સમજી લઈએ ઓનલાઇન શોપિંગ સાથે સંકળાયેલા આ શબ્દો…

ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, અલબત્ત જેમ આપણા માટે દુકાને રૂબરૂ જઈને ખરીદી કરવાનો અનુભવ નવો છે તેમ સંખ્યાબંધ ઓનલાઇન સાઇટ્સ માટે પણ આ એક નવા જ પ્રકારનો અનુભવ છે. વિદેશોમાં જોરદાર અનુભવ લઈને આવેલી કંપનીઓ માટે પણ ભારતીય ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવાનો નવો જ અનુભવ છે.

પરિણામે, ગ્રાહકો અને ઓનલાઇન સાઇટ્સ બંને વચ્ચે એકબીજા પ્રત્યે હજી જોઈએ તેવો વિશ્વાસનો સંબંધ બંધાયો નથી.

જો તમે પણ ઓનલાઇન શોપિંગનો નવો નવો અનુભવ કરી રહ્યા હો, તો ખરીદીની આ નવી રીત સાથે સંકળાયેલ કેટલાક શબ્દો બરાબર સમજી લો. અહીં આપણે મોટા ભાગે ટોચની ત્રણ સાઇટ્સ એેમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલને ધ્યાનમાં રાખીને વાત કરીશું. અલગ અલગ સાઇટ પર વપરાતા શબ્દો થોડા ઘણા જુદા હોઈ શકે છે, જોકે અર્થ લગભગ સરખા જ છે.

આગળ શું વાંચશો?

  • સોલ્ડ બાય અથવા સેલર્સ
  • ફૂલફિલ્ડ બાય
  • કૂપન કે પ્રોમો કોડ
  • પ્રીઓર્ડર કે ફ્લેશ સેલ રજિસ્ટ્રેશન
  • બેકઓર્ડર
  • રીફર્બિશ્ડ
  • ઓર્ડર ટ્રેકિંગ
  • પાર્શિયલ શીપમેન્ટ

સોલ્ડ બાય અથવા સેલર્સ

આપણે એમ માનતા હોઈએ કે આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ કે સ્નેપડીલ જેવી કંપની પાસેથી ખરીદી કરીએ છીએ, પણ વાસ્તવમાં આ બધાં એક પ્રકારનાં પ્લેટફોર્મ છે, જેના પર વિવિધ વેપારીઓ રજિસ્ટ્રેશન કરીને પોતાની ચીજવસ્તુ વેચી શકે છે. આવી સાઇટ્સ પર વેચાણ કરતા વેપારીઓ કે કંપનીઓ માટે ‘સેલર્સ’ અથવા ‘સોલ્ડ બાય’ શબ્દ વપરાય છે.

આપણે જે તે સાઇટ પર, આપણે ખરીદવી હોય તે પ્રોડક્ટના પેજ પર પહોંચીએ ત્યાં આ એ પ્રોડક્ટ કોણ કોણ વેચી રહ્યું છે તેની યાદી જોવા મળશે. ખાસ ધ્યાન રાખશો કે દરેક સેલરની સેલ પ્રાઇસ કે ડિસ્કાઉન્ટ, ડિલિવરીની રીત અને પ્રોડક્ટ કેટલા સમયમાં રીટર્ન કરી શકાય તેની નીતિ અલગ અલગ હોઈ શકે છે. દરેક સાઇટ પર જે તે સેલર્સની સર્વિસ કેવી છે તે વિશે બીજા ગ્રાહકોના રીવ્યૂ તરફ પણ નજર નાખી લેવી સારી.

ફૂલફિલ્ડ બાય

આપણે ખરીદેલી વસ્તુ કોણ આપણને પહોંચાડશે તે આ નિશાનને આધારે નક્કી થાય છે. જો પ્રોડક્ટના પેજ પર ‘એમેઝોન ફૂલફિલ્ડ’, ‘સ્નેપડીલ પ્લસ’ કે ‘ફ્લિપકાર્ટ એડવાન્ટેજ’નું નિશાન હોય તેનો અર્થ એવો માની શકાય કે આ પ્રોડક્ટની ક્વોલિટી જે તે ઓનલાઇન શોપિંગ સાઇટે પોતે તપાસેલી છે, તેને આ કંપનીએ પોતે સ્ટોકમાં રાખીને કાળજીપૂર્વક પેક કરાવી છે અને તેની ડિલિવરી પણ અન્ય પ્રોડક્ટ કરતાં વધુ ઝડપથી થશે.

આવી પ્રોડક્ટની ફ્રી ડિલિવરીનો લાભ પણ મળી શકે છે. આવી પ્રોડક્ટ માટેની રીટર્ન પોલિસી સામાન્ય રીતે ગ્રાહક માટે વધુ લાભદાયક હોય છે.

એ ખાસ ધ્યાને રાખશો કે આવી વસ્તુ પણ આખરે તો વિવિધ સેલર્સ દ્વારા વેચવામાં આવે છે, જે તે ઓનલાઇન સાઇટ ફક્ત વધુ કાળજીપૂર્વક તેને આપણા સુધી પહોંચાડતી હોવાનો દાવો કરે છે.

કૂપન કે પ્રોમો કોડ

આપણે પસંદ કરેલી કોઈ વસ્તુ માટે પેમેન્ટ કરવાની વિધિમાં આગળ વધીએ ત્યારે ક્યારેક પૂછવામાં આવે છે કે તમારી પાસે આ પ્રોડક્ટ માટે કોઈ કૂપન કે પ્રોમો કોડ છે? હવે તો જુદી જુદી પ્રોડક્ટ કે સર્વિસ માટે ડિસ્કાઉન્ટ કૂપન કે પ્રોમો કોડ વેચતી સંખ્યાબંધ સાઇટ પણ ફૂટી નીકળી છે.

