અગત્યના દસ્તાવેજોનું કાયમી સરનામું

ડિજિટલ ઇન્ડિયાની પહેલને આગળ ધપાવતાં, પેપરલેસ ગવર્નન્સની દિશામાં ડિજિલોકર સુવિધા લોન્ચ થઈ છે, પણ સરકારી વિભાગોની સુસ્તી અને સલામતીની ચિંતાથી તે વેગ પકડતી નથી.

આગળ શું વાંચશો?

 • ડિજિલોકર કેવી રીતે કામ કરે છે?
 • ડિજિટલ લોકર કેવી રીતે ખોલાવશો?

તમે કદાચ આ રમૂજી ટૂચકો સાંભળ્યો હશે – સરકારી કાગળિયાંથી ઊભરાતી એક કચેરીમાં માણસોને ઊભા રહેવાની પણ જગ્યા ન રહી એટલે હવે બિનજરૂરી બનેલાં જૂનાં કાગળિયાંનો નિકાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

એ નિર્ણય માટેની ફાઇલ પણ કાગળિયાંથી ઉભરાવા લાગી. છેવટે ઉપરી અધિકારીએ આ નિર્ણયને મંજૂરી આપી અને સાથે ફાઈલમાં નોંધ કરી કે “ભવિષ્યમાં કોઈ દસ્તાવેજની જરૂર ઊભી થઈ શકે છે એ ધ્યાને લેતાં દરેક દસ્તાવેજની ત્રણ ત્રણ નકલ કરીને પછી જ જૂના દસ્તાવેજનો નાશ કરવો!

આ તો રમૂજની વાત છે, પણ કોઈ પણ સરકારી ઓફિસમાં આપણે જઈએ તો ખરેખર ચારેય તરફ કાગળિયાંથી ઊભરાતાં પોટલાં જોવા મળે. કાગળ પરનું આ ભારણ ઊભું થવાનું કારણ એટલું જ કે દરેક કામ વખતે આપણે વારંવાર જુદા જુદા પૂરાવારૂપી કાગળિયાં આપવાં પડે છે.

આપણને ઘણી વાર સવાલ થાય કે બેંક, પાસપોર્ટ ઓફિસ, કલેકટર કચેરી, ઇન્કમટેક્સ વિભાગ વગેરે બધા અંતે એકબીજા સાથે સંકળાયેલા હોવાથી એવું કેમ ન થઈ શકે કે એક જગ્યાએ આપણે આપેલા દસ્તાવેજો બીજી જગ્યાએ આપોઆપ ઉપયોગમાં લઈ શકાય?

આખરે વ્યક્તિ તો એક જ છે અને તેની ઓળખ સાબિત કરતા દસ્તાવેજો પણ નિશ્ચિત છે. જો આ દસ્તાવેજોની જેને જરૂ‚ર છે એ વિભાગો એકબીજા સાથે સંકળાયેલા હોય તો એક જ દસ્તાવેજથી બધે કામ ચાલી શકે એવું કેમ ન બને?

આપણા દેશના તમામ નાગરિકો માટે આધાર નામે એક યુનિક આઈડેન્ટિટિ એટલે કે આગવી ઓળખ ઊભી કરવાની જે બહુ મોટી કસરત છેલ્લા થોડા વર્ષથી હાથ ધરવામાં આવી છે તેના મૂળમાં આ જ મુદ્દો છે.

ડિજિલોકરમાં ખાતું ખોલાવનારા લોકોની સંખ્યાની દ્રષ્ટિએ, ટોપ-ટેન રાજ્યોની યાદીમાં ગુજરાત નથી! પહેલા બે નંબરે સિક્કિમ અને પુડ્ડુચેરી છે.

વિદેશોમાં દરેક વ્યક્તિની ઓળખ સમાન એક ચોક્કસ નંબર હોય છે અને જુદા જુદા વિભાગોમાં કંઈ પણ કામ પડે ત્યારે ફક્ત એ એક નંબર આપવાનો હોય છે, પછી એ વ્યક્તિ સંબંધિત બધા દસ્તાવેજોની આપલે એ વિભાગો આપોઆપ, કમ્પ્યુટર દ્વારા કરી લેતા હોય છે.

