એક સમય એવો હતો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના બાળકની આંગળી ઝાલીને બજારમાં ચાલી જતી હોય અને બાજુમાં બરફગોળાની લારી દેખાય તો પેલું બાળક ધીમેકથી પપ્પાનો હાથ ખેંચે અને ધ્યાન દોરે, “બરફગોળો ખાશુંને? એટલે પેલી વ્યક્તિ ખિસ્સાં ફંફોસે, પૈસા હોય તો બંને મોજથી બરફગોળાની મજા માણે અને ન હોય તો બરફગોળો એને ઠેકાણે રહે.
હવે એ વીતેલા જમાનામાંથી ફાસ્ટ ફોરવર્ડ કરીને આજના ૨૦૧૫-૧૬ના સમયમાં આવી જાઓ, હવે તમે કોઈ રસ્તે જઈ રહ્યા હો ત્યારે સાથે કોઈ હોય કે ન હોય, તમારા ખિસ્સામાં રહેલો સ્માર્ટફોન ધીમેકથી તમારું ધ્યાન દોરશે, “બાજુની કોફીશોપમાં તમારી ફેવરિટ કેપેચિનો કોફીમાં અત્યારે ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળે છે, પીવી છે? અને ખિસ્સામાં રોકડા રૂપિયા કે ક્રેડિટ-ડેબિટ કાર્ડ ન હોય તો પરવા નહીં, સ્માર્ટફોન કહેશે કે “રૂપિયા તો મારી પાસે છે અને મારા રૂપિયા ખર્ચશો તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે – તમે બસ ખર્ચ કરો! આપણે ના પાડવાનું કોઈ કારણ જ ન રહે!
પેલા બરફગોળાની લારીવાળાને આ રીતે મોબાઇલથી રૂપિયા આપી શકીએ એવા દિવસો હજી દૂર છે, પણ એના ખિસ્સામાંના સ્માર્ટફોનમાં કોઈ મોબાઇલ વોલેટ હોય તો આપણે ચોક્કસ તેને પણ મોબાઇલ ટુ મોબાઈલ રૂપિયા આપી શકીએ એવા દિવસો આવી ગયા છે!
સ્થિતિમાં આટલું પરિવર્તન લાવી દીધું આ મોબાઇલ વોલેટે, જેને લોકો વર્ચ્યુઅલ વોલેટ કે ડિજિટલ વોલેટ કે ઇ-પર્સ પણ કહે છે!
આગળ શું વાંચશો?
- મોબાઇલ પેમેન્ટની દુનિયામાં બીજે શું ચાલી રહ્યું છે?
- પણ, છે શું આ મોબાઇલ વોલેટ?
- મોબાઇલ વોલેટ ખરેખર જરૂરી ખરાં?
- મોબાઇલ વોલેટ કયા કયા પ્રકારનાં હોય છે?
- પાયાની મુશ્કેલીઓ
- મોબાઇલ વોલેટ કઈ રીતે વધુ વિસ્તરશે?
- મોબાઇલ વોલેટથી શું શું થઈ શકે?
- બેન્કનું મોબાઇલ વોલેટ કેવી રીતે વાપરી શકાય?
- પેમેન્ટ બેન્ક શું છે?
- ભારતમાં જાણીતા મોબાઇલવોલેટ્સ
આજકાલ સંખ્યાબંધ બેન્ક, પ્રાઇવેટ કંપની, ટેલિકોમ કંપની વગેરે મોબાઇલ વોલેટ કે તેને મળતી આવતી સર્વિસ/એપ લોન્ચ કરે છે અને આપણા ખિસ્સામાં પોતાનું સ્થાન જમાવવાની કે પહેલેથી હોય તો તેને મજબૂત કરવાની કોશિશ કરે છે.
વર્ષો પહેલાં આખી દુનિયામાં એક જ ચલણ હતું – સોનાના સિક્કા. એની પણ પહેલાં, લોકો પોતાની ચીજવસ્તુ કે પોતાની આવડતની આપલે કરીને લેવડદેવડ કરી લેતા હતા. આજે દુનિયામાં પોણા બસોથી વધુ પ્રકારનાં ચલણ છે (થોડાં વર્ષ પહેલાં યુરોપના દેશોએ એક થઈને એક ચલણ અપનાવ્યું એ પણ યાદ કરી લઈએ).
