ઇન્ટરનેટ પર ડેટાની કોઈ ખોટ નથી, પણ તેને એક્સેસ કરવા માટે જે નેટવર્ક છે તે સતત વધતી માંગને પહોંચી વળે તેમ નથી. આપણા કરતાં, મોટી ટેક કંપનીઝને તેની વધુ ચિંતા છે.

આગળ શું વાંચશો?

  • બેકબોનની ક્ષમતામાં વધારો
  • સ્પેક્ટ્રમનો શક્ય એટલો વધુ ઉપયોગ

ગયા મહિને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના ગ્રૂપના બીજા ક્રમના સૌથી મોટા સાહસ જિઓના પ્રારંભની ઘોષણા કરતી વખતે, ઇન્ટરનેટ ડેટાને ઓક્સિજન સમાન ગણાવીને કહ્યું કે હવે ભારતમાં ડેટાગીરીનો યુગ શરૂ થશે.

જિઓ બહુ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને ગંજાવર રોકાણના આધાર પર આકાર લઇ રહ્યો છે. તેને સફળ બનાવવા માટે રિલાયન્સ ગ્રૂપે બહુ ટૂંકા ગાળામાં ૧૦ કરોડ જેટલા ગ્રાહકો ઊભા કરવા પડે તેમ છે. આ જ કારણે કંપનીએ ભારતમાં જે માર્કેટિંગ ટ્રીક સૌથી વધુ ચાલે તે અજમાવી છે – મફત આપવું!

ડિસેમ્બર ૩૧ સુધી જિઓ નેટવર્કમાં જોડાયેલા લોકોને સંખ્યાબંધ લાભ મફત મળે તેમ છે. આ જ કારણે જ્યારે બીજી કંપનીઓ પોતાની સાથે જોડાવા માંગતા લોકોને સિમ કાર્ડની હોમ ડિલિવરી આપવા પણ તૈયાર છે, એવા સમયમાં રિલાયન્સ જિઓનું સિમ કાર્ડ મેળવવા માટે લોકો રિલાયન્સ જિઓ શોપ્સ પર ધસારો કરવા લાગ્યા છે.

હવે મજા જુઓ. જે રીતે મફત ડેટાનો લાભ લેવા માટે લોકો શોપ્સમાં ધસારો કરવા લાગ્યા છે એ જ રીતે ઇન્ટરનેટના ગ્લોબલ નેટવર્કમાં પણ ડેટાના ઉપયોગનો ધસારો એવો વધ્યો છે કે આખા નેટવર્કમાં રીતસર ટ્રાફિક જામ થવા લાગ્યો છે.

ભારતમાં જિઓના આગમનને પગલે મોબાઇલ ટેલિકોમ અને ઇન્ટરનેટમાં ઘણાં પરિવર્તનો આવશે, પણ આખી દુનિયામાં આ પરિવર્તનો ઘણા સમયથી ચાલી રહ્યાં છે.

કારણ એક જ છે – મોબાઇલ સ્માર્ટફોન અને તેના પગલે ઇન્ટરનેટનો સતત વધી રહેલો ઉપયોગ.

યાદ રહે, મૂળ ડેટા એટલે કે સ્માર્ટફોનમાં ઉપલબ્ધ થઇ શકે તેવા કન્ટેન્ટની તો કોઇ તંગી નથી, એનું પ્રમાણ તો આપણા જેવા યૂઝર્સનેને જ કારણે સતત વધી રહ્યું છે, પણ તેને એક્સેસ કરવા માટે જે સુવિધાઓ જોઈએ તે માંગ કરતાં ઓછી પડે છે.

આ મુદ્દો આપણા જેવા સરેરાશ યુઝર્સ માટે ખાસ ચિંતાનો મુદ્દો નથી, પણ ઇન્ટરનેટના આધારે કરોડો-અબજોની આવક કરતી જાયન્ટસ ટેક કંપનીઝ માટે તો રીતસર ઉપાધિ છે. એમના માટે સ્થિતિ એવી છે કે, તેમની પ્રોડક્ટ કે સર્વિસીઝનો લાભ લેવા માટે દુનિયાભરના વધુ ને વધુ લોકો તત્પર છે પણ ઇન્ટરનેટ નેટવર્ક આ સતત વધતી માંગને પહોંચી વળી શકે તેમ નથી.

