‘આંખના ઇશારે’ ફોનનું અનલોકિંગ!

પાસવર્ડ પરફેક્ટ નથી એ બધા જાણે છે. હવે તેના વિકલ્પ તરીકે, બાયોમેટ્રિક રેકગ્નિશનની અજમાયશ શરૂ થઈ છે, જેમાં હમણાં હમણાં સમાચારોમાં ચમક્યું છે આઇરિસ સ્કેનિંગ.

આગળ શું વાંચશો?

  • ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ
  • આઇરિસ સ્કેનિંગ
  • આઇરિસ સ્કેનિંગ કેવી રીતે કામ કરે છે? 

ટોપ સિક્રેટ અને સ્ટાઇલિશ ટેક્નલોજી પર હવે જેમ્સ બોન્ડનો ઇજારો રહ્યો નથી, આવી ટેક્નોલોજી ખરા અર્થમાં આપણા હાથમાં પહોંચવા લાગી છે.

છેલ્લા ઘણા સમયથી ટેક્નોલોજી કંપનીઝ વ્યક્તિની ખરાઈ કરવા માટે અત્યાર સુધી વપરાતા પાસવર્ડનો વધુ સલામત વિકલ્પ શોધવા માટે મથી રહી છે. સ્માર્ટફોનમાં લોક તરીકે પિન, પાસવર્ડ કે પેટર્નનો ઉપયોગ તદ્દન સામાન્ય છે, હવે બોલબાલા છે બાયોમેટ્રિક રેકગ્નિશનની.

ભારતમાં આધાર કાર્ડના રજિસ્ટ્રેશન દરમિયાન લોકોની ફિંગરપ્રિન્ટ્સ ને આંખોનું સ્કેનિંગ થવાના કારણે બાયોમેટ્રિક રેકગ્નિશન શબ્દ હવે જાણીતો થવા લાગ્યો છે. સ્માર્ટફોનમાં, અલગ અલગ વેબસર્વિસમાં કે નેટબેન્કિંગ, એટીએમ વગેરેમાં આપણે પિન, પાસવર્ડ કે પેટર્ન યાદ રાખવાં પડે અને કોઈક રીતે બીજી કોઈ વ્યક્તિ એ જાણી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. જ્યારે બાયોમેટ્રિક રેકગ્નિશનમાં વ્યક્તિની અજોડ શારીરિક લાક્ષણિકતાનો ઉપયોગ કરીને તેની ઓળખ સ્થાપિત કરવામાં આવે છે. આમાં કશું યાદ રાખવાનું હોતું નથી કે બીજી કોઈ વ્યક્તિ જાણી જાય એવું જોખમ નથી.

પાસવર્ડના વિકલ્પ તરીકે જુદી જુદી કંપની વ્યક્તિનો ચહેરો, ડીએનએ, ફિંગરપ્રિન્ટ અને હવે આંખમાંની લાક્ષણિકતાનો ઉપયોગ કરીને જડબેસલાક સિક્યોરિટી સિસ્ટમ વિક્સાવવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉના અંકોમાં આપણે ફેસ રેકગ્નિશનનાં જમા-ઉધાર પાસાંની વાત કરી છે, આ અંકમાં ફિંગરપ્રિન્ટ અને પ્રમાણમાં નવી ગણાતી આઇરિસ સ્કેનિંગ ટેક્નોલોજીની વાત કરીએ.

મોબાઇલમાં ફિંગરપ્રિન્ટ સ્કેનરની સુવિધા હવે રૂ. ૧૦,૦૦૦ કરતાં ઓછી કિંમતના ફોનમાં પણ મળવા લાગી છે. બીજી તરફ, હમણાં લોન્ચ થયેલ અને ભારતમાં રૂ. ૫૯,૦૦૦ જેટલી કિંમત ધરાવતા સેમસંગ નોટ-૭માંની આઇરિસ સ્કેનિંગની સુવિધા પણ ઘણી ઝડપથી અન્ય ફોનમાં પણ મળવા લાગે એવી પૂરી શક્યતા છે.