ચલણ ઘણાં વધ્યાં પણ નાણાકીય લેવડદેવડ માટે આપણી પાસે વર્ષો સુધી ગણ્યા ગાંઠ્યા ઉપાય જ રહ્યા. જેમ કે રોકડ નાણાં, બેન્કના ચેક કે પછી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ. લોકોના ખિસ્સામાં કાર્ડની સંખ્યા ધીમે ધીમે સતત વધતી ગઈ. એકાદ દાયકા પહેલાંના એક સર્વેક્ષણનું તારણ હતું કે જાપાનમાં કોઈ પણ વ્યક્તિ પાસે સરેરાશ ૨૮ કાર્ડ રહેતાં હતાં! જુદી જુદી બેન્કનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ, કેશ કાર્ડ, ક્લબ્સની મેમ્બરશીપનાં કાર્ડ, આઇ કાર્ડ, વિવિધ શોપ્સનાં ડિસ્કાઉન્ટ કાર્ડ, ટ્રેન-બસ વગેરેના પાસ… વગેરે કેટલુંય આપણા પાકિટ કે કબાટના ખાનામાં સતત જમા થતું રહ્યું છે.
દરમિયાન બેન્ક કમ્પ્યુટરાઇઝ્ડ થતી ગઈ અને બે બેન્ક વચ્ચે એનઇએફટી, આરટીજીએસ, આઇએમપીએસ વગેરે રીતે નાણાં ટ્રાન્સફર થવા લાગ્યાં, આપણને પીસી પરથી નેટ બેન્કિંગની સુવિધા પણ મળી. પછી સ્માર્ટફોન આવતાં તેના પરથી નેટ બેન્કિંગની સુવિધા મળી…
પણ, ઇ-કોમર્સનો વ્યાપ જેમ જેમ વધતો ગયો, લોકો વધુ ને વધુ પ્રમાણમાં ઇ-શોપિંગ કરવા લાગ્યા તેમ તેમ લોકોને લાગ્યું કે હજી પણ કંઈક ખૂટે છે. નાણાંની લેવડ-દેવડ હજી જોઈએ તેટલી સહેલી નથી. ભારત જેવા દેશમાં પ્લાસ્ટિક મની એટલે કે ક્રેડિટ-ડેબિટ કાર્ડ (ખાસ કરીને ક્રેડિટ કાર્ડ)નો કન્સેપ્ટ બહુ ધીમી ગતિએ આગળ વધ્યો છે. નેટ બેન્કિંગમાં પણ જુદી જુદી વિગતો આપવાની, પાસવર્ડ નાખવાની વગેરે કડાકૂટ છે. ઉપરાંત, હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકો – વાજબી કારણોસર – વિવિધ વેબસાઇટ પર પોતાના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપતાં ખચકાય છે. એટલે તો ભારતમાં કેશ-ઓન-ડિલિવરીનો કન્સેપ્ટ વિકસ્યો નહોતો ત્યાં સુધી ઈ-શોપિંગ ખાસ આગળ વધ્યું નહોતું. પછી, ઓનલાઇન ફક્ત ઓર્ડર કરી શકાય અને ઓર્ડર કરેલી વસ્તુ ઘરે આવે ત્યારે રૂપિયા ગણી આપવાના એવી સીઓડી – કેશ ઓન ડિલિવરી વ્યવસ્થા આવી. ખરીદી અને ચૂકવણીની આ રીત લોકોને ગમી ગઈ અને ઇ-કોમર્સનાં પ્લેટફોર્મ ધમધમવા લાગ્યાં.
છતાં, ઇ-કોમર્સ કંપનીઓને એટલાથી સંતોષ નથી. આખી દુનિયાની જેમ, ઇ-કોમર્સમાં પણ નાણાં જેટલાં જલદી હાથ બદલે એટલો વેપાર વધુ તેજ ચાલે. કેશ-ઓન-ડિલિવરીમાં વેચનાર કંપનીને હાથમાં નાણાં આવતાં ઘણા દિવસ લાગી જાય છે. વેપાર જમાવવા ને વકરો વધારવા પૂરતો એ રસ્તો ઠીક છે, પણ નફો વધારવો હોય તો ફટાફટ નાણાં મળવાં જોઈએ.
નાણાંની ફટાફટ આપલે સહેલી બનાવે છે, આ નવા જમાનાનાં મોબાઇલ વોલેટ.