સ્માર્ટફોન કે સ્માર્ટ ગતકડું?

૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન? ખરેખર? કંપનીનો દાવો છે કે વિરાટ સંખ્યામાં વેચાણની શક્યતા હોવાથી આ કિંમતે પણ તે ફોન વેચી શકશે – આ દાવો કેટલો સાચો તેની ખબર ચારેક મહિનામાં પડશે!

આગળ શું વાંચશો?

  • લોકોએ એડવાન્સ રૂપિયા ચૂકવ્યા હશે તો શું થશે?

છેવટે આકાશ ટેબલેટ અને નેનો કારની હરોળમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે – ફ્રીડમ૨૫૧.

ફક્ત રૂ. ૨૫૧ની કિંમતનો સ્માર્ટફોન! ફોનમાં સ્પેસિફિકેશન જે પ્રકારનાં કહેવાયાં છે (૪ ઇંચ ક્યુએચડી આઇપીએસ ડિસ્પ્લે, ૧.૩ ગીગાહર્ટ્ઝ પ્રોસેસર, ૧ જીબી રેમ, ૮ જીબી સ્ટોરેજ, ૩.૨ એમપી રીયર કેમેરા, એન્ડ્રોઇડ ૫.૧) એ જોતાં આ કિંમત કોઈ રીતે માની શકાય એવી નથી અને ફોન લોન્ચ થયો સત્તાધારી પક્ષના મહાનુભાવોની હાજરીમાં!

આકાશ, નેનો અને આ ફ્રીડમ૨૫૧માં ફેર એટલો છે કે ફક્ત નેનો કાર પાછળ ટાટા મોટર્સનું અત્યંત વિશ્વસનીય નામ હતું અને કિંમતમાં થોડા વધારા સાથે, પણ એ કાર ખરેખર રસ્તા પર આવી, ધાર્યા કરતાં ઓછો પ્રતિસાદ મળવા છતાં એ કાર હજી પણ વેચાઈ રહી છે અને નેનો ચલાવનારાનો અનુભવ છે કે કિંમતના પ્રમાણમાં નેનો ખરેખર સારી કાર છે.

તો સવાલ એ છે કે ફ્રીડમ૨૫૧ આકાશ બનશે કે નેનો?

રીંગિંગ બેલ નામની તદ્દન અજાણી નોઇડાસ્થિત કંપનીએ આ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ અગાઉ જાહેરાત કરી હતી કે તે રૂ. ૫૦૦ કરતાં ઓછી કિંમતનો ફોન લોન્ચ કરશે અને પછી તેનાથી પણ અડધી કિંમતે લોન્ચ કર્યો.

ભારતની મોબાઇલ કંપનીઓની સંસ્થા ઇન્ડિયન સેલ્યુલર એસોસિએશન (આઇસીએ)એ કેન્દ્ર સરકારના ટેલિકોમ પ્રધાન રવિ શંકર પ્રસાદને પત્ર લખીને આ મામલામાં ઊંડા ઊતરવાની વિનંતી કરી છે. આ સંસ્થાના કહેવા મુજબ, આ પ્રકારનાં સ્પેસિફિકેશન ધરાવતો ફોન, તેની કિંમત કોઈ રીતે અત્યંત સબસીડાઇઝ્ડ કરવામાં આવે તો પણ રૂ. ૩૫૦૦ કરતાં ઓછી કિંમતે વેચવો શક્ય નથી. આ પ્રકારનો ફોન બનાવવા માટેનું મટિરિયલ ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવે તો પણ ફક્ત રો મટિરિયલની કિંમત ઓછામાં ઓછી રૂ. ૧૨૦૦ થાય. તેમાં કંપનીના બીજા ખર્ચ ઉમેરીએ તો ફોનની પડતર કિંમત ઓછામાં ઓછી રૂ. ૧૪૦૦ થાય.

ટેલિકોમ મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે આ તેની તપાસ મુજબ, આ ફોન રૂ. ૨૩૦૦ કરતાં સસ્તો હોઈ શકે નહીં. જોકે મંત્રાલયે આ કંપની કોઈ લેવાશે કે નહીં તેની સ્પષ્ટતા કરી નથી.

વિદેશમાં, આ રીતે પ્રમાણમાં ઠીકઠીક સસ્તા ફોન વેચાય છે, એપલ સહિતની પ્રતિષ્ઠિત કંપનીઓ આ રસ્તો અપનાવે છે, પણ તેમાં આપણે ખરીદેલો ફોન કોઈ ને કોઈ ટેલિકોમ કંપની સાથે લોક થયેલો હોય છે, આપણે અમુક સમય સુધી એ કંપનીના પ્લાન પર જ ફોન ચલાવવો પડે. એટલે બીજા શબ્દોમાં, આપણે શરૂઆતમાં ઓછું ડાઉનપેમેન્ટ કરીને ફોન ખરીદીએ અને પછી તેના માસિક હપ્તા ભરીએ.

આ પદ્ધતિમાં કશું ખોટું કે ગેરકાયદે નથી. પરંતુ ફ્રીડમ૨૫૧ના કિસ્સામાં આવા કોઈ જોડાણની જાહેરાત નથી. આકાશ ટેબલેટની જેમ ભારત સરકારે આ પ્રોજેક્ટને આર્થિક ટેકો આપ્યો હોવાની પણ કોઈ સ્પષ્ટતા નથી.