બેકબોનની ક્ષમતામાં વધારો

ઇન્ટરનેટ કંપનીઝ જાણે છે કે આવનારો સમય હાઇડેફિનેશન વોઇસ કોલ અને વીડિયો કોલનો છે. એ સાથે સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ્સ, રીમોટ સર્જરી, વર્ચ્યુઅલ રીયાલિટી, ઓગ્મેન્ટેડ રીયાલિટી વગેરે માટે પણ હાઇસ્પીડ નેટ કનેક્ટિવીટીની જરૂરિયાત ઊભી થવાની છે. જેને માટે આજનું નેટવર્ક બિલકુલ તૈયાર નથી.

આ જ કારણે ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ વગેરે કંપની આવનારા સમયની જરૂરિયાત ધ્યાનમાં રાખીને અબજો ડોલરના રોકાણ સાથે નવાં નેટવર્ક ઊભાં કરવા મથી રહી છે, જેમાં જૂના જમાનાના કોપર કેબલને બદલે ફાઇબર ઓપ્ટિક્સનો ઉપયોગ થઇ રહ્યો છે.

તેમ છતાં આગલા લેખમાં આપણે જોયું તેમ હજી પણ બહુ મોટા પાયે ઇન્ટરનેટ નેટવર્ક જૂની પદ્ધતિના નેટવર્ક પર આધારિત છે. ૩-જીનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે અને ૪-જી તો હજી પા પા પગલી જ માંડે છે. પરંતુ નિષ્ણાતોને લાગે છે કે આવતા ફક્ત ૩ વર્ષમાં એટલે કે ૨૦૨૦ સુધીમાં ઇન્ટરનેટ ડેટાની માંગ જે પ્રમાણમાં વધવાની છે તેને જોતાં અત્યારથી જ ૫-જી ટેકનોલોજી પર ધ્યાન આપવું પડશે.

ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે પીસી અને મોબાઇલ ઉપરાંત ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતાં સાધનોની વધતી સંખ્યા ધ્યાને લેતાં નિષ્ણાતો કહે છે કે આવનારા સમયમાં એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં ૧૦ લાખ સાધનો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઇ શકે અને સહેલાઇથી ડેટા એક્સેસ કરી શકે એવી સ્થિતિ સર્જવી પડશે.

આના ઉપાય તરીકે કમ્યુનિકેશન નેટવર્કના બેકબોન સમાન કેબલ્સ અને વાયરલેસ સિગ્નલનું વહન કરતા સ્પેકટ્રમ બંનેની કાર્યક્ષમતા વધાર્યા વિના છૂટકો નથી.

આપણે  સૌ જાણીએ છીએ તેમ ગ્લોબલ ટેલિકમ્યુનિકેશનની કરોડરજ્જુ મહાસાગરોના પેટાળમાં પથરાયેલા કેબલ્સથી બનેલી છે. આ નેટવર્કની ક્ષમતામાં અનેકગણો વધારો શક્ય બન્યો છે. ૧૯૮૮માં અમેરિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે એટલાન્ટિક મહાસાગરમાં પહેલો ફાઇબર કેબલ નખાયો તેની જે ક્ષમતા હતી તેની સરખામણીમાં આજનો વાળ જેટલો પાતળો ફાઇબર ૩૦,૦૦૦ ગણી વધુ ક્ષમતા ધરાવે છે. આ કેબલ દર સેકંડે ૧૦ ટેરાબીટ જેટલા ડેટાનું વહન કરી શકે છે.

હવે ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપની ભૂમિ પર અને મહાસાગરોમાં તેમના પોતાના ઇન્ટરનેટ કેબલ નેટવર્ક ઊભાં કરવા લાગી છે. મહાસાગરો, ખાસ કરીને એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકા અને યુરોપને જોડતા સબમરીન કેબલ્સમાંના મોટા ભાગના સહિયારી માલિકીના છે, પણ હવે તેમાં આ કંપનીઓના ખાનગી કેબલ્સ ઉમેરાયા છે. ફક્ત આ ત્રણ ટેક કંપની એટલા મોટા પ્રમાણમાં પોતાના ડેટાની પોતાની માલિકીના કેબલ્સથી આપલે કરી રહી છે કે એટલાન્ટિક કેબલ્સમાંથી વહેતા ડેટામાંથી લગભગ ૬૬ ટકા ડેટા આ ત્રણ કંપનીના ખાનગી કેબલમાં વહે છે. હજી થોડાં વર્ષ પહેલાં આ પ્રમાણ માંડ ૧૦ ટકા જેટલું હતું.

