આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી.
તમે પીસી પર ગૂગલ ક્રોમનો કેટલોક ઉપયોગ કરો છો? જો ફક્ત સર્ફિંગ પૂરતો તમારો ઇન્ટરનેટ સાથે સંબંધ હશે તો બની શકે કે તમારું સર્ફિંગ વધુમાં વધુ મોબાઇલ પર જ થતું હશે, પણ જો તમે તમારા રોજિંદા કામકાજના ભાગરૂપે પીસી પર પણ વધુ સમય ગાળતા હો, તો મોટા ભાગે તમારું ફેવરિટ બ્રાઉઝર હશે ગૂગલ ક્રોમ.
ઇન્ટરનેટ એક્સ્પ્લોરર હવે વીતેલા જમાનાની વાત લાગે છે અને તેના પછી આવેલા મોઝિલા ફાયરફોક્સની લોકપ્રિયતા પણ ધીમે ધીમે ગૂગલ ક્રોમના જુવાળમાં ઓસરી રહી છે. તેનાં ઘણાં બધાં કારણો છે, પણ અત્યારે આપણે વાત કરીએ, ગૂગલ ક્રોમને હજી વધુ પાવરફૂલ કેવી રીતે બનાવી શકાય તેની.