આપણા દેશમાં ૧૦૦ કરોડથી વધુ નાગરિકો સુધી આધારકાર્ડ પહોંચી ગયા પછી આ સ્થિતિ ધીમે ધીમે નક્કર આકાર લેવા લાગી છે.

ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આવી એક પહેલ એટલે ડિજિલોકર : https://digilocker.gov.in/

ડિજિલોકર કેવી રીતે કામ કરે છે?

ઘણા લોકો પોતાના અગત્યના દસ્તાવેજો જેમ કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ ૧૦ અને ૧૨ના પાસિંગ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઇડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે સ્કેન કરીને પોતાના કમ્પ્યુટરમાં સાચવી રાખતા હોય છે. જો પ્રિન્ટરની સગવડ હાથવગી હોય તો જ્યારે જરૂર પડે ત્યારે જોઈતા દસ્તાવેજની પ્રિન્ટ કાઢી શકાય.

કેટલાક લોકો એક ડગલું આગળ વધીને આ દસ્તાવેજોની સ્કેન કરેલી ડિજિટલ કોપી ગૂગલ ડ્રાઈવ, ડ્રોપબોક્સ કે વન ડ્રાઈવ જેવા ક્લાઉડ સ્ટોરેજમાં અપલોડ કરી દેતા હોય છે, જેથી પોતાનું કમ્પ્યુટર નજીક ન હોય ત્યારે પણ તેઓ કોઈ બીજાના કમ્પ્યુટરમાંથી કે પોતાના સ્માર્ટફોનમાંથી આ દસ્તાવેજો સુધી પહોંચીને તેની પ્રિન્ટ મેળવી શકે છે. ઘણી બેંક, યુનિવર્સિટી કે સરકારી વિભાગોમાં હવે ઓનલાઇન અરજી થઈ શકે છે અને તેમાં સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ પુરાવા તરીકે અપલોડ કરી શકાય છે.

અત્યારે ગુજરાત, આસામ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી વગેરેના ઇ-ડિસ્ટ્રિક્ટ વિભાગ, એલપીજી, ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ નેટવર્ક (જીએસટીએન), સીબીએસઇ સ્કૂલબોર્ડ, સ્ટેટ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વગેરે ડિજિલોકરમાં જોડાવાની તૈયારીમાં છે.

ભારત સરકારે લોન્ચ કરેલ ડિજિલોકર સુવિધા પોતાના અગત્યના દસ્તાવેજો આ રીતે ક્લાઉડમાં સ્ટોર કરવાની સુવિધા તો આપે જ છે પણ એથીય એક ડગલું આગળ વધે છે.

જો તમે તમારા પોતાના દસ્તાવેજોની યાદી તપાસશો તો ખ્યાલ આવશે કે સ્કૂલ, કોલેજના દસ્તાવેજો સિવાય મોટા ભાગના દસ્તાવેજો વિવિધ સરકારી વિભાગો તરફથી જ આપણને મળતા હોય છે. ડિજિલોકરમાં એવી સગવડ કરવામાં આવી છે કે સ્કૂલ, કોલેજ જેવા કે અન્ય  દસ્તાવેજો જે કોઈ સરકારી વિભાગ તરફથી આપણને મળ્યા ન હોય પણ આપણા માટે ઉપયોગી હોય તે આપણે ડિજિલોકરમાં એકાઉન્ટ ખોલાવીને તેમાં અપલોડ કરી શકીએ છીએ (જે રીતે ગૂગલ ડ્રાઈવ, ડ્રોપ બોક્સ કે વન ડ્રાઈવમાં અપલોડ કરીએ છીએ એ જ રીતે). તેની સાથોસાથ વિવિધ સરકારી કે અન્ય વિભાગો તરફથી મળતા આપણા દસ્તાવેજો પણ ડિજિલોકરમાંના આપણા એકાઉન્ટ સાથે આપોઆપ લિંક થાય છે. સમગ્ર સરકારી તંત્રમાં પેપરલેસ કામગીરીની દિશામાં આગળ વધવાનું આ એક બહુ મોટું પગલું છે.

