રેલયાત્રી કૃપયા ધ્યાન દેં…! આ વેકેશનમાં તમારે રેલવે પ્રવાસ કરવાનો હોય તો સ્ટેશન પર તમારા ફોનમાં ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક અને બીજી કેટલીક સુવિધાનો લાભ તપાસી જોજો. 

આવી રહેલા વેકેશનના દિવસોમાં જો તમારે રેલવે પ્રવાસનો યોગ હોય તો રેલવે સ્ટેશન પર તમે તમારા મોબાઇલમાં ડેટા પ્લાન ખર્ચ કર્યા વિના ફ્રી વાઇ-ફાઇની મદદથી વોટ્સએપ કે ફેસબુક પર સૌના સંપર્કમાં રહી શકશો, એટલું જ નહીં એચડી ક્વોલિટીના વીડિયો પણ ફટાફટ ડાઉનલોડ કરી શકશો.

‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે ગૂગલે ભારતમાં રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇ સુવિધા આપવાની શરૂઆત કરી છે, હવે તેનો ઉપયોગ વિગતવાર જાણી લેવાનો સમય આવી ગયો છે!

ગૂગલે ગયા વર્ષની શરૂઆતમાં ભારતીય રેલવેની રેલટેલ સર્વિસ સાથે મળીને ભારતના જુદા જુદા રેલવે સ્ટેશન પર ફ્રી હાઇસ્પીડ પબ્લિક વાઇ-ફાઇ સર્વિસ આપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ડિસેમ્બર ૨૦૧૫માં તેમની ભારતની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટનો શુભારંભ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી કરવામાં આવશે. એની પણ પહેલાં સપ્ટેમ્બર ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના કેલિફોર્નિયામાં ગૂગલના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી ત્યારે જ ગૂગલે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

એ મુજબ, મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ફ્રી વાઇ-ફાઇની શરૂઆત થઈ અને ૨૦૧૬ના અંત સુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ ભારતનાં ૧૦૦ મહત્ત્વનાં રેલવે સ્ટેશનને આવરી લેવાયાં છે અને લગભગ એક કરોડ લોકો તેનો લાભ લેવા લાગ્યા છે.

ભારતીય રેલવેએ રેલવેના આધુનિકરણ માટે સ્થાપેલી રેલટેલ નામની કંપનીએ સમગ્ર ભારતમાં ૪૫૦૦૦ કિલોમીટર જેટલા લાંબાં ઓપ્ટિક ફાઇબર નેટવર્કસ સ્થાપ્યાં છે. ગૂગલ આ નેટવર્કની મદદથી રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇ સર્વિસ પૂરી પાડે છે. ટેકનિકલી જોઇએ તો ગૂગલ વાયરલેસ એરિયા નેટવર્કસ (ડબલ્યુએએન) પૂરાં પાડે છે, જ્યારે રેલટેલ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરે છે.

આમ તો ગૂગલે સમગ્ર વિશ્વમાં જુદાં જુદાં સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ સર્વિસ પૂરી પાડવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ભારતમાં એરપોર્ટ, મોલ્સ, હોટેલ, મલ્ટિપ્લેક્સ વગેરે સ્થળોએ જુદી જુદી કંપની તરફથી ફ્રી વાઇ-ફાઇ સર્વિસ મળે છે પરંતુ મોટા ભાગે, ખાસ કરીને જાહેર સ્થળોએ મળતી ફ્રી વાઇ-ફાઇ સર્વિસમાં આપણને અમુક નિશ્ચિત સમય મર્યાદા સુધી જ ફ્રી વાઇ-ફાઇ મળે છે, એ પણ પ્રમાણમાં ધીમી ગતિએ અને ત્યાર પછી વધુ સમય વાઇ-ફાઇનો ઉપયોગ કરવો હોય તો આપણે તેનો ચાર્જ ચૂકવવો પડે છે. જ્યારે રેલવે સ્ટેશન પર ગૂગલ તરફથી અપાતી ફ્રી સર્વિસ ખરેખર અનલિમિટેડ સમય માટે ફ્રી છે. મર્યાદા માત્ર એટલી છે કે પહેલા એક કલાક સુધી આપણને હાઇસ્પીડનો લાભ મળે છે અને એચડી વીડિયો પણ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે, જ્યારે એક કલાક પછી વાઇ-ફાઇની સ્પીડ થોડી ઘટે છે. પરંતુ તે સોશિયલ મીડિયાના ઉપયોગ કે ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે પૂરતી થઈ રહે છે.

