જૂની યાદો સાચવો, નવા ડિજિટલ સ્વરૂપે

જૂના ફોટોગ્રાફ્સને ડિજિટલ સ્વરૂપ આપવાનું અત્યાર સુધી થોડું મુશ્કેલ હતું, પણ હવે એ કામ અત્યંત સરળ બનાવતી એક એપ લોન્ચ થઈ છે – જાણો તેના ઉપયોગની વિગતવાર માહિતી.

થોડા દિવસ પહેલાં, દિવાળીની સાફસૂફી દરમિયાન, ઘરના માળિયામાંથી કે કબાટના કોઈ ખૂણામાંથી જૂના ફોટોગ્રાફ્સ ભરેલું કોઈ ખોખું મળી આવ્યું હતું? તો ચોક્કસ તમે થોડી વાર સાફસૂફી પડતી મૂકીને જૂનાં આલબમ્સ પરની ધૂળ ખંખેરીને વિતેલા દિવસોની મધુર યાદોમાં ખોવાઈ ગયા હશો. અને પછી? પછી એ જૂના ફોટોગ્રાફ્સ ફરી એ જ આલબમના ખોખામાં ગોઠવાઈને પાછા માળિયે ચઢી ગયા હશે!

અત્યારે, આ જ ક્ષણે, એ તસવીરો પર ફરી નજર ફેરવવી હોય તો? મન તો ઘણું થાય, પણ ફરી માળિયે કોણ ચઢે?!

સ્માર્ટફોન તો હજી હમણાં હમણાં આપણા સૌના હાથમાં આવ્યા. એ પહેલાં ડિજિટલ કેમેરા હતા, જેનાથી ડિજિટલ ફોટોગ્રાફ્સનો યુગ શરૂ થયો, પણ એની પણ પહેલાં, ફોટોગ્રાફીનો એક બહુ મોટો યુગ એવો વિત્યો જેમાં કેમેરામાં ફિલ્મ રોલ આધારિત ફોટોગ્રાફી કરીને પછી એ નેગેટિવ્સમાંથી પોઝિટિવ પ્રિન્ટ ડેવલપ કરાવવી પડતી હતી. પછી એ તસવીરોને લાંબા સમય માટે સાચવી લેવા માટે તેનાં કાળજીપૂર્વક આલબમ તૈયાર કરવામાં આવતાં.

ફોટોગ્રાફ્સ ડિજિટલ થયા પછી, તેની પ્રિન્ટ કઢાવવાનું ચલણ ઘટતું જ ગયું અને આપણી યાદો સ્માર્ટફોન કે કમ્પ્યુટરમાં સરળતાથી સચવાઈ જવા લાગી. ફોટોગ્રાફ્સનું આ ડિજિટલ સ્વરૂપ એટલું સુવિધાજનક છે કે જૂની યાદો તાજી કરવાનું જ્યારે મન થાય ત્યારે આપણે માળિયા કે કબાટના ખૂણા ફંફોસવા ન પડે. જો ફોટોગ્રાફ્સ પ્રમાણમાં વ્યવસ્થિત રીતે કમ્પ્યુટરમાં સાચવ્યા હોય તો ચાહો તે ફોટોગ્રાફ ફટાફટ શોધી શકાય.

તેમ છતાં, ડિજિટલ ફોટોગ્રાફ્સનું મેનેજમેન્ટ બહુ સહેલું નહોતું. બધા ફોટોગ્રાફ્સને યોગ્ય રીતે સાચવવા એ મોટી મથામણ હતી. એક જ ફોટોગ્રાફને આપણે તારીખ, પ્રસંગ, વ્યક્તિ, સ્થળ વગેરે જુદી જુદી ઘણી રીતે જોઈ શકીએ અને કમ્પ્યુટરમાં ફોલ્ડર ફક્ત એક જ નામનું બની શકે! ગૂગલ પિકાસા સોફ્ટવેર (અને તેના જેવાં બીજાં કેટલાંક સોફ્ટવેર પણ ખરાં) આવતાં આ કામ જરા સહેલું બન્યું.