સરકાર ટૂંક સમયમાં આપણાં પાન કાર્ડ ડિજિલોકર સાથે જોડી દે તેવી શક્યતા છે.

અલબત્ત જો તમે અત્યારે ડિજિલોકરમાં ખાતું ખોલાવશો તો જોશો કે તેમાં હજુ બહુ ઓછા સરકારી વિભાગો જોડાયા છે અને એ કારણે આપણા દસ્તાવેજો તેમાં હાલની સ્થિતિમાં આપોઆપ ઉમેરાતા નથી.

આ પહેલ ગમે તેટલી રોમાંચક કે ઉપયોગી લાગતી હોવા છતાં આખરે તે સરકારી તંત્ર પર આધારિત હોવાથી પોતાનું એકાઉન્ટ હેક થવાની કે દસ્તાવેજોનો દુરુપયોગ થવાના ડરે બહુ ઓછા લોકો તેમાં જોડાઈ રહ્યા છે. સરકારે ડિજિલોકર લોન્ચ કર્યાને એક વર્ષ કરતાં વધુ સમય વિતી ગયો હોવા છતાં હાલમાં ૦.૧ ટકાથી પણ ઓછા ભારતીયો તેમાં જોડાયા હોવાનું કહેવાય છે.

સરકાર આ પહેલને આગળ વધારવા માટે તત્પર છે એટલે તેને લોકપ્રિય બનાવવા માટે જુદાં જુદાં પગલાં લઈ રહી છે.

બીજા તબક્કામાં, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, આંબેડકર યુનિવર્સિટી, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, યસ બેન્ક, એક્સિસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇગ્નૂ વગેરે જોડાશે.

જેમ કે, હમણાં સમાચાર હતા કે રોડ ટ્રાન્સપોર્ટ વિભાગ ડિજિલોકરની પહેલમાં જોડાઈ ગયો હોવાથી જે લોકો ડિજિલોકર ધરાવતા હોય તેમના એકાઉન્ટમાં તેમના ડ્રાઈવિંગ લાઈસન્સ અને વ્હિકલ રજિસ્ટ્રેશન બુક (આરસી બુક)ની વિગતોની લિંક આરટીઓમાંથી ઓટોમેટિકલી ઉમેરાઈ જાય છે. પરિણામે આપણે અસલી લાઈસન્સ કે આરસી બુક સાથે રાખવાની ઝંઝટ રહેતી નથી. રસ્તે જતાં જો ટ્રાફિક પોલીસ રોકે અને ડ્રાઈવિંગ લાઈસન્સ માગે તો આપણે પોતાના સ્માર્ટફોનમાં ડિજિલોકરની એપ ખોલી તેમાંના લાઈસન્સની ડિજિટલ કોપી તેમને બતાવી શકીએ  અને ટ્રાફિક પોલીસે તેને માન્ય રાખવી પડે. પરંતુ હાલમાં હજી ફક્ત દિલ્હીનો રોડ ટ્રાન્સપોર્ટ વિભાગ આ પહેલમાં જોડાયો છે. સરકાર દરેક વ્યક્તિના પાન કાર્ડને પણ ડિજિટલ લોકર સાથે સાંકળવાનું વિચારી રહી છે.

આમ, હાલમાં ભલે સલામતીની ચિંતાઓને કારણે લોકો ડિજિટલ લોકરનો ઉપયોગ કરવાનું ટાળતા હોય, અત્યારે મોટા ભાગનાં સરકારી કામકાજ માટે ઓનલાઇન અરજી કરવાનું ફરજિયાત બનવા લાગ્યું છે તેમ સમય જતાં ડિજિલોકર સુવિધાનો ઉપયોગ લગભગ અનિવાર્ય બને એવી પૂરી શક્યતા છે. મોટા ભાગના સરકારી વિભાગો, બેન્ક, યુનિવર્સિટી વગેરે ડિજિલોકર સાથે જોડાઈ જશે ત્યારે આપણું કામ ખરેખર સહેલું બનશે એ નિશ્ચિત છે.

