રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નોટ અચાનક રદ થયા પછી જાગેલી હૈયાહોળીમાં તેના થોડા જ સમય પહેલાં બેંકિંગ ક્ષેત્રમાં ઉઠેલી મહાઆંધી ભૂલાઈ ગઈ. એક ખાનગી બેંકની એટીએમ સિસ્ટમની સલામતી વ્યવસ્થા હેક થયા પછી એ બેંકના એટીએમનો ઉપયોગ કરનારા એ બેંક તથા બીજી બેંકના સંખ્યાબંધ ખાતેદારોના ખાતામાંથી નાણાંની ઉચાપત થવા લાગી.
આમ તો આ કૌભાંડ જુલાઈ મહિનાથી શરૂ થયું હોવાનું કહેવાય છે. તેના સપાટામાં આવેલી સંખ્યાબંધ બેંકોએ તપાસ શરૂ કર્યા પછી છેક ઓક્ટોબર મહિનામાં બેંકોએ ૩૦ લાખથી વધુ ખાતેદારોના ડેબિટ કાર્ડ બ્લોક કરવાનો નિર્ણય લીધો. આ ડેબિટ કાર્ડની સલામતી જોખમાઈ હતી અને તેની વિગતો હેકર્સના હાથમાં આવી ગઈ હોવાનું કહેવાય છે. બેંકોએ અનેક ખાતેદારોને નવાં, વધુ સલામત ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવાનો પણ નિર્ણય લીધો છે.