ગૂગલે એશિયન કંપનીઝ સાથે અમેરિકા અને જાપાનને જોડતો ‘ફાસ્ટર’ નામનો અન્ડર સી કેબલ પાથર્યો છે. આ કેબલ હમણાં જ એટલે કે જૂન ૨૦૧૬માં કાર્યરત થયો છે. ૯૦૦૦ કિલોમીટર લાંબો આ ફાઇબર દર સેકન્ડે ૯૦ ટેરાબીટ્સની ઝડપે ડેટાનું વહન કરી શકે છે. ગૂગલના એક અધિકારી કહે છે કે આપણા કેબલના મોડેમ કરતાં આ ઝડપ એક કરોડ ગણી વધુ છે!

માઇક્રોસોફ્ટ અને ફેસબુકે વિકસાવેલ નવી કેબલ વ્યવસ્થા આ ફાસ્ટર સિસ્ટમને પણ ધીમી સાબિત કરી દે તેમ છે. દેશે. અમેરિકાના વર્જિનિયા અને સ્પેનને જોડતી ‘મારિઆ’ (ભરતી માટેનો સ્પેનિશ શબ્દ) નામની આ કેબલ સિસ્ટમ ૬૬૦૦ કિલોમીટર લાંબી છે અને તે આ બંને કંપનીના ડેટા સાથે સેન્ટર્સને જોડશે અને તેની ક્ષમતા હશે દર સેકંડે ૧૬૦ ટેરાબીટ્સની! આ કેબલ ઓક્ટોબર ૨૦૧૭માં કાર્યરત થવાની સંભાવના છે.

સબમરીન બેકબોન પર ભાર વધવા માટે ઘણે અંશે આપણી પોતાની વધુ ઝડપની ભૂખ અને એને પૂરી કરવાની આ મહાકાય કંપનીઓની હોંશ પણ જવાબદાર છે. આ કંપનીઓ વિશ્વના જુદા જુદા ભાગમાં ત્વરિત સેવાઓ આપવા માટે આખા વિશ્વમાં પોતાના ડેટા સેન્ટર ઊભાં કરી રહી છે. આ ડેટા સેન્ટર્સ એકબીજાના ડેટાને કોપી કરતાં રહે છે, જેથી નજીકના યૂઝર્સ સુધી ઝડપથી ડેટા પહોંચાડી શકાય!

એક બીજી મજાની વાત પણ જાણી લો. વર્ષ ૨૦૦૦માં જ્યારે ડોટકોમનો જુવાળ આવ્યો ત્યારે સંખ્યાબંધ કંપનીઓએ યુરોપ અને ઉત્તર અમેરિકાના ઘણા ભાગોમાં જરૂર કરતાં ઘણા વધુ પ્રમાણમાં ફાઇબર ઓપ્ટિક્સનાં નેટવર્ક તૈયાર કર્યાં હતાં, જે ડોટકોમનો પરપોટો ફૂટતાં હજી હમણાં સુધી વપરાયા વિના પડ્યા રહ્યા હતા. ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટ હવે ડાર્ક ફાઇબર તરીકે ઓળખાતાં આ નેટવર્ક પણ ખરીદવા લાગી છે.

સ્પેક્ટ્રમનો શક્ય એટલો વધુ ઉપયોગ

ઇન્ટરનેટ નેટવર્કના બેકબોનની ક્ષમતા આટલી વધાર્યા પછી પણ કેટલાક સવાલો ઊભા રહે છે.

ઇન્ટરનેટનો ઘણો ખરો ટ્રાફિક હવે મોબાઇલ ડિવાઇસીઝ તરફ વળી રહ્યો છે. સબમરીન કેબલ્સના બેકબોનની ક્ષમતા ભલે જોરદાર હોય, અંતે મોબાઇલના ટાવર સુધી તેને પહોંચાડતા કેબલ્સ નબળા હોય અને ટાવરથી મોબાઇલ સુધી પહોંચતાં સ્પેક્ટ્રમની ખેંચ હોય તો વાત ત્યાંની ત્યાં આવીને ઊભી રહે.