પરંતુ જૂન ૨૦૧૫માં ગૂગલે ‘ગૂગલ ફોટોઝ’ નામે એક સર્વિસ લોન્ચ કર્યા પછી ડિજિટલ ફોટોગ્રાફ્સને યોગ્ય રીતે સાચવી લેવાનો આખો એંગલ જ બદલાઈ ગયો! પીસીમાં વેબસર્વિસ તરીકે અને સ્માર્ટફોનમાં એપ તરીકે ઉપયોગમાં લઈ શકાતી આ સર્વિસમાં એક વાર આપણા મનગમતા ફોટોગ્રાફ્સ અપલોડ કરી દઈએ પછી આપણે કશું જ કરવાનું રહે નહીં. આ સર્વિસ આપમેળે, ડિજિટલ ફોટોગ્રાફ ક્યારે લેવાયો તે તારીખ જાણીને તેને તારીખ, મહિના અને વર્ષ અનુસાર ગોઠવી આપે. એ ઉપરાંત, તેમાં રહેલા લોકોના ચહેરા ઓળખીને તેમના ફોટોઝ અલગ તારવી આપે, આપણે ફક્ત એ ફોલ્ડરને એ વ્યક્તિનું નામ આપવાનું. પછી એ વ્યક્તિના નવા ફોટોગ્રાફ્સ એ ફોલ્ડરમાં (અને બીજે પણ) જોઈ શકાય.

ગૂગલ ફોટોઝમાં આ સિવાય, પાર વગરની બીજી ખૂબીઓ છે (ગૂગલ ફોટોઝનો પરિચય આપણે જુલાઈ ૨૦૧૫ના અંકની કવરસ્ટોરીમાં મેળવી લીધો છે).

પરંતુ, આ બધા લાભ ત્યારે મળે, જ્યારે આપણા ફોટોગ્રાફ ડિજિટલ સ્વરૂપમાં હોય.

વિતેલા સમયના, પ્રિન્ટેડ ફોટોગ્રાફ્સમાં પણ આવો લાભ લેવો હોય તો? તો એ ફોટોપ્રિન્ટ્સને ડિજિટલ ફોર્મેટમાં ફેરવવી પડે.

જરા યાદ કરો, તમારા લગ્નની વીડિયોકેસેટ હવે શોધી જડે તેમ છે? કેસેટ મળે તો તેનાં પ્લેયર હવે ખોવાઈ ગયાં છે! વીડિયો કેસેટને ડિજિટલ ફોર્મેટમાં ફેરવવા માટે આપણે બીજા જાણકાર લોકોની મદદ લેવી પડે તેમ હતી, પણ પ્રિન્ટ ફોટોને ડિજિટલ ફોર્મેટમાં ફેરવવાનું કામ એટલું મુશ્કેલ નથી.

પ્રિન્ટ ફોટોગ્રાફ્સનું ડિજિટાઇઝેશન

જૂના પ્રિન્ટ ફોટોગ્રાફને ડિજિટલ સ્વ‚રૂપ આપવાના અત્યાર સુધી મુખ્ય બે રસ્તા હતા. એક સાદો રસ્તો છે, ફોટોગ્રાફનો ફોટોગ્રાફ લેવાનો અને બીજો, જરા મુશ્કેલ રસ્તો છે પ્રિન્ટ ફોટોગ્રાફને સ્કેનરની મદદથી સ્કેન કરવાનો.

પહેલી સાદી રીતમાં, ટેબલ જેવી સપાટી પર ફોટોગ્રાફ મૂકી, સ્માર્ટફોન કે ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફનો ફોટોગ્રાફ લઈ લો એટલે એ પ્રિન્ટ ફોટો થઈ ગયો ડિજિટલ! આ વિધિમાં કેટલીક મુશ્કેલી છે. ફોટોગ્રાફનો ફોટોગ્રાફ લેવા જતાં, ફ્લેશનો ઉપયોગ ન કરીએ તો પણ પ્રિન્ટ ફોટોમાં ક્યાંક ને ક્યાંથી રીફલેક્ટ થતી ગ્લેરને કારણે ફોટોગ્રાફના ફોટોગ્રાફમાં પણ અજવાળાનું ધાબું બધી મજા મારી નાખે. ઉપરાંત, આપણે કેમેરાને પ્રિન્ટ ફોટોગ્રાફને એકદમ સમાંતર ન રાખ્યો હોય તો પણ ફોટોગ્રાફમાંની વ્યક્તિ કે અન્ય સબ્જેક્ટ જરા તરા કોઈ એક બાજુ ખેંચાઈ ગયા વિના રહે નહીં. વળી, પ્રિન્ટ ફોટોગ્રાફના નવા ડિજિટલ ફોટોગ્રાફમાં, પ્રિન્ટ ફોટોની આસપાસની જગ્યા પણ ઝીલાઈ ગઈ હોય, એને દૂર કરવાનો માટે નવા ફોટોને ક્રોપ કરવો પડે. સરવાળે, જૂના ફોટોગ્રાફ જેટલી મજા નવા ડિજિટલ ફોટોગ્રાફમાં રહે નહીં.