અત્યારે આ સુવિધાનો લાભ ફક્ત રેલવે સ્ટેશન્સ પર મળે છે, ચાલતી ટ્રેનમાં નહીં. જો તમે આ સેવાનો લાભ લેવા માગતા હો તો, રેલવે સ્ટેશન પર પહોંચીને તમારા ફોનમાં વાઇ-ફાઇ ઓન કરો. જો એ સ્ટેશન પર આ સેવા ઉપલબ્ધ હશે તો, ઉપલબ્ધ વાઇ-ફાઇ નેટવર્કની યાદીમાં ‘રેલવાયર વાઇ-ફાઇ’નું નામ જોવા મળશે. તેને ક્લિક કરીને ઉપર મુજબ આગળ વધશો એટલે તમારો ફોન ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ થઈ જશે.

આ વાઇ-ફાઇ નેટવર્ક સલામત રહે અને તેનો કોઈ (એટલે કે હેકર!) ગેરકાયદે ઉપયોગ ન કરે એ માટે સિસ્ટમ આપણો નંબર પૂછે છે, જેથી ફક્ત પોતાનો સાચો નંબર (અને એ સાથે પોતાની સાચી ઓળખ!) આપનાર વ્યક્તિ જ આ નેટવર્કમાં સામેલ થઈ શકે.

આપણે આ રીતે ૨૪ કલાક સુધી આ નેટવર્કમાં જોડાયેલા રહી શકીશું, એ પછી ફરી ઓટીપીની પ્રક્રિયા પૂરી કરવી પડશે.

આ ફ્રી વાઇ-ફાઇ આપણને ૨જી કે ૩જી કરતાં વધુ  ઝડપી કનેક્ટિવિટી આપે છે.

હવે મળશે આખા શહેરમાં ફ્રી વાઇ-ફાઇ!

જેમ રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇ સર્વિસ મળવા લાગી છે તેમ આવનારા સમયમાં ભારતનાં આખે આખાં શહેરોમાં ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ મળવા લાગશે.

રિલાયન્સ જિઓના નેટવર્કમાં આ રીતે વિવિધ શહેરોનાં મહત્ત્વનાં સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ ઊભાં કરવામાં આવી રહ્યાં છે, અલબત્ત આ સર્વિસનો લાભ જિઓના નેટવર્કના સબસ્ક્રાઈબર્સને જ મળે છે.

બીજી તરફ ભારતનાં મહત્ત્વના શહેરોને સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટ હેઠળ આ શહેરોમાં વિવિધ પ્રકારના ડિજિટલ નેટવર્કની સાથોસાથ સમગ્ર શહેરવ્યાપી ફ્રી વાઇ-ફાઇ સર્વિસની તૈયારીઓ પણ થઈ રહી છે, જેનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકશે.

