ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે – કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે – બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે – બ્રાઉઝર.
ઇન્ટરનેટના જૂના, શરૂઆતના સમયમાં માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું પરંતુ પછી ફાયરફોક્સ મોઝિલાએ ટેબ્ડ બ્રાઉઝિંગ, એડોન્સ વગેરે નવી પહેલ કરીને દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝર તરીકેનું સ્થાન મેળવી લીધું. જોકે ત્યાર પછી ગૂગલે બ્રાઉઝરના માર્કેટમાં એન્ટ્રી કરી અને ગૂગલ ક્રોમમાં ફાયરફોક્સ જેવી જ ને તેથી ચડિયાતી સુવિધાઓ અને ખાસ તો વધુ સારી સ્પીડ આપીને મેદાન મારી લીધું. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલ ક્રોમ દુનિયાનું સૌથી લોકપ્રિય બ્રાઉઝર છે.
અલબત્ત ફાયરફોક્સે હજી પણ મેદાન છોડ્યું નથી અને તેના લેટેસ્ટ વર્ઝન ફાયરફોક્સ ક્વોન્ટમ સાથે તે ગૂગલ ક્રોમને ગંભીર હરીફાઈ આપે તેવી શક્યતા છે.