બીજો, સ્કેનરવાળો રસ્તો સૌ માટે શક્ય નથી. પહેલી શરત એ કે તમારી પાસે ફ્લેટબેડ સ્કેનર અને કમ્પ્યુટરની સગવડ હોવી જોઈએ. એ પછી, દરેક પ્રિન્ટ ફોટોગ્રાફને સ્કેનરમાં મૂકી, કમ્પ્યુટરમાં સ્કેન કરવાનો અને પછી કમ્પ્યુટરમાં યોગ્ય રીતે સેવ કરવાનું કામ એટલું કંટાળાજનક અને સમય માગી લેતું કામ છે કે કે તમે આઠ-દસ ફોટોગ્રાફ ડિજિટાઈઝ કરો ત્યાં તો કંટાળી કામ પડતું મૂકો. હા, એટલું ચોક્કસ કે તમારી પાસે સારું સ્કેનર હોય તો જૂના ફોટોગ્રાફને ઘણી સારી ગુણવત્તાવાળા ડિજિટલ ફોટોગ્રાફમાં ફેરવી શકો.

ટૂંકમાં, અત્યાર સુધી આપણી પાસે બે વિકલ્પ હતા – ફટાફટ, પણ નબળી ગુણવત્તા અથવા સારી ગુણવત્તા, પણ સારા એવા સમય અને ખર્ચના ભોગે.

અત્યારે સમય કોઈની પાસે છે નહીં અને નબળું કોઈને ખપતું નથી! તો?

એનો ઉપાય મળ્યો છે ગૂગલ ફોટોસ્કેન એપ સ્વરૂપે.

ફોટોસ્કેનનો ઉપયોગ

ગૂગલની ફોટોસ્કેન એક સ્ટેન્ડએલોન એપ છે, એટલે કે તે ગૂગલ ફોટોઝનો એક ભાગ નથી. તેને અલગ, ફ્રી એપ તરીકે ગૂગલ પ્લે સ્ટોર કે આઇઓએસ એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. એન્ડ્રોઇડમાં, તમારા ફોનમાં એન્ડ્રોઇડ ૫.૦ (લોલિપોપ) કે તેનાથી ઉપલું વર્ઝન હોવું જરૂરી છે. એપ માટે ૨૨ એમબી જેટલી જગ્યા પણ જોઈશે.

એપ ડાઉનલોડ થઈ જાય એટલે તેને ઓપન કરતાં, તેનો ઉપયોગ કેવી રીતે કરવો એનું નાનું એનિમેશન જોવા મળશે.

હવે કોઈ પણ પ્રિન્ટેડ ફોટોગ્રાફ શોધી કાઢો અને તેને પ્રમાણમાં પૂરતા પ્રકાશવાળી જગ્યામાં, ટેબલ જેવી સપાટ જગ્યા પર મૂકો. ફોટોગ્રાફ પર તમારો પોતાનો કે ફોનનો પડછાયો ન આવે તેનું ધ્યાન રાખશો. ફોટોગ્રાફમાંના દ્રશ્ય મુજબ બંધ લેપટોપની ઉપલી સપાટી જેવા બિલકુલ બ્લેક કે વ્હાઇટ બોર્ડ કે પ્લેઇન પેપર જેવા કોરા અને કોન્ટ્રાસ્ટવાળા બેકગ્રાઉન્ડમાં રાખશો તો વધુ સારું પરિણામ મળશે.

પ્રિન્ટ આલબમમાંથી કાઢી હશે તો તે સહેજ ગોળ વળેલી રહેશે, જેના પર મૂકશો તેના પર સપાટ રહેશે નહીં. તેને સપાટ કરવાની ચિંતા કરશો નહીં. ફોનને તમે ઊભો પકડ્યો હોય અને ફોટોગ્રાફ આડો હોય તો તેની પણ ચિંતા કરશો નહીં. ફોટોપ્રિન્ટ ચમકદાર પેપર પર હોવાથી, તેના પર ક્યાંક ને ક્યાંથી અજવાળાની ગ્લેર રીફ્લેક્ટ થતી હશે. તેની પણ ચિંતા કરશો નહીં.

