સવાલ લખી મોકલનારઃ મયુર પંચાલ
સૌથી ટૂંકો જવાબ, નામ કહે છે તેમ, ટૂંકું યુઆરએલ! પણ, ચાર વર્ષ પહેલાં ઓક્ટોબર મહિનામાં જ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ જગજિત સિંહની પેલી પ્રખ્યાત પંક્તિઓની જેમ, બાત નીકલી હૈ તો દૂ…ર… તલક જાએગી!
લાંબો જવાબ જાણતાં પહેલાં જાણીએ યુઆરએલ વિશે થોડું – વેબસાઇટના એડ્રેસ તરીકે યુઆરએલનો ઉપયોગ આપણે સૌ જાણીએ છીએ, પણ એનો અર્થ કદાચ ઓછો જાણીએ છીએ. યુનિફોર્મ રીસોર્સ લોકેટર જેનું આખું નામ છે, એ યુઆરએલ ઇન્ટરનેટ પરની કોઈ ચોક્કસ વેબસાઇટ, વેબપેજ કે ફાઇલનું સરનામું દર્શાવે છે. યુઆરએલના જુદા જુદા ભાગના ચોક્કસ અર્થ હોય છે, જેમ કે https://cybersafar.com/images/CS-Admin/Cover-Magazines/043_September-2015-Cover.jpg આ સરનામામાં શરૂઆતમાં રહેલ અક્ષરો આપણે કયા પ્રકારના ડોક્યુમેન્ટનું એડ્રેસ જોઈ રહ્યા છીએ તે દર્શાવે છે, જેમ કે http હાયરટેક્સ્ટ ડિરેક્ટરી કે ડોક્યુમેન્ટ (જેમ કે વેબપેજ) દર્શાવે છે, તેના જેવા બીજા જુદા જુદા પ્રીફિક્સ પણ હોઈ શકે છે.

ત્યાર પછીનો ભાગ cybersafar.com આ સરનામું જે તે સાઇટનું ડોમેઇન બતાવે છે અને બાકીનો ભાગ જે તે ફાઇલ કઈ ડિરેક્ટરીના કયા ફોલ્ડરમાં રહેલી છે તે આખો પાથ બતાવે છે. છેક છેલ્લે જે તે ડોક્યુમેન્ટના પ્રકાર અનુસાર, તેના એક્સટેન્શન સાથે ડોક્યુમેન્ટનું નામ હોય છે. આગળ લખેલું યુઆરએલ ‘સાયબરસફર’ની વેબસાઇટ પર, ઇમેજીસ અને તેનાં પેટા ફોલ્ડર્સમાં રહેલી, સપ્ટેમ્બર ૨૦૧૫ અંકના કવરપેજ ઈમેજનું વેબએડ્રેસ બતાવે છે.
હવે ધારો કે આપણે ‘સાયબરસફર’ની વેબસાઇટ પર આ ઇમેજ જોઈ અને લાગ્યું કે મિત્રોને કામ લાગે તેમ છે, શેર કરીએ, તો? ઇમેજના યુઆરએલને કોપી કરીને ટવીટર પર મોકલવું હોય તો આ એક એડ્રેસ જ ૮૦ જેટલા કેરેક્ટર રોકી લે છે.
સંખ્યાબંધ વેબપેજીસનાં એડ્રેસ આતી પણ ઘણાં વધુ લાંબાં હોય છે. ટવીટર, ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ પર કે એસએમએસમાં આ રીતે કોઈ વેબએડ્રેસ મોકલવું હોય તો ટવીટર જેવામાં તો ૧૪૦ કેરેક્ટરી મર્યાદાને કારણે એ શક્ય જ ન બને.