પૂણે શહેર ભારતનું આવું પહેલું ફ્રી વાઇ-ફાઇ સર્વિસ ધરાવતું શહેર બને તેવી શક્યતા છે. પૂણે મહાનગરપાલિકાનું ટેન્ડર જીતીને ગૂગલે રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચનો આ પ્રોજેક્ટ મેળવી લીધો છે. આ પ્રોજેક્ટમાં ગૂગલ સાથે આઇબીએમ, લાર્સન એન્ડ ટોબ્રો, રેલટેલ તથા પૂણે સ્માર્ટસિટી ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને કામ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ ગૂગલ તેના ગૂગલ સ્ટેશન પ્લેટફોર્મને કામે લગાડશે જ્યારે રેલટેલ તેના ફાઇબર ઓપ્ટિક નેટવર્કની મદદથી શહેરનાં ૨૦૦ જેટલાં સ્થળોએ હોટસ્પોટ ઊભા કરશે.

આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ જાહેર સ્થળોએ ઇમરજન્સી કોલ સેન્ટર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એન્વાર્યમેન્ટલ સેન્સર્સ જેવી સુવિધાઓ પણ આવરી લેવામાં આવશે. યૂઝર્સ એક વાર આ નેટવર્કમાં જોડાઈ, ઓથેન્ટિકેશન પૂરું કરીને સતત સમગ્ર શહેરમાં ફ્રી વાઇ-ફાઇનો લાભ લઈ શકશે. આ પ્રોજેક્ટનો ખર્ચ કેવી રીતે નીકળશે અને ફ્રી વાઇ-ફાઇ કેટલી સમય મર્યાદા માટે મળશે તે વિશે હજી સ્પષ્ટતા નથી.

આ ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક ખરેખર ફાસ્ટ છે, પહેલા કલાક માટે તો ચોક્કસ.
સલામત છે, કારણ કે તેમાં દરેક યૂઝર પોતાનો ફોન નંબર આપ્યા પછી જ જોડાઈ શકે છે.
રેલવે સ્ટેશન પર કોઈ પણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે, કોઈ મર્યાદા વિના.

રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇ કેવી રીતે ચાલુ કરશો?


‘રેલવાયર વાઇ-ફાઇ’ પર ક્લિક કરતાં, તમારો ફોન નંબર પૂછવામાં આવશે.

ફોન નંબર આપતાં, આપણા નંબર પર ઓટીપી આવશે, તેને આપણે લખવાનો રહેશે.

ઓટીપી સાચો હશે તો ફોન હાઇ સ્પીડ, ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ થઈ જશે!

રેલવે પ્રવાસ દરમિયાન આ સુવિધાઓ પણ જાણી લેવા જેવી છે…

રેલવે પ્રવાસ દરમિયાન, હવે વિવિધ પ્રકારની ઘણી માહિતી આપણી આંગળીના ટેરવે મળી શકે છે. તેનો લાભ લેવા માટે, તમારા સ્માર્ટફોનમાં, ગમે ત્યાંથી કોઈ પણ રેલવે સ્ટેશનનું નામ ગૂગલમાં સર્ચ કરો. ‘ગૂગલ માય પ્લેસીઝ’ સર્વિસ હેઠળ, આ સ્ટેશન વિશેની ઘણી બધી માહિતી તમે ફટાફટ મેળવી શકશો અને તમારા પ્રવાસને થોડો વધુ સુવિધાજનક બનાવી શકશો!

નીચે જોઈ લો થોડી ઝલક…

‘રાજકોટ જંક્શન’ સર્ચ કરતાં, આપણા સર્ચના સમય અનુસાર આ સ્ટેશનથી ઉપડતી વિવિધ ટ્રેનની યાદી જોવા મળશે.

ચાહો તો તમે સમય બદલીને બીજી ટ્રેનની યાદી પણ જોઈ શકો છો.

કોઈ પણ ટ્રેન પર ક્લિક કરતાં, તેના રૂટમાં કયું સ્ટેશન  ક્યારે આવશે તે જોવા મળશે.

અમદાવાદ જેવા જંક્શન પર ટ્રેન ઉપરાંત, સિટી બસની માહિતી મળશે.

ટ્રેનની જેમ, કયા નંબરની બસ ક્યાં જશે અને કેટલા વાગે ઉપડશે તે જાણી શકાશે!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here