ફોનની વાત કરીએ તો અત્યારે જે કોઈ પિક્ચર્સ રીલીઝ થયાં છે તેમાં ફોન આઇફોનની તદ્દન કોપી લાગે છે. કંપનીએ વિવિધ મીડિયા કંપનીઓને પોતાના ફોન રીવ્યૂ માટે મોકલ્યા તેમાં પણ લોચા છે. એક અખબારને મોકલાયેલા ફોન પર રીંગિંગ બેલ કંપનીને બદલે કોઈ બીજી જ કંપનીનું બ્રાન્ડિંગ હતું!

એ સિવાય, આ લખાઈ રહ્યું છે ત્યારે આકાશ ટેબલેટ લોન્ચ થયું ત્યારે જે અંધાધૂંધી અને અસ્પષ્ટતા હતી એ જ માહોલ ફરી જોવા મળી રહ્યો છે. અલબત્ત, આકાશ ટેબલેટ ફક્ત

વિદ્યાર્થીઓ માટે હતું અને નિશ્ચિત ચેનલ્સ દ્વારા જ તે મેળવી શકાતું હતું, જ્યારે ફ્રીડમ૨૫૧ ફોન કોઈ પણ બુક કરાવી શકે છે – જો એની વેબસાઇટ પરથી બુકિંગ થઈ શકે તો!

અત્યારે આ ફોન બુક કરાવીએ તો ચાર મહિના પછી તેની ડિલિવરી શરૂ થશે તેવો દાવો કરાયો છે.

એક વાત ચોકકસ કે નેનો અને આકાશ ટેબલેટ બંને કિસ્સામાં, કંપનીના દાવા મુજબની કિંમત ઘણે અંશે શક્ય બની છે. ટેબલેટ અત્યારે સખત સસ્તાં થયાં છે  એ જોતાં, લાંબા ગાળે સ્માર્ટફોનની કિંમત ઠીક ઠીક નીચી આવી શકે છે ખરી!

લોકોએ એડવાન્સ રૂપિયા ચૂકવ્યા હશે તો શું થશે?

તમે રૂ. ૨૫૧માં સ્માર્ટફોનનું બુકિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો? મોટા ભાગે તમને નિષ્ફળતા મળી હશે કેમ કે બુકિંગ શરૂ થયા પછી તરત જ સાઇટ ક્રેશ થવા લાગી અને હવે સાઇટ પર બુકિંગ બંધ કરી દેવાયાની સૂચના છે.

કંપનીએ ઓનલાઇન ઉપરાંત, ઉત્તર ભારતનાં વિવિધ શહેરોમાં ઓફલાઇન બુકિંગ સ્વીકારવાનું પણ શરૂ કર્યું હતું. કંપનીના કહેવા મુજબ, તેણે ૧૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સ નીમ્યા છે, જે દરેક ૫૦૦૦ ફોનનું ઓફલાઇન બુકિંગ લેશે.

કંપનીના અધિકારીઓ તેમને કુલ ૭.૩ કરોડ ફોન માટેનાં રજિસ્ટ્રેશન (પેમેન્ટ વિનાનાં) મળ્યાં હોવાનું કહે છે (મજાની વાત એ છે કે ‘સાયબરસફર’ની ઓફિસે પણ ‘અમારે બુકિંગ કરાવવું છે, તમારે ત્યાં બુકિંગ થાય છે? એવી પૂછપરછ કરતા ફોન આવ્યાં!)

મુળ મુદ્દો એ છે કે આટલા લોકોએ કંપનનીને રૂ. ૨૫૧ વત્તા ડિલિવરી ચાર્જ પેટે રૂ. ૪૦ રૂપિયા ચૂકવી આપ્યા?

ના. કંપની કહે છે કે તેણે ફક્ત ૩૦,૦૦૦ લોકો પાસેથી આ રકમ લીધી છે, બાકીના લોકોને કંપનીની ડિલિવરી કેપેસિટી વધશે તે મુજબ પેમેન્ટની લિંક મોકલવામાં આવશે અથવા કેશ-ઓન-ડિલિવરીનો વિકલ્પ પણ વિચારવામાં આવશે.

આ આખું એક મસમોટું કૌભાંડ છે કે કેમ, એવી શંકાઓ પણ ઊઠી રહી છે ત્યારે એક સમાચાર એવા પણ આવ્યા છે કે આ કૌભાંડ હોય તો પણ, પહેલેથી રૂપિયા આપનારા ૩૦,૦૦૦ લોકોના રૂપિયા પણ સલામત રહેશે.

કંપનીએ જાણીતી પેમેન્ટ કંપની પેયુ સાથે ટાઇ-અપ કર્યું છે અને પેયુ કંપનીએ એક સત્તાવાર નિવેદન આપીને કહ્યું છે કે આ ફોનના બુકિંગ પેટે લોકોએ ચૂકવેલાં નાણાં પેયુના ‘એસ્ક્રો’ એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યાં છે.”

આ વ્યવસ્થા મુજબ, જ્યાં સુધી વેપારી તેણે લીધેલા ઓર્ડર મુજબ પ્રોડક્ટની ડિલિવરી કરે નહીં ત્યાં સુધી તેને પેયુ જેવા પેમેન્ટ ગેટવે તરફથી નાણાં મળતાં નથી. એટલું જ નહીં, આ રકમ માટે પેયુ કંપની રિંગિંગ બેલ્સને કોઈ વ્યાજ પણ ચૂકવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here