રવિવારની બપોર હોય ત્યારે શહેરના જે રસ્તાઓ પ્રમાણમાં ખાલી લાગતા હોય એ સાંજ ઢળ્યા પછી રાતના બાર-બાર વાગ્યા સુધી સખત ટ્રાફિકથી ભરચક થઇ જતા હોય છે. એ જ રીતે ઓફિસે જવા-આવવાના સમય દરમિયાન શહેરોના અમુક રસ્તાઓ ઉપર હંમેશા સખત ટ્રાફિક જામ જોવા મળે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પોતપોતાના શહેરના ટ્રાફિકની પેટર્નનો અભ્યાસ કરીને રસ્તા પહોળા કરવાથી માંડીને ફ્લાયઓવર કે મેટ્રો રેલવે કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) જેવા ઉપાયો અજમાવતા રહેતા હોય છે. પરંતુ શહેરનો ટ્રાફિક ક્યારે કેવી રીતે વધશે તેનો પાકો અંદાજ મેળવવો એક ખાસ્સુ મુશ્કેલ કામ છે.

સાયબરસફરના ગયા અંકમાં આપણે જે કેબ સર્વિસની વિગતવાર વાત કરી તે ઉબર કંપનીએ આ દિશામાં જગતભરના શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશન્સને મદદરૂપ થવા માટે એક નવી પહલ કરી છે તેનું નામ આપ્યું છે મૂવમેન્ટ.

આ પ્રોજેક્ટ હેઠળ ઉબર વિશ્વના જે જે શહેરોમાં કેબ સર્વિસ ચલાવે છે તેમાં પોતાની કેબ્સ પરથી મળતા ડેટાને આધારે ટ્રાફિકની પેટર્ન સતત ડિસ્પ્લે કરે છે. ઉબરની લાખો ટેક્સી દિવસના ચોવીસેય કલાક ૪૫૦ જેટલા શહેરોમાં સતત દોડતી રહે છે અને આ દરેક કાર જીપીએસ મારફત રસ્તા પરના ટ્રાફિકનો ડેટા ઉબરના સર્વર્સને મોકલતી રહે છે. એક યૂઝર તરીકે આપણે પોતે પણ નકશા પર આપણી કેબ ક્યાં પહોંચી છે તેનું લાઇવ ટ્રેકિંગ કરી શકીએ છીએ. ઉબર આ ડેટાને સીટીપ્લાનિંગમાં મદદરૂપ થવા માટે ઓફર કરી રહી છે.

ઉબર કંપની સામાન્ય રીતે જે જે દેશ અને શહેરમાં પ્રવેશી છે ત્યાંના સત્તાધિકારીઓ સાથે તે કોઇને કોઇને રીતે વિવાદમાં ઉતરી છે પણ હવે લાગે છે કે કંપની સંબંધો સુધારવા માંગે છે.

ઉબર મૂવમેન્ટની સાઇટ (https://movement.uber.com/) પર જઇને તમે આ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરે છે તેનો એક વીડિયો જોઇ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here