શબ્દો અને ઉચ્ચારોનો વિકિપીડિયા

એક અનોખી સાઇટ, જેના પર વિશ્વનો શબ્દમેળો જામ્યો છે!

એક સમયના સૂકલકડી છોકરડા જેવા આમીર ખાનનું અસલ પહેલવાની શરીર એ દંગલ ફિલ્મનું ઊડીને આંખે વળગે એવું પાસું, પણ આ ફિલ્સનું કોઈ પાસું તમને ઊડીને કાને વળગ્યું? ફિલ્મનાં પાત્રોની અસલ હરિયાણવી, દેશી ભાષા. શબ્દો લગભગ આપણા જાણીતા જ, પણ એના ઉચ્ચાર જુદા!

ફિલ્મનાં આવાં પાસાં પણ તમને સ્પર્શે કે નહીં એનો બધો આધાર, ભાષા અને શબ્દો પ્રત્યે તમને કેટલો પ્રેમ છે એના પર છે. હવે એ કહો કે ‘દિન’ અને ‘દીન’ શબ્દની જોડણી અને અર્થ તો જુદા છે, પણ એના ઉચ્ચાર પણ સ્પષ્ટપણે જુદા થાય છે એ તમે જાણો છો? હિન્દી-ઉર્દૂની વાત કરીએ તો ‘સબ’ અને ‘શબ’ના સ્પષ્ટ અર્થભેદ તમે જાણો છો? ઇંગ્લિશમાં, ‘એક્સેપ્ટ’ અને ‘એક્સ્પેક્ટ’ જેવા શબ્દોમાં તમે ગોથાં ભલે ખાવ, પણ એના અર્થ જુદા છે એ તો જાણો છોને?

આટલે સુધીની બધી વાતમાં તમારા જવાબ ના હોય તો તમે આટલેથી આ મેગેઝિનાં બીજાં પાનાં તરફ નક્કી વળી જશો, પણ જો હા હોય અથવા તો ‘જવાબ હા હોવા જોઈતા હતા’, એવું તમને લાગતું હોય તો અહીં જેની વાત કરવી છે એ સાઇટ તમને ચોક્કસ ગમશે!

આ સાઇટ (forvo.com) શબ્દો અને ઉચ્ચારોના વિકિપીડિયા જેવી છે.

વિશ્વની જુદી જુદી ભાષાસંસ્કૃતિના લોકો એકમેક સાથે બેહતર (બહેતર બોલતા હો તો એ ખોટો ઉચ્ચાર છે!) સંવાદ સાધી શકે એવા મિશનથી, એક પ્લેટફોર્મ તરીકે આ વેબસાઇટની શરૂઆત થઈ. આજે નવ વર્ષ પછી એ વિશ્વની સૌથી મોટી ઉચ્ચાર ગાઇડ બની ગઈ છે.

જેમ વિકિપીડિયા પર લોકો પોતે જે વિષયના જાણકાર છે તેને લગતા માહિતીપ્રદ લેખ લખી શકે છે કે બીજાએ લખેલા લેખમાં સુધારાવધારા કરી શકે છે, એમ ફોરવો.કોમ પર, દુનિયાની કોઈ પણ ભાષા બોલતી વ્યક્તિ, કોઈ પણ શબ્દોના ઉચ્ચાર ઉમેરી શકે છે અને બીજાના ઉચ્ચાર સાંભળી શકે છે (એ રીતે, અહીં સાચા-ખોટાની ભેળસેળ ખરી). અત્યારે આ સાઇટ પર વિશ્વની ૩૩૦થી વધુ ભાષાના ૪૦ લાખથી વધુ શબ્દોનો ડેટાબેઝ તૈયાર થયો છે. સાઇટના પાંચ લાખથી વધુ રજિસ્ટર્ડ યૂઝર છે અને ૨૦૧૩માં આ સાઇટને વર્ષની શ્રેષ્ઠ ૫૦ વેબસાઇટ્સની ટાઇમ મેગેઝિનની યાદીમાં સ્થાન પણ મળ્યું હતું.

શબ્દોના ઉચ્ચાર જેવી વાતને આ સાઇટ કેટલી રસપ્રદ બનાવી શકે છે એ પણ જોવા જેવું છે. તમને ટેનિસનો શોખ હોય તો જાન્યુઆરી મહિામાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ તમે રસથી જોઈ હશે, તેના મેન-વીમેન પ્લેયર્સ અને ટેનિસ સંબંધિત ઘણા શબ્દોના ઉચ્ચાર તમને ફોરવો પર મળી શકે છે. ફોરવો પર જે તે કરન્ટ ગ્લોબલ ઇવેન્ટ્સ, બ્રાન્ડ નેમ્સ, ફેસ્ટિવલ્સ વગેરેના ઉચ્ચાર પણ જાણવા-સાંભળવા મળશે. અહીં એક જ શબ્દના જુદી જુદી ભાષાના ઉચ્ચાર પણ સાંભળવા મળશે. દરેક ભાષા સાથે, એ ભાષા વિશ્વમાં કેટલા લોકો બોલે છે, ફોરવો પર તેમાંથી કેટલા લોકો સક્રિય છે, કેટલા શબ્દોના ઉચ્ચાર મળશે વગેરે માહિતી પણ મળશે.

ફોરવો પર ટોપ લેંગ્વેજીસના લિસ્ટમાં જર્મન ભાષા ટોચ પર છે અને ઇંગ્લિશ ચોથા ક્રમે છે! આ સાઇટ પર હિન્દીના દસ હજારથી વધુ શબ્દો છે અને મરાઠી, તમિલ, તેલુગુ, બંગાળી વગેરે ભાષા પણ સાંભળવા મળે છે. અને ગુજરાતી? આશા રાખીએ કે આ લેખ પછી એ પણ ફોરવો પર સાંભળવા મળે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here