સેમસંગે જાહેરાત કરી જ દીધી છે કે થોડા સમયમાં તેના મીડ-રેન્જ સ્માર્ટફોન્સમાં પણ આ સુવિધા મળવા લાગશે.

ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ

મોબાઇલમાંની આપણી બધી માહિતી સલામત રાખવા માટે વપરાતાં ફિંગરપ્રિન્ટ સ્કેનર્સ બે પ્રકારનાં હોય છે.

પહેલા પ્રકારમાં, એક વાર આપણી ફિંગરપ્રિન્ટ લઈને તેને સાચવી રાખવામાં આવે છે અને બીજી વાર જ્યારે આપણે ફિંગરપ્રિન્ટ આપીને ફોન અનલોક કરવાનો પ્રયાસ કરીએ ત્યારે એ નવી ફિંગરપ્રિન્ટને અગાઉ સ્ટોર કરેલી ઇમેજ સાથે સરખાવવામાં આવે છે. આ ઓપ્ટિકલ સ્કેનિંગ થયું, જે ફિંગરપ્રિન્ટ સરખાવવાની બહુ જૂની ટેક્નોલોજી છે.

જ્યારે નવા પ્રકારમાં કેપેસિટિવ સ્કેનર્સનો ઉપયોગ થાય છે અને તેમાં ઇલેક્ટ્રોનિક્સની ખૂબીઓ કામે લગાડવામાં આવે છે. આ પ્રકારનાં ફિંગરપ્રિન્ટ સ્કેનરમાં અગાઉથી કોઈ ઇમેજ સ્ટોર કરવામાં આવતી નથી. આપણે આંગળીની સપાટીને અત્યંત મોટી કરીને જોઈ શકીએ તો જણાય કે આપણી ફિંગરપ્રિન્ટ ઉપસેલી રેખાઓથી બને છે. આવા ઉપસેલા ભાગને અંગ્રેજીમાં ‘રીજ’ અને વચ્ચેના ખાડા જેવા ભાગને ‘વેલી’ કહે છે. આપણે જ્યારે પણ સ્કેનર પર આંગળી ફેરવીએ એટલે સ્કેનર પરનાં સેન્સર્સ આંગળી પરની ઉપસેલી રેખાઓ અને વચ્ચેના ખાડાની યુનિક પેટર્નને પારખી લે છે. આંગળી સ્કેનર પર ફરે એટલે ઉપસેલા ભાગથી એક બારીક કનેક્ટેડ સર્કિટ તૈયાર થાય છે, જ્યારે વેલીઝ ડિસકનેક્ટેડ રહે છે. આવી કનેક્ટેડ અને ડિસકનેક્ટેડ સર્કિટની પેટર્ન, દરેક વ્યક્તિ માટે હંમેશા યુનિક રહે છે એટલે તેના આધારે એ વ્યક્તિની ઓળખની ખરાઈ થાય છે!

આઇરિસ સ્કેનિંગ

‘આઇરિસ’ એ ખરેખર કોઈ ટેક્નોલોજીનું નામ નથી, પણ આપણી આંખની એક ખાસિયતનું જ નામ છે. આંખના ડોળાને તમે અરિસામાં ખાસ્સો નજીકથી જુઓ તો ડોળાના બહારની બાજુના વર્તુળ અને કીકી વચ્ચેના ભાગમાં, બારીક અને રંગીન રેખાઓની એક ચોક્કસ પેટર્ન જોઈ શકશો.

કુદરતના દરેક અદભુત સર્જનની જેમ, દરેક વ્યક્તિ માટે આ પેટર્ન યુનિક હોય છે. વાસ્તવમાં, એક જ વ્યક્તિની બે આંખમાં પણ આવી પેટર્ન અલગ અલગ હોય છે. આ આઇરિસથી જ આપણી આંખને તેનો ચોક્કસ રંગ મળે છે.

