થોડા સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે જે નવો બઝવર્ડ બનવાનો છે તે વર્ચ્યુઅલ રીયાલિટીથી દુનિયા કેવી બદલાશે તેનો થોડો અંદાજ મેળવીએ, સ્પોર્ટસ ક્ષેત્રે આ ટેક્નોલોજી કેવી કમાલ કરશે તેની ઝલક જાણીને.
આગળ શું વાંચશો?
- સ્પોર્ટ્સમાં વીઆર – શા માટે?
સ્પોર્ટ્સમાં વીઆર – કઈ રીતે?
આવનારાં વર્ષોમાં આપણે એક શબ્દ વારંવાર સાંભળવાના છીએ, અથવા કહો કે અનુભવવાના છીએ – વર્ચ્યુઅલ રીયાલિટી (વીઆર). વાસ્તવિક નહીં, છતાં તદ્દન વાસ્તવિક લાગે એવી આભાસી વાસ્તવિકતા!
દુનિયાભરની અનેક ટેક્નોલોજી કંપની અત્યારે વર્ચ્યુઅલ રીયાલિટીને વાસ્તવિકતામાં પલટાવી નાખવા માટે કમર કસી રહી છે. ટેક્નોલોજીના આ નવા ફિલ્ડમાં કેટલો કસ હશે એનો અંદાજ આ એક બાબત પરથી આવશે – ઓક્યુલસ વીઆર (મૂળ લેટિન ભાષાના શબ્દ ઓક્યુલસનો અર્થ છે, આંખ!) નામની એક અમેરિકન કંપની વીઆર ટેક્નોલોજી વિક્સાવી રહી છે, હજી તો તેની બિલકુલ પહેલી પ્રોડક્ટ વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે, પણ ફેસબુકે ગયા વર્ષે આ કંપની ૨ અબજ યુએસ ડોલર ચૂકવીને ખરીદી લીધી છે!
કેટલીક મૂવીઝ, ખાસ કરીને હોલીવૂડની ૩-ડી મૂવીઝ આપણે સારા મલ્ટિપ્લેક્સમાં જોઈએ તો થ્રી ડાયમેન્શનલ વ્યૂઇંગથી ‘ડાયનાસોર હમણાં આપણી પર ત્રાટકશે’ એવો અનુભવ કરી શકીએ. આમ છતાં, એ અનુભવ વાસ્તવિકતાથી જોજનો દૂર છે. આપણી અને ફિલ્મ સ્ક્રીન વચ્ચે ખાસ્સું અંતર હોય – વચ્ચે બીજા પ્રેક્ષકોનાં માથાં પણ દેખાતાં હોય, આપણી નજરનો જે એંગલ બને તેમાં ફિલ્મનો સ્ક્રીન થોડો જ ભાગ રોકતો હોય – સ્ક્રીનની આજુબાજુનો ભાગ પણ આપણે જોઈ શકીએ… આ બધાને કારણે ૩-ડી અનુભવ તદ્દન વાસ્તવિક બની શકે નહીં.
૨-ડી મૂવી અને ૩-ડી મૂવીના અનુભવ વચ્ચે જે અંતર છે, તેના કરતાં અનેક ગણો તફાવત ૩-ડી મૂવી અને વર્ચ્યુઅલ રીયાલિટી વચ્ચે છે. વર્ચ્યુઅલ રીયાલિટીની ટેક્નોલોજીના મુખ્ય બે ભાગ છે, એક વીઆર કન્ટેન્ટ (જેમ કે ૩-ડી મૂવી) અને બીજું, વીઆર હેડસેટ (જેમ કે ૩-ડી ગ્લાસીસ).
વીઆર હેડસેટ તેના નામ મુજબ માથા પર, આંખો પર જડબેસલાક ગોઠવાઈ જાય એ રીતે પહેરવાનું સાધન છે, જે પહેર્યા પછી આપણે કોઈ પણ વીઆર કન્ટેન્ટ જોઈએ (વધુ યોગ્ય શબ્દ છે, અનુભવીએ!) એટલે આપણી આસપાસ ઊભી થાય વર્ચ્યુઅલ રીયાલિટી, ખરેખરી લાગતી આભાસી દુનિયા! ‘જુરાસિક વર્લ્ડ’ મૂવી જેવું કન્ટેન્ટ વીઆરમાં ઉપલબ્ધ હોય અને આપણે વીઆર હેડસેટ પહેરીને ઊભા ઊભા તેનો અનુભવ કરીએ તો એક તબક્કે ગબડી પડીએ એ નક્કી!
વર્ચ્યુઅલ રીયાલિટી એટલો વિશાળ વિષય છે કે તેની વિગતવાર વાત કરવા બેસીએ તો આ અંકનાં બધાં પાનાં પણ ઓછાં પડે, એટલે આપણે આગામી અંકોમાં તેનાં વિવિધ પાસાં જાણતા રહીશું, પણ અત્યારે ફક્ત એક ક્ષેત્ર – આપણા મનગમતા સ્પોર્ટ્સના ક્ષેત્રમાં વીઆરથી કેવાં પરિવર્તન આવવાનાં છે એની ઝલક જાણી લઈએ.