વિદેશોથી વિપરિત, ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજાર લગભગ ખતમ થઈ ગયું છે ત્યારે, અમદાવાદમાં મોટા થયેલા એક એન્જિનીયરને એક સ્માર્ટ આઇડિયા આવ્યો. પોતાના આ સાહસ વિશે તેમણે ‘સાયબરસફર’ સાથે મોકળાશથી વાત કરી…

આગળ શું વાંચશો?

  • એજ્યુકેશનથી ઇનોવેશન
  • સ્માર્ટ સ્કૂટર કેવી રીતે?
  • નવા સમયનાં ફીચર્સ

તમે સ્કૂટર કે બાઈક પર કોઈ જગ્યાએ જઈ રહ્યા હો, વિસ્તાર અજાણ્યો હોય, રસ્તો જોયો ન હોય અને જો તમે ટેકસેવી હો, તો તમે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી, મેપિંગ એપમાં નેવિગેશન ઓન કરીને રસ્તો જોઈ શકો. પણ હાથમાં સ્માર્ટફોન પકડીને બાઈક કઈ રીતે ચલાવવું?

તમે પોતે આવો અનુભવ કર્યો હશે અથવા રસ્તે જતાં, બાઇક પર પાછળ બેઠેલી વ્યક્તિ સ્માર્ટફોનમાં નેવિગેશન ઓન રાખીને, બાઈક ચલાવનારને ગાઇડ કરતી હોય એવું પણ જોયું હશે.

‘કારમાં નજર સામે નેવિગેશન રાખી શકાય, બાઇકમાં એવી સગવડ ન મળે’ એમ આપણે મન મનાવી લઈએ, પણ તરુણ મહેતા અને સ્વપ્નિલ જૈન નામના બે યુવાને આ રીતે મન મનાવ્યું નહીં, એમણે સ્કૂટરને જ સ્માર્ટ બનાવવાની જીદ પકડી, પોતાનું ટેક્નોલોજી સ્ટાર્ટઅપ ઊભું કર્યું અને જીદ પૂરી કરીને જંપ્યા!

આ બંને યુવાને સાથે મળીને, તેમના દાવા મુજબ પેટ્રોલ સ્કૂટર કે બાઇકની બરોબરી કરી શકે કે એથી પણ ચઢિયાતું સાબિત થાય એવું સ્માર્ટ, બેટરી પાવર્ડ સ્કૂટર બનાવ્યું છે, જે હમણાં જ બેંગલોરમાં ‘સર્જ’ નામની વેબ સમિટમાં લોન્ચ થયું (આ વેબ સમિટ દુનિયાની શ્રેષ્ઠ ટેક્નોલોજી કોન્ફરન્સ ગણાય છે. પાંચ વર્ષથી દર વર્ષે યુરોપમાં યોજાતી અને 134 દેશોમાંથી 42,000 મુલાકાતીઓને આકર્ષતી આ સમિટ પહેલી વાર ભારતમાં, બેંગાલુરુમાં યોજાઈ છે).

આ સ્માર્ટ સ્કૂટર ભારતમાં લગભગ મરી પરવારેલા ઇ-બાઇક સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકી શકશે કે નહીં એ તો સમય કહેશે, પણ આ વિચાર જેટલો રસપ્રદ છે, એટલી જ રોમાંચક એ વિચાર સાકાર કરવાની સફર છે.

એજ્યુકેશનથી ઇનોવેશન

તરુણ મહેતાનો પરિવાર વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયો છે. 2007માં એમણે ચેન્નાઇની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનીયરિંગ (આઇઆઇટી)માં એડમિશન મેળવ્યું. એ વખતે આઇઆઇટીમાં એક નવું જ ડિપાર્ટમેન્ટ શરૂ થયું હતું -એન્જિનીયરિંગ ડિઝાઇન.

‘સાયબરસફર’ સાથેની વાતચીતમાં તરુણ મહેતાએ કહ્યું કે “એક કન્સેપ્ટને કન્ઝ્યુમર પ્રોડક્ટ કેવી રીતે બનાવી શકાય એ અમને શીખવવામાં આવ્યું. અમારા પ્રોફેસર્સ કહેતા કે તમે ફક્ત એન્જિનીયરિંગ પ્રોબ્લેમ્સ પર ફોકસ ન કરો, કન્ઝ્યુમર પ્રોબ્લેમ્સ પર ફોકસ કરો. કોઈ એક એન્જિનીયરિંગ પ્રોડક્ટ બનાવવાનો વિચાર સૂઝે, તો એ કન્સેપ્ટનાં વિવિધ પાસાં તપાસી તેની પ્રોટોટાઇપ બનાવવી, પછી તેનું જાતે ટેસ્ટિંગ કરવું, અલગ અલગ લોકો પાસે ટેસ્ટિંગ કરાવવું, એ પ્રોડક્ટ માટે માર્કેટ કેવું છે તે તપાસવું, બધા ખર્ચ ગણીને પ્રાઇસ નક્કી કરવી અને છેવટે એ કન્સેપ્ટને કન્ઝયુમર પ્રોડક્ટ તરીકે લોન્ચ કરવી… એન્જિનીયરિંગ ઉપરાંતનાં ઘણાં બધાં પાસાં અમે એન્જિનીયરિંગ સાથે શીખ્યા.’

