કેશલેસના અન્ય ખબરઅંતર

યુપીઆઈ આધારિત ભીમ એપનો ઉપયોગ કરવાની તક તમને કદાચ ઓછી મળતી હશે પણ તેના વર્ઝનમાં અપડેટ આવી ગયા છે. લેટેસ્ટ ૧.૨ વર્ઝનમાં ગુજરાતી ઉપરાંત બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષાઓ ઉમેરાઈ ગઈ છે.


ફક્ત આધાર નંબર આપીને નાણાં મોકલવાની સુવિધા પણ ભીમ એપમાં ઉમેરાઈ છે.


નોટબંધી પછી દેશમાં જેમ કેશલેસ ટ્રાન્ઝેકશનને વેગ મળ્યો છે તેમ કાળાં નાણાં ધરાવતા લોકોને ડિજિટલ કરન્સી બિટકોઇનમાં ઊંડો રસ પડવા લાગ્યો છે. ભારતમાં આવી કરન્સીમાં ડિલ કરતી વેબસર્વિસિઝ શરૂ થવા લાગી છે પણ રિઝર્વ બેન્કે હમણાં સ્પષ્ટતા કરી છે કે તેણે ભારતમાં બિટકોઇનના ઉપયોગને માન્યતા આપી નથી. આરબીઆઈના નોટિફિકેશન અનુસાર બિટકોઇનના ઉપયોગમાં નાણાંકીય અને સલામતીનાં જોખમો રહેલાં છે.


ભીમ એપ બહુ મોટી સંખ્યામાં ડાઉનલોડ થયા પછી લોકો તેની રીક્વેસ્ટ પેમેન્ટ સુવિધાનો ગેરઉપયોગ કરવા લાગ્યા હતા અને સંખ્યાબંધ લોકો તેમને આવી ખોટી રીકવેસ્ટ મળી રહી હોવાની ફરિયાદ ટવીટર જેવા સોશિયલ મીડિયા પર કરવા લાગ્યા હતા. ભીમમાં આવી ખોટી રીકવેસ્ટ બ્લોક કરવાની સુવિધા ઉમેરાઈ ગઈ છે.


કેશલેસને સરકારી પ્રોત્સાહનની સાથોસાથ તેનો ગેરલાભ લેનારા લોકોની સંખ્યા પણ જબરજસ્ત રીતે વધી રહી છે. એપ સ્ટોરમાં અને વેબસાઈટ પર આધાર તથા ભીમ એપને નામે સંખ્યાબંધ સાઇટ્સ અને એપ્સનો રાફડો ફાટી નીકળ્યો છે. કેટલીક સાઇટ કે એપ ફક્ત આ મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપીને ફ્રી ટ્રાફિક મેળવીને થાય તેટલી જાહેરાતની કમાણી કરી લેવા માગે છે, તો કેટલીક સાઇટ/એપ્સ લોકોની આધાર તથા બેન્ક સંબંધિત માહિતી મેળવવાનો પણ પ્રયાસ કરી રહી છે. આધારની મૂળ સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પહેલીવાર કડક બનીને, આધાર કાર્ડનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરતી પચાસ જેટલી વેબસાઇટ્સ અને એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.


યુએસ, યુરોપ અને ચીન તથા દક્ષિણ કોરિયા જેવા દેશોમાં એપલ પે, ગૂગલ વોલેટ અને સેમસંગ પે જબરજસ્ત લોકપ્રિય બની રહ્યાં છે. હવે આ ત્રણમાંથી સેમસંગ પે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. સેમસંગ પે એપમાં આપણા બેન્ક કાર્ડને કનેક્ટ કર્યા પછી સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. આ સર્વિસથી કોન્ટેક્ટલેસ પેમેન્ટ પણ શક્ય બને છે. ભારતમાં સેમસંગના મોબાઇલ ફોન અત્યંત લોકપ્રિય છે પણ તેની પેમેન્ટ સિસ્ટમથી પેમેન્ટ સ્વીકારી શકે તેવાં સાધનો બહુ મર્યાદિત સંખ્યામાં હોવાથી સેમસંગ પે ભારતમાં આવશે તો પણ કેટલી સફળ થશે એ સવાલ છે! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here