કેશલેસ પેમેન્ટનો નવો આધાર

દુકાનમાં રકમ ચૂકવતી વખતે આપણે રોકડ, કાર્ડ, મોબાઇલ વોલેટ, પાસવર્ડ વગેરે કશાની જ‚રૂર ન રહે એવી આધાર કાર્ડ આધારિત નવી પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. 

ભારતમાં બેન્કિંગ એક એવું ક્ષેત્ર છે જે વર્ષો સુધી એ જ જૂની ઘરેડમાં, રગશિયા ગાડાની ગતિએ ચાલ્યા પછી અચાનક હરણફાળ ભરવા લાગ્યું છે.

આપણા દેશમાં આઝાદી પછીના પાંચ-છ દાયકા સુધી બેન્કિંગની પહોંચ બહુ મર્યાદિત રહી, બહુ મોટી સંખ્યામાં લોકો સુધી બેન્ક પહોંચી જ ન શકી. પરંતુ હવે અચાનક જનધન યોજના અને પેમેન્ટ બેન્કને કારણે બેન્કની પહોંચ વિસ્તરવા લાગી છે. વિવિધ સરકારી યોજનાના લાભ ફરજિયાતપણે બેન્ક ખાતામાં જ જમા થાય એવી વ્યવસ્થાને કારણે લોકો પણ બેન્ક ખાતાં ખોલાવવા લાગ્યા.

એ પછી ગયા વર્ષે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) નામે ઇ-ટ્રાન્ઝેક્શનની નવી વ્યવસ્થા શ‚રૂ થઈ. નોટબંધી પછી કેશલેસ વ્યવસ્થાને જોરશોરથી વેગ આપવાનું શરૂ‚ કર્યું, ‘પેટીએમ એટલે પેમેન્ટ ટુ મોદી’ એવા આક્ષેપો પણ થવા લાગ્યા, પણ વર્ષના અંતે, આધાર કાર્ડ આધારિત પેમેન્ટ એપ લોન્ચ થયા પછી, લાગે છે કે આપણે થોડા સમયમાં મોબાઇલ વોલેટ્સ તો ઠીક, ડેબિટ કાર્ડ પણ ભૂલી જઈશું.

અત્યારે ભારત સરકાર ભારતને કેશલેસ બનાવવા માટે સંખ્યાબંધ પગલાં લઈ રહી છે અને તેના પગલે ૨૫ ડિસેમ્બરે ‘આધાર પેમેન્ટ એપ’ પણ લોન્ચ થવાના સમાચાર છે.

અલબત્ત, આ એપ બાબતે આ લેખ લખાય છે ત્યાં સુધી (૨૬ ડિસેમ્બર) ભારે ગૂંચવણ છે. અખબારી અહેવાલો અનુસાર, આઇડીએફસી બેન્કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સહયોગમાં આ એપ લોન્ચ કરી છે, પરંતુ હજી સુધી એ એપ ડાઉનલોડ કરવાની લિંક ક્યાંય ઉપલબ્ધ નથી!

 એ ગૂંચવણને બાદ કરીએ, તો એટલું સ્પષ્ટ છે કે આ એપથી, અત્યારે જેમ આપણે મોબાઇલ વોલેટ તરફ વળ્યા છીએ અને અત્યાર સુધી ભાગ્યે જ વપરાતાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ વાપરવા લાગ્યા છીએ, એ બધાને બદલે સરકાર ઘણી ખરી રોકડ લેવડ-દેવડ આધાર નંબર આધારિત થઈ જાય એ માટે પ્રયત્નશીલ છે.

અહેવાલો મુજબ, આ માટે કેન્દ્ર સરકારે રાજ્યોના મુખ્યમંત્રીઓની એક સમિતિ રચી છે અને તેની ભલામણો અનુસાર ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

અત્યારે જે સમાચારો આવી રહ્યા છે એ મુજબ, આધાર આધારિત જે એપ નાણાં સ્વીકારતા વેપારીઓએ ડાઉનલોડ કરવાની રહેશે. નાણાં ચૂકવનારને કોઈ કાર્ડ, એપ, પિન-પાસવર્ડ વગેરે કોઈ બાબતની જરૂ‚ર રહેશે નહીં, તેણે ફક્ત પોતાનો આધાર નંબર યાદ રાખવો જોઇશે.

વિવિધ બેન્ક્સ દ્વારા જેમ વેપારીઓને કાર્ડ સ્વાઈપ કરવાનાં પોઇન્ટ-ઓફ-સેલ પીઓએસ મશીન આપવામાં આવે છે એ રીતે, આધારના આધારે આપણી ઓળખ કરી શકે એમાં મશીન કે આવી સગવડ ધરાવતા સ્માર્ટફોનમાંની એપ આપવાની મોટી કવાયત શ‚રૂ થાય એવી ધારણા છે.

