સરકારના આદેશ અનુસાર, આવતા મહિનાથી તમામ નવા ફોનમાં, કટોકટીના સમયે ફક્ત એક બટન દબાવીને મદદનો સંદેશો મોકલી શકાય એવું પેનિક બટન ફરજિયાત થઈ રહ્યું છે. શું છે આ બટન?

ભારત સરકારે જાન્યુઆરી ૨૦૧૭થી સેલફોનમાં પેનિક બટનની સુવિધા ફરજિયાત બનાવી દીધી છે. ભારત જેવા દેશમાં ખાસ કરીને મહિલાઓની સલામતી સામે સતત જોખમ રહેતું હોવાથી અને મહિલાઓના હાથમાં સેલફોન હોવાનું પ્રમાણ પણ વધતું હોવાથી સરકારે આ બંને બાબતો સાંકળીને મહિલાઓ તેમજ અન્ય લોકોની સલામતી માટે સેલફોનનો ઉપયોગ કરવા માટે આ નિર્ણય લીધો છે. જોકે અત્યારની સ્થિતિ જોતાં એવું લાગે છે કે સરકારના આ નિર્ણયથી મોબાઇલ ફોન મેન્યુફેકચરિંગ કંપનીમાં પેનિક-ગભરાટ ફેલાઈ ગયો છે!
બીજી બાજુ આપણા જેવા સરેરાશ મોબાઇલ ફોનધારકોને કાં તો આ નિર્ણયની જાણ જ નથી અથવા જેમને જાણ છે તેમને એ વિશે ગૂંચવણ છે કે મોબાઇલમાં પેનિક બટન ખરેખર શું છે અને તે કેવી રીતે કામ કરશે?

પેનિક બટન ખરેખર શું છે?

કાયદાકીય જોગવાઈ મુજબ દરેક સેલફોનમાં એવું એક બટન હશે જેને કટોકટીના સમયે પ્રેસ કરવાથી, મોબાઇલ ફોનમાલિકે અગાઉથી નક્કી કરેલા ફોન નંબર્સ પર ટેકસ્ટ મેસેજ કે ફોન કોલ જશે.

સામાન્ય રીતે સ્માર્ટફોનમાં આવી સુવિધા આપતી ઘણી એપ્સ જોવા મળે છે પણ તેનો ઉપયોગ કરવા માટે એ એપ સુધી પહોંચવું જરૂરી છે અને મુશ્કેલીમાં મુકાયેલ વ્યક્તિને કટોકટીના સમયે એટલો સમય કદાચ ન પણ મળે.

વિશ્વના બીજા કોઈ દેશમાં મોબાઇલ ફોનમાં આવા ખાસ અલગ પેનિક બટનની જોગવાઈ નથી પણ ભારતમાં આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે. દિલ્હીના નિર્ભયાકાંડ પછી આવી સુવિધાની ખાસ જરૂરિયાત જણાઈ છે.

વર્ષ ૨૦૧૫માં ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીના સહયોગમાં પેનિક બટનની જોગવાઈ ફરજિયાત બનાવવા વિશે પગલાં લેવાની શરૂ‚આત કરી હતી.

તેના પગલે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે જારી કરેલા નવા નિયમો અનુસાર, ૨૦૧૭થી તમામ ફીચર ફોનમાં ન્યૂમરિક પેડની કી ૫ અથવા ૯ ને પેનિક બટન તરીકે કન્ફિગર કરવી જરૂરી છે.

તમામ સ્માર્ટફોનમાં એક અલગ, ડેડિકેટેડ પેનિક બટન હોવું જરૂરી છે અથવા ઓન/ઓફ બટનને ઝડપથી ત્રણવાર પ્રેસ કરવાથી એ પેનિક બટન તરીકે કામ આપે એવી જોગવાઈ કરવી જરૂરી છે.

ઉપરાંત, જાન્યુઆરી ૨૦૧૮થી તમામ મોબાઇલ ફોન્સમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ની મદદથી ચોક્કસ સમયે જે તે ફોન ક્યાં છે તે જાણી શકાય તેવી સુવિધા  આપવી પણ ફરજિયાત બનશે.

અચ્છા, આ પેનિક બટન દબાવવાથી શું થશે? સરકારી વિભાગોની ભલામણો અનુસાર પેનિક બટન પ્રેસ કરવાથી સમગ્ર ભારતમાં ઉપયોગી એવા ઇમરજન્સી નંબર ૧૧૨ને કોલ લાગશે.

પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે જે નિયમો જાહેર કર્યુ છે તેમાં પેનિક બટન પ્રેસ કરવાથી પહેલેથી નક્કી કરેલા નંબર પર એસએમએસ અને કોલ જશે કે નહીં એ વિશે ખાસ સ્પષ્ટતા નથી.

જોકે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે હમણાં કરેલી સ્પષ્ટતા અનુસાર મુશ્કેલીમાં મુકાયેલ કોઈ વ્યક્તિ પેનિક બટન પ્રેસ કરશે ત્યારે તેના પરિવારની કોઈ વ્યક્તિના નંબર પર અને સ્થાનિક પોલિસ સ્ટેશનને જાણ થઈ જશે અને આની શરૂઆત જાન્યુઆરી એકથી થઈ જશે.

આ સુવિધા ફોનમાં, તેનું લોકેશન જાણવાની સુવિધા હોય તો ઘણી વધુ ઉપયોગી થાય.

સ્માર્ટફોનમાં તો આ સુવિધા હોય છે, સાદા ફોનમાં પણ તે ઉમેરવાની વાતથી હેન્ડસેટ મેન્યુફેકચર્રસ ચિંતામાં છે.

આ કંપનીઓના કહેવા પ્રમાણે સાદા ફોનમાં એલર્ટ સિસ્ટમનું સોફ્ટવેર અને જીપીએસની સુવિધા ઉમેરવા જતા આ ફોનની કિંમત વધી જશે અને વેચાણ પર અસર થશે.

જોકે ફિચર ફોનનું વેચાણ આમ પણ સતત ઘટી રહ્યું છે અને ૨૦૧૭માં ફીચર ફોન કરતાં સ્માર્ટફોનનું વેચાણ વધી જવાની શક્યતા હોવાથી હેન્ડસેટ મેન્યુફેકચર્રસ કંપનીની આ દલીલમાં ખાસ દમ લાગતો નથી. જોઈએ આ કાયદાનો અમલ કેવો થાય છે?

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here