ફેસબુકે એવી ટેક્નોલોજી વિક્સાવી છે કે કોઈ ફોટોગ્રાફમાં આપણો સ્પષ્ટ ચહેરો ન દેખાતો તો પણ તે આપણને ઓળખી બતાવે છે. આ ટેક્નોલોજીને કામે લગાડીને તેણે બનાવી છે નવી ફોટોશેરિંગ એપ.
ફોટો રેકગ્નિશન ક્ષેત્રે દુનિયાની અગ્રણી ટેક કંપનીઓ ઘણી આગળ વધી ગઈ છે. તમે પીસીમાં પિકાસા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હોય તો તમે જાણતા હશો કે તેમાં આપણે અમુક ફોટામાં અમુક વ્યક્તિ ઓળખી બતાવીએ તે પછી સિસ્ટમ આપોઆપ એ વ્યક્તિના બધા ફોટોગ્રાફ અલગ તારવી આપે છે.
યુએસ પછી ભારતમાં લોન્ચ થયેલી ફેસબુકની મોમેન્ટ્સ એપમાં કંઈક આવી જ અને એથી પણ આગળ વધતી કરામત છે. ફેસબુકે આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે લોન્ચ કરી છે.
આ એપ શું છે એ સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ. અગાઉ લગ્નપ્રસંગે એક ફોટોગ્રાફર રોકવામાં આવતો, એ જેટલા ફોટોગ્રાફનું આલબમ બનાવે તેનાથી સૌએ સંતોષ માનવો પડતો. હવે દરેક પ્રસંગે સૌ કોઈ ફોટોગ્રાફર હોય છે. છતાં એવું પણ બને કે આપણે બધાના ફોટોગ્રાફ્સ લઈએ, પણ બીજાએ લીધેલા આપણા ફોટોગ્રાફ્સ આપણને ખુદને જોવા જ ન મળે! એના ઉપાય તરીકે હવે સૌ કોઈ ફોટોગ્રાફ્સ લીધા પછી વોટ્સએપ કે ફેસબુક પર શેર કરવા લાગ્યા છે. બધા લોકોએ એક પ્રસંગના લીધેલા ફોટોગ્રાફ્સને એકઠા કરવા માટે ઘણા લોકો ખાસ એ હેતુ માટે વોટ્સએપનું અલગ ગ્રૂપ પણ બનાવી લે છે.
જોકે ફેસબુકની મોમેન્ટ્સ એપથી એવી કસરત કરવી પડશે નહીં. આ એપ તમે સ્માર્ટફોનન કે મોબાઇલમાં ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો એટલે સૌથી પહેલાં તો ફેસબુક ધરપત આપે છે કે ચિંતા કરશો નહીં, તમારા ફોટોઝ પ્રાઇવેટ રહેશે અને તેને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવશે નહીં.