હોઈ શકે છે. એપ, ગેમ્સ વગેરે કાસ્ટ સપોર્ટેડ હોય તો જ તેને ટીવીના સ્ક્રીન પર જોઈ શકાય છે. ઉપરાંત, વીડિયોની ક્વોલિટી ટીવીમાં નબળી દેખાય એવું બની શકે છે.

કિંમત : રૂ. ૩૩૯૯/-

ક્યાંથી ખરીદી શકાય : ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સમાંથી


એમેઝોન ફાયર સ્ટિક

કેવી રીતે કામ કરે છે : આ સાધન ટીવીના એચડીએમઆઇ પોર્ટમાં કનેક્ટ કર્યા પછી, ઘરના વાઇ-ફાઇ નેટવર્કની મદદથી વિવિધ ઓનલાઇન કન્ટેન્ટ ટીવીના સ્ક્રીન પર જોઈ શકાય છે.

ફાયદા : ક્રોમકાસ્ટની જેમ આમાં સ્માર્ટફોનની જરૂર નથી. સ્ટિક સાથે રીમોટ કંટ્રોલ આવે છે, જેનાથી ટીવી સ્ક્રીન પર ઓનલાઇન કન્ટેન્ટ સર્ચ કરી શકાય. મૂવીઝ, ટીવી શો, મ્યુઝિક, ન્યૂઝ, સ્પોર્ટ્સ એપ્સ સપોર્ટ કરે છે.

ગેરફાયદા : એમેઝોન પ્રાઇમ વીડિયો, હોટસ્ટાર, નેટફ્લિક્સ, ઇરોઝ નાઉ વગેરે ઘણી ખરી એપ પેઇડ છે. પ્રમાણમાં જૂની ટેક્નોલોજી, ડેટા વધુ વપરાય.

કિંમત : રૂ. ૩૯૯૯/-

ક્યાંથી ખરીદી શકાય : એમેઝોન.ઇન પરથી ઓનલાઇન


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here