આદિ માનવની સફર, ઇન્ટરનેટ પર!

પૃથ્વી પર માનવજાતનાં મૂળ ક્યાં છે અને ત્યાંથી તે ચારે તરફ કેવી રીતે વિસ્તરી? આ સવાલોના ઊંડાણભર્યા જવાબ આપતો એક ઇન્ટરએક્ટિવ મેપ જોવા જેવો છે.

વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિન્સે હમણાં, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક પ્રવચનમાં કહ્યું કે “લખી રાખો, માનવજાત હવે અવકાશમાં વસવાટ કરવાના ઉપાયો નહીં શોધે તો પૃથ્વી પર ૧,૦૦૦ વર્ષમાં એક માનવ શોધ્યો જડશે નહીં.

તેમના કહેવા અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જને કારણે આવતી એકાદ સદીમાં જ માનવજાત સામે ગંભીર પડકારો ઊભા થશે. ફક્ત એક પ્રલયને કારણે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનો સફાયો થઈ જવાની શક્યતા ઓછી છે, પણ આ જગવિખ્યાત વિજ્ઞાનીના મતે, વર્ષો વીતતાં એવી શક્યતા વધતી જશે અને માનવ પોતે એવી શક્યતા વધારી રહ્યો છે.

આવતાં એક હજાર વર્ષ પછી માનવજીવનનો અંત આવી જશે કે નહીં એ તો ખબર નથી, પણ પૃથ્વી પર માનવજીવનને વિકસતાં લાખો વર્ષ લાગ્યાં છે અને એમાંથી પાછલાં ૧,૬૦,૦૦૦ વર્ષમાં પથરાયેલી આ સફરમાં, માનવજાત આખી પૃથ્વી પર કેવી રીતે વિસ્તરી તેનું પગેરું પણ આપણે પકડી શકીએ છીએ, ઇન્ટરનેટ પર, ઘેર બેઠાં!

જિનિવા સ્થિત અને વિશ્વભરમાં પુરાતત્વ તથા માનવશાસ્ત્ર સંબંધિત અભ્યાસો કરતી બ્રાડશો ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ, ઓક્સફર્ડ યુનિવર્સિટીના પુરાતત્વવિદ્ પ્રોફેસર સ્ટીફન ઓપેનહેઇમરના અભ્યાસોના આધારે, પૃથ્વી પર માનવજાત કેવી રીતે વિસ્તરી તેનો એક ઇન્ટરએક્ટિવ મેપ તૈયાર કર્યો છે. બીબીસીએ આ જ અભ્યાસોના આધારે પાંચ ભાગની એક ડોક્યુમેન્ટરી સીરિઝ પણ તૈયાર કરી છે.

આપણા પૂર્વજો કોણ હતા, કેવા હતા? પૃથ્વી પર આખી માનવજાતનું કોઈ એક મૂળ હતું? હતું, તો ક્યાં હતું? ત્યાંથી, કેવાં પરિબળોને અનુસરીને માનવજાત ધીમે ધીમે પૃથ્વી પર ફેલાઈ? આ બધા સવાલોના જવાબ આ ઇન્ટરએક્ટિવ મેપ પર મળે છે.

http://www.bradshawfoundation.com/journey/ પર જઈને તમે પ્લે બટન પર ક્લિક કરશો એટલે નીચે એક ટાઇમલાઇન સાથે દુનિયાનો નક્શો જોવા મળશે. અહીં ફરી પ્લે કરશો એટલે ૧,૬૦,૦૦૦ વર્ષ પહેલાં, પૃથ્વી પર જ્યાં માનવની હાજરીના પહેલા પુરાવા મળ્યા તે પૂર્વ આફ્રિકાથી આ સફરની શરૂઆત થતી જોવા મળશે.

આ ઇન્ટરએક્ટિવ મેપ છે એટલે જુદાં જુદાં બટન, ટેક્સ્ટ વગેરે પર ક્લિક કરીને ખાસ્સી ઊંડાણભરી અન્ય વિગતો સુધી પહોંચી શકાશે. અલબત્ત, આ મેપ છેક ૨૦૦૩માં તૈયાર થયેલો છે એટલે ડિઝાઇન અને નેવિગેશનની રીતે ખાસ્સો જૂનવાણી લાગશે.

પહેલો તબક્કો વટાવી, રાઇટ એરો કે પ્લે બટન ક્લિક કરશો એટલે જોશો કે ૧,૬૦,૦૦૦થી ૧,૩૫,૦૦૦ વર્ષના ગાળા દરમિયાન પૂર્વ આફ્રિકાથી ચાર જુદાં જુદાં જૂથો પશ્ચિમ અને દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠા તરફ આગળ વધ્યાં. ત્યાર પછી, એક જૂથ નાઇલ અને સહરા વટાવી આગળ વધ્યું. પરંતુ આ જૂથ તીવ્ર ઠંડીને કારણે નામશેષ થયું. પાછલાં ૯૦,૦૦૦થી ૮૫,૦૦૦ વર્ષ દરમિયાન, ફરી પૂર્વ આફ્રિકામાં એક જૂથ દરિયા કાંઠે આગળ વધતું વધતું ભારતીય ઉપખંડ સુધી પહોંચ્યું.

પછી શું થયું એ જાણવામાં તમને રસ હોય, તો પાર વગરની વિગતો જાણવા મળશે આ નક્શા પર!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here