કેટલીક કંપનીઓ પોતાની પ્રોડક્ટના પ્રચાર માટે સોશિયલ મીડિયા પર ‘અમુક દિવસમાં ખરીદી કરો તો અમુક લાભ’ આપતી હોય છે, આવી ઓફર સાથે એક ચોક્કસ પ્રોમો કોડ હોય, જેને કોપી કરીને જે તે શોપિંગ સાઇટ પર પેસ્ટ કરતાં, એ ઓફરની મુદત પૂરી થઈ ગઈ ન હોય તો આપણને ડિસ્કાઉન્ટનો લાભ મળે!

પ્રીઓર્ડર કે ફ્લેશ સેલ રજિસ્ટ્રેશન

આ બંને એકબીજાને મળતા આવતા પણ જરા જુદા શબ્દો છે. ક્યારેક કોઈ પ્રોડક્ટ હજી લોન્ચ થઈ ન હોય, પણ તે પહેલાંથી તેના ઓર્ડર લેવાનું શરૂ થઈ જાય તો તેને માટે ‘પ્રી ઓર્ડર’ શબ્દ વપરાય છે. ઓર્ડર પહેલેથી લેવાય, પણ ડિલિવરી પ્રોડક્ટ લોન્ચ થયા પછી જ મળે. જ્યારે ખાસ કરીને નવા નવા અને અમુક જ સાઇટ પર લોન્ચ થતા સ્માર્ટફોનના વેચાણ માટે, કંપનીને લાગે કે તેના સ્ટોક કરતાં વધુ ઓર્ડર નોંધાવાની શક્યતા છે, જ્યારે કંપની ‘ફ્લેશ સેલ રજિસ્ટ્રેશન’ યોજે છે, એટલે કે અમુક નિશ્ચિત તારીખ સુધીમાં આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું (એ પ્રોડક્ટ ખરીદવામાં આપણને રસ છે એમ કહેવાનું) અને પછી પહેલેથી જાહેરા થયેલી તારીખે, વેચાણ શરૂ થાય ત્યારે કંપનીનો સ્ટોક હોય એટલી જ સંખ્યામાં ઓર્ડર બુક થાય – આપણે સ્ટોક ખલાસ થાય તે પહેલાં ઓર્ડર બુક કરાવી લેવાનો!

બેકઓર્ડર

પ્રીઓર્ડર જેવી જ વાત, ફેર ફક્ત એટલો કે અહીં વાત પહેલેથી લોન્ચ થઈ ગયેલી અને પછી આઉટ-ઓફ-સ્ટોક થયેલી પ્રોડક્ટની છે. કેટલીક સાઇટ્સ આવી પ્રોડક્ટ માટે બેકઓર્ડર લેતી હોય છે. જ્યારે સ્ટોક ફરી ઉપલબ્ધ થાય ત્યારે આપણને તે મળે.

રીફર્બિશ્ડ

સાદા શબ્દોમાં સેકન્ડ હેન્ડ વસ્તુ! જ્યારે કોઈ મોબાઇલ કે લેપટોપ જેવી વસ્તુમાં કંઈક નજીવી ખામી હોય કે એક્સચેન્જમાં પરત કરવામાં આવી હોય ત્યારે મેન્યુફેક્ચરર કંપની તેને રીપેર કરીને નવીનક્કોર જેવી બનાવી દે તો તેને માટે ‘રીફર્બિશ્ડ પ્રોડક્ટ’ શબ્દ વપરાય છે. આવી પ્રોડક્ટ દેખીતી રીતે, નવી પ્રોડક્ટ કરતાં સસ્તી હોય છે.

ઓર્ડર ટ્રેકિંગ

સામાન્ય રીતે આપણે કોઈ વસ્તુ માટે ઓર્ડર આપીએ તે પછી તેનો એક યુનિક ઓર્ડર નંબર જનરેટ થાય છે, જે ઓર્ડર આપ્યા પછી આપણને ઈ-મેઇલ કે એસએમએસસ દ્વારા મળે છે.

આપણે જે તે સાઇટ પર જઈ, લોગ-ઇન થઈને પછી એ નંબર આપી, ઓર્ડર કરેલી વસ્તુ કેટલે પહોંચી તે જાણી શકીએ છીએ. મોટા ભાગે, કંપની સામેથી ઈ-મેઇલ અને એસએમએસ દ્વારા પણ આપણને આ માહિતી આપે છે.

પાર્શિયલ શીપમેન્ટ

આપણે કોઈ સાઇટ પર જઈને એકથી વધુ વસ્તુઓનો ઓર્ડર આપીએ ત્યારે એવું બની શકે છે કે ઓર્ડર એક સાથે આપ્યો હોવા છતાં, વસ્તુઓ અલગ અલગ દિવસે કે સમયે આપણા સુધી પહોંચે. આનું કારણ એ કે બધી વસ્તુઓ અલગ અલગ જગ્યાએથી રવાના થતી હોય છે. આવી સ્થિતિમાં આપણે આપણો ઓર્ડર ટ્રેક કરીએ ત્યારે ‘પાર્શિયલ શીપમેન્ટ’ (અમુક વસ્તુઓ મોકલાઇ છે) એવી માહિતી મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here