વોટરકલર કે કેન્વાસ પર ઓઇલ કલરથી પેઇન્ટિંગ કરવાની તમને ઇચ્છા થતી હોય, પણ એ કળા શીખી ન શક્યા હો તો અફસોસ ન કરશો, આ ફ્રી સોફ્ટવેરની મદદથી તમે માઉસના લસરકે પેઇન્ટિંગ કરવાની મજા માણી શકો છો.
તમે ક્યારેય કોઈ કલાકારને પોતાના સ્ટુડિયોમાં કામ કરતા જોયા છે? સામે કોરોધાકોડ કેનવાસ હોય, એક હાથમાં રંગોની પેલેટ હોય, બીજા હાથમાં બ્રશ હોય અને મનમાં અનેક તરંગોનો ઘૂઘવતો દરિયો – એને કેનવાસ પર ઉતારવાની કલાકારની મથામણ જોવાનો આનંદ તમે ક્યારેય માણ્યો હોય, તો અચૂક એવો વિચાર પણ આવ્યો જ હશે કે આપણે પણ આવું કંઈક સર્જન કરી શકતા હોત તો?
કેનવાસ પર આકાર લેતા રંગો જોવાની મજા અને જાતે એવું કંઈક સર્જન કરવાનો આનંદ – આ બંને હવે તમે માણી શકો છો – કોઈ સ્ટુડિયોમાં ગયા વિના અને કોઈ કેનવાસ કે બ્રશની મદદ વિના!
એક ફ્રેન્ચ કલાકારે પોતાના શોખને પોષવા એક સોફ્ટવેર બનાવ્યો છે અને આપણા સૌ માટે મફતમાં ઉપલબ્ધ કર્યો છે. આ સોફ્ટવેર આપણા પીસીમાં ડાઉનલોડ કર્યા પછી, આપણે કોઈ પણ ડિજિટલ ફોટોગ્રાફને પેન્સિલ સ્કેચ, વોટરકલર કે ઓઇલ કલરથી બનાવેલી કલાકૃતિમાં ફેરવી શકીએ છીએ – એકદમ ફટાફટ!
આમ જુઓ તો સ્માર્ટફોનમાં આવી ઢગલાબંધ એપ ડાઉનલોડ કરી શકાય છે, જેને ઇન્સ્ટોલ કર્યા પછી આપણા ફોટોગ્રાફને જાતભાતની ઇફેક્ટ આપી શકાય છે. આ સોફ્ટવેરમાં એ બધી એપથી વિશેષ શું છે એવો સવાલ થયો હોય તો પહેલાં ફક્ત એટલું જાણી લો કે આ સોફ્ટવેર ૭૦ લાખ જેટલા લોકોએ ડાઉનલોડ કર્યો છે અને તે ૨૩ ભાષામાં ઉપલબ્ધ છે! કંઈક તો વિશેષ ખૂબીઓ હશે જ!
‘ફોટોસ્કેચર’ નામના આ સોફ્ટવેરથી કેવી કલાકૃતિઓ સર્જી શકાય છે એ સમજવું હોય તો અહીં આપેલી તસવીરો પર નજર ફેરવતી વખતે એટલું યાદ રાખજો કે અહીં દેખાતાં પેઇન્ટિંગ્સ મૂળ તો સામાન્ય ડિજિટલ ફોટોગ્રાફ્સ જ હતા.
ડાઉનલોડ કરીએ ફોટોસ્કેચર
ફોટોસ્કેચરથી શું શું શક્ય છે એ સમજવા, આપણે સોફ્ટવેર ડાઉનલોડ કરીને જ આગળ વધીએ!