ઇન્ટરનેટ આપણા જીવનમાં વધુને વધુ પગપેસારો કરી રહ્યું છે ત્યારે ઓનલાઇન સલામતી માટેનાં કેટલાંક મહત્ત્વાં પગલાં જાણી લેવાં જરુરી છે, તેના પર અમલ કરવાનું એથી પણ વધુ અગત્યનું છે!
આગળ શુ વાંચશો?
- કમ્પ્યૂટર, ફોન, ટેબલેટ વગેરેને પાસવર્ડ પ્રોટેકટેડ રાખો
- પેટ્રોલ પંપ પર સાવધ રહો।
- ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન
- સોશિયલ સાઈટના પ્રાઈવસી સેટિંગ્સ સમજો
- કમ્પ્યુટરની યાદશક્તિ કમજોર બનાવો

આવું તમારી સાથે પણ બનતું હશે – આપણે કોઈ મિત્ર કે પરિચિતને ઘરે મળવા જઈએ કે કોઈ પ્રસંગે સહુ ભેગા થઈએ ત્યારે વાતવાતમાં કોઈ આપણો સ્માર્ટફોન જોવા માગે! આપણે જો ફોન નવોનવો લીધો હોય તો તો હોંશભેર, ફટ દઈને એમના હાથમાં આપણો ફોન આપીએ. પછી એ મિત્ર જુદી જુદી એપ ઓપન કરવા લાગે ને એમાં આપણી ફોટોગેલેરી ને વોટ્સએપ પણ ઓપન થાય અને મેઇલ પણ ચેક થવા લાગે! ત્યારે છેક આપણને મનમાં ચરચરાટી થાય કે ફોન આપ્યો ન હોત તો સારું, અથવા ફોન લોક રાખ્યો હોત સારું થાત!
પોતાનો ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવો જોઈએ એ સાવ સાદી વાત લગભગ આપણામાંથી કોઈને મહત્ત્વની લાગતી નથી. વાત ફક્ત ફોનની નથી, ઓનલાઇન આપણી પ્રાઇવસી જાળવી રાખવા માટે નાની નાની વાતની ઘણી કાળજી રાખવી જરૂરી હોય છે. નીચે આવા કેટલાક મુદ્દા આપ્યા છે, સાયબરસફરના અગાઉના અંકોમાં અલગ અલગ તેમની વાત થઈ પણ હશે, છતાં એક સાથે મૂકવા જરુરી હોવાથી અહીં આપ્યા છે. તપાસી જુઓ, એમાંથી કેટલાકનું તમે પાલન કરો છો!