ભણતાં ભણતાં તરુણે લિથિયમ બેટરી પર કામ કર્યું, એની પેટન્ટ પણ મેળવી. 2012માંએન્જિનીયર બન્યા પછી તરુણે થોડો સમય અશોક લેલેન્ડમાં કામ કર્યું અને પછી પોતે જ, પોતાની રીતે કંઈક કરવા માટે સ્ટાર્ટ-અપ શરૂ કરવાનું વિચાર્યું. આઇઆઇટીમાં અભ્યાસ સમયના તેમના મિત્ર સ્વપ્નિલ જૈનનો સાથ લીધો. બંનેએ પોતાના અભ્યાસ અને અનુભવને કામે લગાડીને ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ માટે સારી બેટરી ડિઝાઇન કરીને વેચવાનું વિચાર્યું.

એ અરસામાં ભારતમાં ઇ-બાઇક્સનું માર્કેટ ગગડી રહ્યું હતું. ઇ-બાઇક ખરીદનારા ઘણા ખરા લોકો પસ્તાઈ રહ્યા હતા કેમ કે બેટરી ચાર્જ થતાં કલાકો લાગી જતા અને પછી પણ કલાકના માંડ 25 કિલોમીટરની ઝડપે ઈ-બાઈક ચાલી શકતી હતી, ડબલસવારીનો તો વિચાર પણ ન થાય! આ બેટરી 12-15 મહિનામાં તો એવી નકામી થઈ જાય કે બદલવી જ પડે. પરિણામે, વર્ષ 2011-12થી વર્ષ 2014-15 સુધીમાં ભારતમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સનું વેચાણ 84 ટકા ઘટી ગયું.

બેટરથી શરૂઆત, પછી આખું સ્કૂટર!

તરુણ અને સ્વપ્નિલે પહેલાં સારી લિથિયમ આયન બેટરી ડિઝાઇન કરવાનું વિચાર્યું હતું, પણ પછી સમજાયું કે બેટરી તો ડેવલપ થઈ જશે, પણ પછી એ બેસાડવી કયા વેહિકલમાં? તેમણે પોતે જ આખું ઇ-સ્કૂટર પણ બનાવવાનું નક્કી કર્યું. તરુણ કહે છે, ‘ખરેખર વેલ્યુ ક્રિએશન ત્યારે જ થાય, જ્યારે તમે બિલકુલ સ્ક્રેચથી, છેક પાયાથી કે નવેસરથી જ કશુંક તૈયાર કરો.’ જન્મે મારવાડી અને અમદાવાદમાં મોટા થયેલા તરુણ હળવાશથી કહે છે કે “પૈસા તો ટ્રેડિંગ કરીને પણ કમાઈ શકાય, પણ એમાં ક્રિએશન – સર્જનની મજા નથી. કંઈક નવું સર્જન કરવું વધુ મહત્વનું છે.

તરુણ અને સ્વપ્નિલે સાથે મળીને 2013માં એધર એનર્જી નામે એક કંપની સ્થાપી. પહેલા છ મહિનામાં તેમણે ઇ-સ્કૂટરના બે પ્રોટોટાઇપ બનાવ્યા.

તરુણ કહે છે કે તેઓ એ સમયની ઇ-બાઇક્સ કરતાં સારું નહીં, પણ અત્યારના કોઈ પણ પેટ્રોલ સ્કૂટર જેવું કે તેનાથી પણ ચઢિયાતું ઇ-સ્કૂટર બનાવવા માગતા હતા. “અમે મિત્રો, સંબધીઓ, ઓળખીતા વગેરેને પૂછતા કે તમને અત્યારના પેટ્રોલ સ્કૂટર જેટલું જ સારું પરફોર્મન્સ બેટરી પાવર્ડ સ્કૂટરમાં મળે, તો તમે એક્ટિવા કરતાં વધુ કિંમત ચૂકવો ખરા? ઘણા લોકોએ હા પાડી, તો અમે કહ્યું કે ખાલી હા નહીં, અત્યારે રૂપિયા આપો! તરુણ કહે છે કે તેમની વાતમાં વિશ્વાસ મૂકીને 15-20 લોકોએ એડવાન્સ ઓર્ડર આપી, 80 રૂપિયા સુધીની રકમ પણ આપી. એ રીતે, 4-5 લાખ રૂપિયા ઊભા થયા.

