જો તમે એક્સેલનો પ્રમાણમાં ઠીકઠીક ઉપયોગ કરતા હશો તો તમે જાણતા જ હશો કે એક્સેલની ફાઇલને સામાન્ય રીતે ‘વર્કબુક’ કહેવામાં આવે છે અને એક વર્કબુકમાં એકથી વધુ ‘વર્કશીટ’ હોય છે (આપણે કોરી એક્સેલ ફાઇલ – વર્કબુક ઓપન કરીએ એટલે બાય ડિફોલ્ટ તેમાં ત્રણ કોરી વર્કશીટ જોવા મળે છે, જેમાં આપણે જરૂરિયાત મુજબ ઉમેરો કરી શકીએ છીએ).
એવું ઘણી વાર બની શકે કે આપણે કોઈ વર્કબુકમાંની કોઈ આખેઆખી વર્કશીટને એક્સેલમાંની બીજી કોઈ વર્કબુકમાં કોપી કરવાની જરૂર ઊભી થાય કે પછી, એ જ વર્કબુકમાં તેની કોપી કરવાની થાય. મોટા ભાગે આપણે એક્સેલમાં મહિનાદીઠ કામનું લિસ્ટ જુદી જુદી વર્કશીટમાં તૈયાર કરતા હોઈએ ત્યારે કે પછી જુદાં જુદાં ઇનવોઇસ અલગ અલગ વર્કશીટમાં બનાવતા હોઈએ ત્યારે આવી જરૂર ઊભી થાય.