શક્ય એટલું કામકાજ ઓનલાઇન થશે તેમ તેમ સરકારી કચેરીઓ ધક્કા ઘટશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે. સવાલ ફક્ત સમયનો છે.

ડિજિટલ લોકર કેવી રીતે ખોલાવશો?

 • https://digilocker.gov.in પર જાઓ.
 • સ્ક્રીન પર જમણી તરફ આપેલ ‘સાઇન અપ’ બટન ક્લિક કરો.
 • તમારો મોબાઇલ નંબર આપો (આ નંબર તમારા આધાર કાર્ડ પર હોય તો ડિજિલોકરનો પૂરો ઉપયોગ થઈ શકશે).
 • નંબર આપીને આગળ વધતાં, આપણા મોબાઇલ પર ઓટીપી (વન-ટાઇમ-પાસવર્ડ) આવશે, તે ડિજિલોકરની સાઇટને આપતાં, આપણું એકાઉન્ટ ખૂલી જશે.
 • હવે તમારો આધાર નંબર પૂછવામં આવશે, એ નંબર આપશો એટલે ફરી ઓટીપીથી તમારી ખરાઈ કરવામાં આવશે.
 • ખરાઈ પૂરી થતાં, તમારું ડિજિલોકરનું એકાઉન્ટ તમારા આધાર નંબર સાથે લિંક થઈ જશે.
 • હવે તમે ગૂગલ ડ્રાઇવ, ડ્રોપબોક્સ કે વન ડ્રાઇવ જેવા અન્ય ક્લાઉડ સ્ટોરેજની જેમ, તમારા ડિજિલોકરમાં તમારા સ્કેન્ડ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો.
 • જેમ દસ્તાવેજોની નકલ પર આપણે સહી કરીને તેને સેલ્ફ એટેસ્ટ કરી શકીએ છીએ, એ જ રીતે આ રીતે અપલોડ કરેલ ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી, ઇ-સાઇનનો વિકલ્પ પસંદ કરતાં, ફરી ઓટીપીની પ્રક્રિયા પૂરી કરતાં, એ ડોક્યુમેન્ટ પર આપણી ઇ-સાઇન ઉમેરાશે અને તે પીડીએફમાં ફેરવાશે, જેને આપણે બીજા કોઈ ડિપાર્ટમેન્ટની સાઇટ પર અપલોડ કરી શકીએ કે ઈ-મેઇલ દ્વારા શેર કરી શકીએ.
 • ઉપરાંત, તમારા આધાર નંબર સાથે લિંક્ડ અને ડિજિલોકર પહેલમાં જોડાયેલ કોઈ પણ બેન્ક કે સરકારી વિભાગ તરફથી ઇસ્યુ થયેલા તમારા ડોક્યુમેન્ટ્સની લિંક તમારા ડિજિલોકરમાં ઉમેરાઈ જશે. આ ડોક્યુમેન્ટ્સ પણ આપણે બીજા કોઈ ડિપાર્ટમેન્ટની સાઇટ પર અપલોડ કરી શકીએ કે ઈ-મેઇલ દ્વારા શેર કરી શકીએ.
 • હવે ધારો કે આપણે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી રહ્યા હોઈએ તો ત્યારે પુરાવાના દસ્તાવેજ અપલોડ કરતી વખતે, તેમને ડિજિલોકરમાંથી શેર કરવાનો વિકલ્પ મળશે. ભવિષ્યમાં, અરજીમાં ફક્ત આપણો આધાર નંબર જણાવવાનો રહે અને પાસપોર્ટ ઓફિસ (કે અન્ય વિભાગ) ડિજિલોકરને આધારે આપણા દસ્તાવેજ આપોઆપ મેળવી લે એવું બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here