આઇરિસ સ્કેનિંગની સુવિધા ધરાવતા ફોનમાં ઉપરના ભાગે, સેલ્ફી લેવા માટેના કેમેરા ઉપરાંત એક કેમેરા હોય છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પહેલી વાર આ કેમેરા સામે અમુક અંતરે આંખ રાખતાં, આ કેમેરાની બાજુમાંની એલઇડી ઇન્ફ્રારેડ લાઇટ્સની મદદથી આંખમાં પ્રકાશ ફેંકે છે (આંખને કોઈ નુક્સાન ન થતું હોવાનો દાવો છે) અને કેમેરા આંખની આઇરિસનું સ્કેનિંગ કરે છે.

આ રીતે થતા સ્કેનિંગની મદદથી, આપણી આઇરિસની ૨૪૦ જેટલી ખાસિયત પારખવામાં આવે છે. પછી સ્માર્ટફોનમાંની સિસ્ટમ આ ઇમેજને આઇરિસ કોડમાં ફેરવે છે, જે સામાન્ય રીતે ૫૧૨ અંકથી બનતી એક યુનિક સંખ્યા હોય છે. એક વાર આ રીતે આપણો આઇરિસ રેકોર્ડ તૈયાર થઈ જાય તે પછી ફોન આપણી આંખના ઇશારે અનલોક થવા માટે તૈયાર છે!

હવે પછી જ્યારે આપણે ફોન અનલોક કરવો હોય ત્યારે ફોન સામે નજર માંડવાથી, સ્કેનર ફરી આઇરિસ તપાસે છે, તેને સંખ્યાના કોડમાં ફેરવે છે અને આ નવા ડેટાને તેણે અગાઉ સ્ટોર કરેલા ડેટા સાથે સરખાવે છે, બંને મેચ થાય તો ફોન અનલોક થાય. આ બધું ખરેખર આંખના પલકારામાં થાય છે!

અત્યારે ભલે સેમસંગ આ ટેકનોલોજી લાવ્યાનો જશ ખાય, પણ લુમિયા સીરિઝના અમુક ફોનમાં આ સુવિધા ઘણા વખતથી છે. એટલું ખરું કે સેમસંગ આ ટેકનોલોજીને વિસ્તારીને ફોન અનલોક કરવા ઉપરાંત, જુદી જુદી વેબસાઇટ, ઓનલાઇન શોપિંગ અને નેટ બેન્કિંગમાં પણ ઓથેન્ટિકેશન માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે.

અલબત્ત, આ પણ સંપૂર્ણ સચોટ અને સલામત પદ્ધતિ નથી. સંશોધકો તેમની પાસેના ડેટાબેઝમાંથી ડુપ્લિકેટ આઇરિસ કોડ બનાવી શક્યા છે અને તેની મદદથી, બીજી કોઈ વ્યક્તિનો ફોન અનલોક કરી શક્યા છે. આપણે માટે આશ્વાસન એટલું કે નકલ કરવાની આ ટેક્નોલોજી અત્યંત જટિલ છે અને આપણો ફોન જેના હાથમાં આવવાનો છે, કમ સે કમ એ વ્યક્તિ તો એવી ટેક્નોલોજી વાપરીને ફોન અનલોક નહીં જ કરી શકે!

આઇરિસ સ્કેનિંગ કેવી રીતે કામ કરે છે?

યૂઝર કેમેરા સામે આંખ રાખે એટલે…

ફ્રન્ટ પેનલમાંની એેલઇડી ઇન્ફ્રારેડ લાઇટ ફેંકે …

એલઇડીની બાજુનો સ્પેશિયલ કેમેરા આઇરિસનું સ્કેનિંગ કરે…

સોફ્ટવેર સ્કેનિંગના આધારે યુનિક કોડ જનરેટ કરે અને દર વખતે તેના આધારે વ્યક્તિની ઓળખ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here