કામ આગળ વધ્યું, કંપનીમાં નવા લોકો જોડાયા. ફેબ્રુઆરી 2014માં તેમને રૂ. 45 લાખનું પહેલું ફંડિંગ મળ્યું અને પછી ફ્લિપકાર્ટના સ્થાપકો પાસેથી પણ ફંડ મળ્યું. હમણાં હમણાં તેમની કંપનીને 12 મિલિયન ડોલરનું ફંડિંગ મળ્યું. અત્યારે કંપનીમાં 70 લોકો કામ કરે છે, જેમાંથી 65 એન્જિનીયર્સ છે.

તેમની કંપની જે ઇ-સ્કૂટર લોન્ચ કરી રહી છે તેમાંની લગભગ બધી જ ટેક્નોલોજી તેમની કંપનીએ પોતે ડેવલપ કરેલી છે. તેમનું ઇ-સ્કૂટર કલાકના 75 કિમીટર સુધીની ઝડપ પકડી શકશે, બેટરી માંડ એક કલાકમાં ફૂલ ચાર્જ થશે અને અન્ય બેટરી કરતાં તેની કુલ આવરદા લગભગ 10 ગણી વધુ હશે. પેટ્રોલ સ્કૂટર કરતાં આ ઇ-સ્કૂટરનું વજન 20 ટકા જેટલું ઓછું હશે.

સ્માર્ટ સ્કૂટર કેવી રીતે?

તરુણ કહે છે કે “અમે અમારા ઇ-સ્કૂટરને બધી રીતે અત્યારનાં સ્કૂટર કરતાં સારું બનાવવા માગતા હતા, એટલે જ અમે એને સ્માર્ટ બનાવવાનું વિચાર્યું. ચેન્નઈમાં કોલેજકાળમાં બાઇક ચલાવતી વખતે સ્માર્ટફોનમાં નેવિગેશન જોવામાં પડતી મુશ્કેલી યાદ કરીને તેમણે ઇ-સ્કૂટરમાં ડેશબોર્ડની જગ્યાએ ટેબલેટ જેવો, ટચસ્ક્રીન ડિસ્પ્લે મૂક્યો છે, જે એન્ડ્રોઇડ આધારિત છે. તેમાં ગૂગલ મેપ્સ આધારિત નેવિગેશનની સગવડ છે. કંપની ઇ-સ્કૂટરમાં વિવિધ સેન્સર્સ પણ ફીટ કરવા માગે છે.

કંપનીનું વિઝન એવું છે કે આગળ જતાં આ ઇ-સ્કૂટર એટલું સ્માર્ટ બનશે કે તે યૂઝરના સ્માર્ટફોન સાથે અને કંપનીના એન્જિનીયર્સ બંને સાથે કનેક્ટેડ રહેશે. સ્કૂટરના ટાયરમાં હવા ઓછી હશે તો આપણા સ્માર્ટફોન પર તેનો એલર્ટ આવશે અને સિસ્ટમમાં કોઈ ખરાબી હશે તો કંપનીને જાણ થશે અને કંપની (મિકેનિકલ ખરાબી ન હોય તો) ઓવર-ધ-એર સિસ્ટમ અપગ્રેડ કરશે! સ્કૂટર તેને ચલાવનારનો વપરાશ ધ્યાન રાખશે, એટલે કોઈ વડીલ ચલાવશે ત્યારે ઓટોમેટિક ઇકોનોમી મોડ એક્ટિવેટ કરશે અને કોઈ યંગસ્ટર ચલાવશે ત્યારે સ્પોર્ટ મોડ!

‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ના કન્સેપ્ટ મુજબ આખી દુનિયાની સંખ્યાબંધ ચીજવસ્તુઓ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ રહી છે, એમ ઇ-સ્કૂટર પર કનેક્ટેડ થતાં આપણી સગવડ વધવાની અનેક સંભાવનાઓ છે. અલબત્ત, આ બધું પ્રારંભિક મોડેલ્સમાં નહીં હોય.

એ તો બધું ખરું, પણ આ ઇ-સ્કૂટરની કિંમત? લગભગ 1 લાખ રૂપિયા! જોકે આખી દુનિયામાં બીજે બધે બેટરી પાવર્ડ અને બહેતર વેહિકલ્સની લોકપ્રિયતા વધી રહી છે, એટલે તરુણ મહેતાને વિશ્વાસ છે કે તેમની બાઇક ચોક્કસ દોડશે!

નવા સમયનાં ફીચર્સ

  • ડેશબોર્ડમાં ઇન-બિલ્ટ નેવિગેશન
  • સ્માર્ટફોનમાં સ્કૂટરનો ડેટા સિન્ક કરી શકાય
  • અલગ અલગ યૂઝરના અલગ અલગ પ્રોફાઇલ તૈયાર કરી શકાય
  • સ્કૂટર કેટલું ચાર્જ થયું એ પણ સ્માર્ટફોનમાં જાણી શકાય
  • કોઈ ખામી સર્જાય તે પહેલાં એલર્ટ અને આસિસ્ટન્સ મળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here