ક્રોમ બ્રાઉઝર ક્યારેક અત્યંત ધીમુ થઈ જાય છે એનો કોઈ ઉપાય?

સવાલ લખી મોકલનારઃ ધીરેન જોશી, પાલિતાણા 

લગભગ આપણને સૌને ગૂગલ ક્રોમની આદત પડી ગઈ છે અને બીજા બ્રાઉઝર્સ કરતાં એ ઘણી બધી રીતે ચઢિયાતું છે. આ બ્રાઉઝર એ રીતે ડિઝાઈન થયેલું છે કે તેમાં આપણે જેટલી ટેબ ઓપન કરીએ એ બધી અલગ અલગ પ્રોસેસ તરીકે કાર્યરત થાય છે. એટલે કે કોઈ એક ટેબમાંના વેબપેજમાં કોઈ ખોટકો ઊભો થાય અને એ પેજ હેન્ગ થઈ જાય તો તેની અસર આખા બ્રાઉઝર પર થતી નથી. પરિણામે આખું બ્રાઉઝર ક્રેશ થતું નથી કે આપણે જાતે તેને બંધ કરીને રીસ્ટાર્ટ કરવું પડતું નથી.

પરંતુ આપણામાંના મોટા ભાગના લોકોને જે ટેવ હોય છે એ મુજબ જો આપણે સંખ્યાબંધ ટેબ ઓપન કરીને બ્રાઉઝિંગ કરતા હોઈએ તો ક્યારેક ક્રોમ ધીમું પડવા લાગે છે. આવી સ્થિતિમાં આપણે એ સહેલાઈથી કળી શકતા નથી કે ક્રોમમાં ઓપન સંખ્યાબંધ ટેબ્સમાંથી કઈ ટેબથી આ મુશ્કેલી થઈ રહી છે.

આનો ઉપાય પણ ક્રોમ બ્રાઉઝર આપે છે.

કમ્પ્યુટરમાં આપણે કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરીએ ત્યારે એ પ્રોગ્રામ કમ્પ્યુટરના પ્રોસેસિંગ પાવર અને રેમનો ઉપયોગ કરતો હોય છે. તે ઉપરાંત તે ઇન્ટરનેટકનેકશનનો પણ ઉપયોગ કરે છે. ક્રોમની ખાસિયત એ છે કે તેમાં આપણે ઓપન કરેલ દરેક ટેબ કે ક્રોમમાં આપણે ઇન્સ્ટોલ કરેલ એક્સટેન્શન કમ્પ્યુટરનો કેટલો પ્રોસેસિંગ પાવર, કેટલી રેમ અને નેટવર્કનો કેટલો ઉપયોગ કરે છે તે જાણી શકીએ છીએ.

જેમ કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં હેન્ગ થઈ ગયેલા કોઈ પ્રોગ્રામને આપણે ટાસ્ક મેનેજર ઓપન કરીને તેમાંથી ફરજિયાત બંધ કરી શકીએ છીએ એવી સુવિધા ક્રોમ બ્રાઉઝરમાં પણ છે. ક્રોમમાં આ માટે અલગ અલગ ટાસ્ક મેનેજર આપવામાં આવેલ છે, જેના તરફ લગભગ ક્યારેય આપણી નજર જતી નથી!

ક્રોમનું ટાસ્ક મેનેજર ઓપન કરવા માટે જમણી તરફ આપેલી ત્રણ લીટીની મદદથી ક્રોમનું મેનુ ઓપન કરો અને તેમાં મોર ટૂલ્સમાં ટાસ્ક મેનેજર પર ક્લિક કરો. ટાસ્ક મેનેજર શિફ્ટ+એસ્કેપ કીના શોર્ટકટથી પણ ઓપન કરી શકાય છે.

અહીં દરેક ઓપન ટેબ તથા ક્રોમમાં ચાલુ દરેક એક્સટેન્શન માટે સીપીયુ, મેમરી અને ઇન્ટરનેટનેટવર્કની માહિતી જોવા મળશે. જો આપણે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી હશે અને તેમાંની અમુક ટેબ મોટા પ્રમાણમાં સીપીયુ કે મેમરીનો ઉપયોગ કરતી હશે તો સરવાળે તેનો ભાર ક્રોમની ઝડપ પર વર્તાશે.

આવી કોઈ પણ પ્રોસેસ બંધ કરવા માટે ટાસ્ક મેનેજરમાં તેના નામ પર ક્લિક કરો અને પછી એન્ડ પ્રોસેસ બટન ક્લિક કરો. ક્રોમમાં મેમરીના ઉપયોગ વિશે તમારે હજી વધુ જાણકારી જોઈતી હોય તો ટાસ્ક મેનેજરમાં આપેલ સ્ટેટ્સ ફોર નર્ડસ લિંક પર ક્લિક કરો. જોકે અહીં તમે જોશો તેમ જોવા મળતી માહિતી ખરેખર કમ્પ્યુટરના જાણકારોને જ ઉપયોગી થાય તેવી છે!

આમ જુઓ, તો આ સુવિધા માથું દુ:ખતું હોય ત્યારે દવા લેવા જેવી વાત થઈ. માથું દુ:ખે જ નહીં એવા ઉપાય વધુ સારા ગણાય. આવા ઉપાય તરીકે, નીચે આપેલા ઉપાય અજમાવી જુઓ.