આપણે પીસી પર કે સ્માર્ટફોનમાં કોઇ વેબપેજ વાંચતા હોઇએ ત્યારે બ્રાઉઝર તેનો ડેટા કેશ તરીકે સંગ્રહ કરી લે છે એટલે કનેક્શન થોડું ધીમું હોય તો વેબપેજ વાંચવામાં આપણે તેની ખબર પડતી નથી. જ્યારે બે વ્યક્તિ મોબાઇલમાં વાતચીત કરતી હોય ત્યારે અવાજના સિગ્નલની આપ-લેમાં સેકન્ડના ચોથા ભાગ જેટલો વિલંબ થાય તો પણ માનવ મગજ તરત ખોટકો અનુભવે છે. વીડિયોમાં દર સેકન્ડે અમુક ચોક્કસ ફ્રેમ ન જોવા મળે તો તેના બફરિંગનું ચક્કર ઘૂમવા લાગે અને આપણે વીડિયો ફરી શરૂ થાય તેની રાહ જોવી પડે.

મોબાઇલ ટાવર અને સેલફોન વચ્ચે સ્પેક્ટ્રમ (સાદી ભાષામાં હવામાંના રેડિયો તરંગ)ની મદદથી સિગ્નલ્સની આપલે થાય છે. જુદી જુદી કંપનીને જુદી જુદી ફ્રિકવન્સીના સ્પેક્ટ્રમ ફાળવવામાં આવે છે. પરંતુ મોબાઇલ ઉપરાંત, પોલીસ, લશ્કર, ટ્રાન્સપોર્ટ સેક્ટર, હવાઈ અને દરિયાઈ જહાજો વગેરે તમામના કમ્યુનિકેશન માટે વિવિધ સ્પેક્ટ્રમની વિવિધ ફાળવણી થાય છે. અમેરિકામાં ટેલિકોમ્સ જેટલા પ્રમાણમાં સ્પેક્ટ્રમની ફાળવણી થાય છે, તેની સરખામણીમાં ભારતીય ટેલિકોમ્સને ઘણી ઓછી ફાળવણી થાય છે. આપણે ટેલિકોમ નેટવર્કમાં વારંવાર કોલ ડ્રોપ થાય છે કે આપણે બાલ્કનીમાં જઈને સિગ્નલ પકડવાં પડે છે એનાં જે ઘણાં કારણો છે એમાંનું એક કારણ આ પણ છે!

આના ઉપાય તરીકે સતત વિકસતી રહેલી મોબાઇલ ઇન્ટરનેટ ટેક્નોલોજી ૪-જી સુધી પહોંચી છે, છતાં નિષ્ણાતો માને છે ૨૦૨૦ સુધીમાં ડેટાની માંગ એટલી વધી ગઈ હશે કે ત્યારે લગભગ ૧૦૦ ગણી વધુ ઝડપ ધરાવતા ૫-જી નેટવર્ક સિવાય છૂટકો નહીં રહે કારણ કે ત્યારે વ્યક્તિ અને સ્માર્ટફોન-ટેબલેટ ઉપરાંત જુદી જુદી અનેક ચીજવસ્તુઓ પણ ઇન્ટરનેટ સાથે જોડાઈને ડેટાની આપલે કરવા લાગી હશે.

નિષ્ણાંતો કહે છે કે, સામાન્ય ફોનની સરખામણીમાં સ્માર્ટફોન ૨૨ ગણા વધુ ડેટાનો ઉપયોગ કરે છે અને ટેબ્લેટ જેવા સાધન તેનાથી પણ વધુ અનેકગણો ઉપયોગ કરે છે. આ માટે મલ્ટીપલ-ઇનપૂટ, મલ્ટીપલ-આઉટપૂટ (મિમો) નામની એક ટેક્નોલોજીનો વાઇ-ફાઇ અને ૪-જી નેટવર્કમાં ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં સિગ્નલના ટ્રાન્સમીટર અને રીસિવર એમ બંને છેડાની રેડિયો ફ્રિકવન્સીમાં બળજબરીથી વધુ ડેટા સમાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ માટે ફોન અને ટાવરમાં વધુ એન્ટેના લગાવવા પડે, પણ તો ફોનનું કદ વધે!

સબમરીન કેબલ્સના બેકબોનની ક્ષમતા વધારવી અને સ્પેક્ટ્રમનો શક્ય એટલો વધુ ઉપયોગ કરવા ઉપરાંત હવે ટેક કંપનીઓ ચીપ્સની ઝડપ વધારવા તરફ પણ ધ્યાન આપી રહી છે, જેથી ડ્રાઇવરલેસ કારની સિસ્ટમને કે ઇન્ટરનેટના આધારે ચાલી રહેલી ટેલિરોબોટિક સર્જરી માટે જરૂરી ડેટા મળવામાં પલકવારના વિલંબથી પણ કોઈનો જીવ જોખમાય નહીં!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here