હવે, ફોનના સ્ક્રીન પર એક લંબચોરસ ફ્રેમ દેખાશે. તેની નીચે (કે ફોન આડો હોય તો બાજુમાં) એક મોટું બટન અને તેની એક તરફ ફ્લેશની નિશાની અને બીજી તરફ કોઈ ફોટો સ્કેન ન કર્યો હોય ત્યારે નાનકડો પ્રશ્નાર્થ જોવા મળશે. તેને ક્લિક કરતાં, હેલ્પ સેક્શનમાં જઈ શકાશે.

હવે પ્રિન્ટ ફોટોગ્રાફ પર કેમેરા ફોકસ કરો અને પેલા લંબચોરસમાં પ્રિન્ટ ફોટોગ્રાફ પૂરો દેખાય એ રીતે ફોનને ગોઠવો. હવે એક વાર ક્લિક બટન પ્રેસ કરતાં, વચ્ચેની તરફ એક ખાલી વર્તુળ અને તેની આસપાસ ચાર સફેદ વર્તુળ જોવા મળશે. ફોનને ખસેડીને વચ્ચેનું ખાલી વર્તુળ કોઈ પણ એક સફેદ વર્તુળ પર આવે એ રીતે ફોનને ખસેડો. બંને વર્તુળ એકમેક પર ગોઠવાશે એટલે ખાલી વર્તુળની આઉટલાઇન સફેદમાંથી બ્લુ થશે. હવે ફોનને ખસેડો અને ખાલી વર્તુળને બીજા સફેદ વર્તુળ પર લઈ જાઓ.

આ રીતે ફોન ખસેડતાં, પ્રિન્ટ ફોટોગ્રાફ પેલી લંબચોરસ ફ્રેમની બહાર નીકળી જશે પણ તેની ચિંતા કરશો નહીં. આ રીતે ખાલી વર્તુળ વારાફરતી ચારેય સફેદ વર્તુળ સાથે મેચ થશે એટલે ફોટો સ્કેન થશે અને એ પ્રક્રિયા પૂરી થતાં વચ્ચે ખરાની નિશાની સાથે લીલું વર્તુળ જોવા મળશે.

હવે ક્લિક બટનની બાજુના પ્રશ્નાર્થની જગ્યાએ, આપણે સ્કેન કરેલા ફોટોગ્રાફની ટચૂકડી ઇમેજ જોવા મળશે. તેને ક્લિક કરતાં, જરૂરિયાત મુજબ સ્કેન્ડ ઇમેજના કોર્નર એડજસ્ટ કરવાનો અને ઇચ્છો તો ઇમેજને રોટેટ કરવાનો વિકલ્પ મળશે.

આ એપ હજી તદ્દન પરફેક્ટ નથી, એટલે સ્કેન્ડ ઇમેજ બરાબર ન લાગે તો તેને અહીંથી ડીલિટ કરી શકાશે. અથવા બેક જતાં, તેને સેવ કરી લેવાનો વિકલ્પ મળશે. એક સાથે, એકથી વધુ પ્રિન્ટ ફોટોગ્રાફ્સ સ્કેન કરીને તેમને એક સાથે સેવ કરવાની સુવિધા પણ છે.

આપણે સ્કેન કરેલા અને સેવ કરેલા ફોટોગ્રાફ્સ ફોનની ઇમેજ ગેલેરીમાં, ફોટોસ્કેન નામના એક નવા ફોલ્ડરમાં જોવા મળશે. ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હોય તો આ ફોટોગ્રાફ ગૂગલ ફોટોઝ એપમાં પણ અપલોડ થઈ જાય છે.

આ રીતે તમે માંડ ૪-૫ સેકન્ડમાં એક પ્રિન્ટ ફોટો સારી રીતે સ્કેન કરી શકો છો.

આમ, ગૂગલ ફોટોસ્કેન ઉપયોગમાં તદ્દન સરળ છે. આ રીતે સ્કેન કરેલા ફોટોગ્રાફમાં મોટા ભાગે અજવાળાનાં ધાબાં જોવા મળતાં નથી. ફોટોગ્રાફ સિવાયનો ભાગ આપોઆપ કપાઈ જાય છે, ફોટોગ્રાફનો પરસ્પેક્ટિવ પણ યોગ્ય રીતે જળવાઈ રહે છે, પણ અત્યારે તકલીફ એટલી છે કે સ્કેન્ડ ફોટોગ્રાફની ગુણવત્તા આ બધી રીતે ઘણી સારી છે, પણ તેનું રેઝોલ્યુશન પ્રમાણમાં નબળું રહે છે. આ એપ વધુ વિકસશે તેમ તેમાં ફોટોગ્રાફનું રેઝોલ્યુશન પણ સુધરશે એવી આશા આપણે રાખી શકીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here