બિનજરૂરી એક્સટેન્શન્સ દૂર કરો

ક્રોમમાં વિવિધ પ્રકારનાં એક્સટેન્શન્સ ઉમેરીને તેની કાર્યક્ષમતા વધારી શકાય છે, પણ તેના કારણે ક્રોમ પર ભાર વધે છે (ક્રોમ એક્સટેન્શન્સ તમારે નવી વાત હોય તો www.chrome.google.com/webstoreમાં એક લટાર લગાવી જુઓ અને પછી વાંચો ઓગસ્ટ ૨૦૧૨ અને માર્ચ ૨૦૧૬ના અંક).

ઘણી વાર એવું બને છે કે ક્યારેક કોઈ ખાસ સુવિધાની આપણને જરૂ‚ર પડે ત્યારે આપણે એ માટે જરૂરી એક્સટેન્શન ક્રોમમાં ઉમેરી દઈએ, પણ પછી એનો ઉપયોગ ન હોય તેમ છતાં એ એક્સટેન્શન ક્રોમમાં ચાલુ રહે છે. જેમ સ્માર્ટફોનમાં બિનજરૂરી જગ્યા રોકતી એપ્સનો આપણે વારંવાર ખાત્મો બોલાવીએ છીએ, એમ પીસીમાંના ક્રોમ બ્રાઉઝરમાંથી પણ બિનજરૂરી એક્સટેન્શન દૂર કરવાં જરૂરી છે.

તમે ક્રોમમાં ઉમેરેલાં એક્સટેન્શન્સ જોવા અને ડિસેબલ કરવા માટે…

  • ક્રોમમાં એડ્રેસ બારમાં chrome://extensions ટાઇપ કરો, અથવા જમણી તરફની ત્રણ લીટી પર ક્લિક કરી, મોર ટૂલ્સ અને તેમાં એક્સટેન્શન્સ પર ક્લિક કરો.
  • જે તે એક્સટેન્શન તમને જરૂરી ન લાગે તેના ડિસેબલ કરી દો અથવા ટ્રેશ બિન પર ક્લિક કરી, સાવ દૂર કરી દો.

બિનજરૂરી પ્લગ-ઇન્સ દૂર કરો

એક્સટેન્શન્સની જેમ પ્લગ-ઇન્સ પણ ક્રોમની કાર્યક્ષમતા વિવિધ રીતે વધારે છે. ક્રોમમાં કેટલાંક પ્લગ-ઇન્સ ગૂગલ તરફથી જ આવે છે અને કેટલાંક પ્લગ-ઇન આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા સોફ્ટવેરની ભેટ જેવાં હોઈ શકે છે.

બિનજરૂરી પ્લગઇન્સ દૂર કરવા માટે…

  • એડ્રેસ બારમાં chrome://plugins ટાઇપ કરો.
  • સાદો નિયમ એટલો કે જે પ્લગ-ઇનનું કામ સમજાય નહીં તેને દૂર કરશો નહીં, પણ તમે પોતે કોઈ પ્લગ-ઇન ઉમેર્યું હોય અને હવે તેની જરૂર ન હોય તો તેને ડિસેબલ કરી દો.

બિનજરૂરી વેબએપ્સ દૂર કરો

પીસીમાંના ક્રોમમાં જુદી જુદી વેબ એપ્સ પણ ચલાવી શકાય છે. તમે અગાઉ ક્રોમ વેબ સ્ટોરની મુલાકાત લીધી હશે તો મોટા ભાગે તેમાંથી કોઈ એપ ક્રોમમાં ઉમેરી જ હશે. તમારા ક્રોમમાં આવી કોઈ એપ છે કે નહીં એ જ ભૂલી ગયા હો તો…

  • એડ્રેસ બારમાં chrome://apps ટાઇપ કરો.
  • જો તમારા ક્રોમમાં કોઈ એપ્સ હશે તો તેના આઇકન્સ અહીં દેખાશે.
  • બિનજરૂરી એપને રાઇટ ક્લિક કરી, રીમૂવ ફ્રોમ ક્રોમનો વિકલ્પ પસંદ કરી લો.

ક્રોમની આગાહી બંધ કરો

ક્રોમની એક આગવી અને અજાણી ખૂબી એ છે કે આપણે કોઈ પણ વેબપેજ પર હોઈએ ત્યારે ‘કોઈક રીતે’ તે ધારણા બાંધી શકે છે કે આપણે હવે પછી કયું પેજ જોઈશું? આવી ધારણાના આધારે, ક્રોમ એ પેજનો કેટલોક ભાગ બેકગ્રાઉન્ડમાં લોડ કરવા લાગે છે! આ કારણે જો આપણે ખરેખર એ પેજ પર જઈએ તો એ પેજ ઝડપથી ખૂલે, પણ જો તેના પર ન જઈએ તો ક્રોમની શક્તિ વેડફાય.

આ સુવિધા ક્રોમમાં પહેલેથી ઇનેબલ્ડ હોય છે, તે તમારે ખરેખર કામની છે કે બિનજરૂરી ક્રોમ પર ભાર વધારે છે તે નક્કી કરવાનો એક જ રસ્તો છે – થોડા સમય માટે આ સુવિધા બંધ કરી દો. એ માટે, સેટિંગ્સમાં, શો એડવાન્સ્ડ સેટિંગ્સમાં, પ્રાઇવસીમાં ‘યૂઝ પ્રીડિક્શન સર્વિસ ટુ લોડ પેજીસ મોર ક્વિકલી’નું બોક્સ અનટિક કરી દો. જોકે ખરેખર બહુ ધીમા કમ્પ્યુટર્સમાં જ આ સુવિધા બંધ કરવા જેવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here