આપણે સૌએ આધાર કાર્ડ કઢાવવાની કસરત કરી હતી ત્યારે આપણી ફિંગરપ્રિન્ટ્સ અને આંખોનું સ્કેનિંગ પણ કરવામાં આવ્યું હતું. એ ડેટા હવે કામ લગાડવાની સ્થિતિ આવી પહોંચી છે.

આ વ્યવસ્થા વ્યાપક બનવા સામે હજી ઘણા પ્રશ્નાર્થો છે, પણ જ્યારે એવું થશે ત્યારે એવું બનશે કે આપણે કરિયાણાની દુકાને ખરીદી કર્યા પછી, રોકડા-મોબાઇલ વોલેટ કે કાર્ડ કાઢવાને બદલે, દુકાનદારને ફક્ત આપણો આધાર નંબર જણાવીશુ, દુકાનદાર તેના સ્માર્ટફોનમાંની એપ સાથે કનેક્ટેડ મશીનમાં આપણી ફિંગર-પ્રિન્ટ લેશે કે આંખનું આઇરિસ સ્કેનિંગ કરશે, આપણે જણાવેલો આધાર નંબર અને આપણે પોતે બંને એક જ છે એનું બે-ત્રણ સેક્ધડમાં વેરિફિકેશન થશે અને આપણા, આધાર લિંક્ડ બેન્ક ખાતામાંથી દુકાનદારના બેન્ક ખાતામાં રકમ પહોંચી જશે.

આ વ્યવસ્થામાં વેપારી અને ગ્રાહક બંનેએ કોઈએ વધારાનો ચાર્જ ચૂકવવાનો ન થાય એવી શક્યતા છે.

આમાં અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે દુકાનદાર આપણી ફિંગરપ્રિન્ટ કે આંખનું સ્કેનિંગ કેવી રીતે કરે?

સરકાર એ માટે પ્રયત્નશીલ છે કે ભારતમાં વેચાતા નવા તમામ સ્માર્ટફોનમાં આવી સુવિધા હોય. ઇન-ફોકસ નામની અમેરિકન કંપનીએ હમણાં જાહેર કર્યું છે કે તે ભારતનો પહેલો, આધાર-ઇનેબલ્ડ આઇરિસ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ ફોન આવતા વર્ષની શરૂ‚આતમાં બજારમાં આવી જશે અને કિંમત હશે લગભગ બાર હજાર રૂ‚પિયા.

અત્યારે આધાર કાર્ડનું તંત્ર દિવસમાં ૧૦ કરોડ વેરિફિકેશન રીક્વેસ્ટ પ્રોસેસ કરી શકે છે (સંખ્યાબંધ જગ્યાએ હવે કેવાયસી વેરિફિકેશન આ રીતે થવા લાગ્યું છે), તંત્ર તેને દિવસના ૪૦ કરોડ વેરિફિકેશન સુધી લઈ જવાની તૈયારીમાં છે.

ભારતમાં ૧૦૪ કરોડ લોકો હવે આધાર નંબર ધરાવે છે અને તેમાંથી ૪૦ કરોડ પાસે સ્માર્ટફોન છે. સરકાર વેરિફિકેશનનો સહેલો રસ્તો શોધી શકશે અને વેપારીઓને તેના ઉપયોગ તરફ વાળી શકશે, તો આપણને કેશલેસ સોસાયટી તરફ આગળ વધવાનો નવો આધાર મળશે એ નક્કી.


નવી પેમેન્ટ વ્યવસ્થા

  1. દુકાનદાર પોતાના સ્માર્ટફોનમાં આધાર પેમેન્ટ એપ ડાઉનલોડ કરશે.
  2. જો દુકાનદાર પાસે, બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ કે આઇરિસ સ્કેનિંગ) વેરિફિકેશન કરી શકે તેવો સ્માર્ટફોન હશે તો તે તેનો ઉપયોગ કરશે.
  3. જો દુકાનદાર પાસે, આવો સ્માર્ટફોન નહીં હોય તો તે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન કરી શકે તેવું મશીન અલગથી વસાવશે (તેની કિંમત રૂા. ૨૦૦૦ રહેવાની ધારણા છે).
  4. ખરીદી પછી રકમ ચૂકવવા આપણે દુકાનદારને આપણો આધાર નંબર જણાવીશું.
  5. દુકાનદાર તેની પાસેના સ્માર્ટફોન કે મશીનથી આપણી આંખ સ્કેન કરશે કે ફિંગરપ્રિન્ટ લેશે.
  6. આધારનાં સર્વર આપણી ખરાઈ કરશે, આપણા બેન્ક ખાતામાંથી દુકાનદારના ખાતામાં રકમ ચુકવાઈ જશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here