fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટઃ દુનિયાની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઊડાડો!

ગૂગલ અર્થ વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે ગૂગલ અર્થની મદદથી, આપણે આખી દુનિયામાં ગમે ત્યાં પ્લેન ઉડાવીને નીચેની દુનિયા જોવાનો આનંદ માણી શકીએ છીએ? એ માટે તમારે મુલાકાત લેવી પડે આ ખાસ વેબસાઇટની. આગળ વાંચો આ સાઇટનો પૂરો લાભ લેવા વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી.

કલ્પનાને જરા છૂટો દોર આપો અને વિચારો કે…

  • તમે એક પેરાગ્લાઇડર છો અને અમદાવાદના કાંકરિયા તળાવની ઉપર પેરાશૂટને આમથી તેમ લઈ જતાં જતાં મોજથી નીચે દેખાતું કાંકરિયા જુઓ છો. એ સાથેે સાથે જોઈ રહ્યા છો ચારે તરફ વિસ્તરેલું અમદાવાદ શહેર…

  • તમે એક હોટ એર બલૂનમાં બેસીને માઉન્ટ આબુના આકાશમાં ફરવા નીકળ્યા છો અને ચોતરફ દેખાય છે અરવલ્લી પર્વતમાળાના લીલાછમ પર્વતોની વનરાજી…

  • વિચાર બદલાયો, હવે એક ફાઇટર પ્લેનના પાઇલટ બનીને હિમાલય ખૂંદવા નીકળી પડ્યા છો. તમે પહોંચ્યા માઉન્ટ એવરેસ્ટ સુધી…

  • હિમાલય જોઈ પરિવારના વડીલોનો વિચાર આવ્યો, તો તેમને હરદ્વારની હરકી પૌડી કે પ્રયાગમાં ત્રિવેણી સંગમનાં દર્શન કરાવ્યાં, પોતાના ટચૂકડા પ્રોપેલર પ્લેનમાં બેસાડીને…

  • પોતાનું જંગી પ્લેન એરબસ એ૩૮૦ કે કોન્કોર્ડ પ્લેન લઈને ઓસ્ટ્રેલિયાના સિડની કે ન્યૂ યોર્ક શહેરની ગગનચુંબી ઇમારતો વચ્ચેથી પ્લેન ઉડાવો છો અને ત્યાંથી પહોંચો છો ગ્રાન્ડ કેન્યનની કંદરાઓ ખૂંદવા કે નાયગ્રા ધોધ ઉપરથી જોવા…

એક વાત તો નક્કી કે તમે ‘સાયબરસફર’ના નિયમિત વાચક હશો તો ઉપરમાંની કોઈ વાત તમને ટાઢા પહોરનાં ગપ્પાં જેવી નહીં લાગે.

બીજી વાત એ પણ નક્કી કે તમે જુલાઈ ૨૦૧૨ના અંકની કવર સ્ટોરી ‘માઉસની પાંખે ચાલો વિશ્વપ્રવાસે વાંચી હશે તો એ પણ સમજી જ ગયા હશો કે વાત ગૂગલ અર્થની લાગે છે!

વાત એક રીતે ગૂગલ અર્થની છે અને બીજી રીતે, એની નથી.

વાત એમ છે કે આ દુનિયાના કોઈ ખૂણે એક એવો કલ્પનાશીલ, વિચારની પાંખે ઊડતો માણસ વસે છે, જેણે પોતાના અને બીજાના નિજાનંદ ખાતર, ગૂગલ અર્થની સગવડોનો લાભ લઈને એક જબરી રોમાંચક વેબસાઇટ વિકસાવી છે, જેના પર પહોંચીને તમે સીધા જ, તમારું મનગમતું પ્લેન પસંદ કરીને દુનિયાના કોઈ પણ ખૂણાની સફરે નીકળી પડી શકો છો!

આ મજાના ડેવલપરનું નામ છે ઝેવિયર તસીન. ‘સાયબરસફર‘ની વિનંતીને માન આપીને એમણે પોતાની સાઇટની હાઈ-રેઝોલ્યુશન ઇમેજીસ અને બીજા કેટલાક સવાલોના જવાબ મોકલી આપ્યા, પણ સાથે એમણે પોતાના વિશે વધુ વિગતો ન આપવાની વિનંતી પણ કરી. ઝેવિયર પોતે ૧૫ વર્ષથી વેબ ડેવલપિંગનું કામ કરે છે અને ઊડી શકે એવી દરેક ચીજ એમને વહાલી લાગે છે.

ફ્લાઇટ સિમ્યુલેશન જેમના માટે અજાણ્યો વિષય નથી એવા વાચકને ખ્યાલ હશે કે માઇક્રોસોફ્ટ કંપનીએ પણ ફ્લાઇટ સિમ્યુલેટર પ્રોગ્રામ ડેવલપ કર્યો છે, પણ એના લેન્ડસ્કેપ જોઈને આપણા ઝેવિયરને કંટાળો આવતો હતો અને ગૂગલ અર્થમાંની ફ્લાઇટ સિમ્યુલેશન (આપણે એની પણ વિગતવાર વાત કરી હતી, જુલાઈ ૨૦૧૨ના અંકમાં) સગવડથી એમને સંતોષ નહોતો. પરિણામે ઝેવિયરે પોતાની વેબ ડેવલપિંગ સ્કિલ્સ કામે લગાડી અને ગૂગલ અર્થના આધારે, જાતે જ ફ્લાઇટ સિમ્યુલેટર બનાવવાનું શરૂ કર્યું.

શરૂઆતના કેટલાક પ્રયાસ પછી, વાત જામી અને ઝેવિયરે આપેલી પાંખે અનેક લોકો માઉસ કે કી-બોર્ડના ઇશારે દુનિયાભરમાં ઊડતા થઈ ગયા!

તો તૈયાર છો તમે પણ, આ સાઇટ પર પહોંચીને માઉસ અને કલ્પનાને છૂટો દોર આપવા માટે?

ઊડવા માટે શું શું જોઈશે?

કમ્પ્યુટરના સ્ક્રીન પર મુક્ત ઉડાનનો આનંદ લેવા માટે તમારા કમ્પ્યુટરમાં ગૂગલ અર્થ પ્રોગ્રામનું એક પ્લગ-ઇન હોવું જ‚રી છે. એ છે કે નહીં એની ચિંતા કરવાની જરૂર નથી, તમે સાઇટ http://gefs-online.com/ પર પહોંચીને સાઇટ પર સૌથી ઉપર જમણી તરફ આપેલા ‘ફ્લાય’ બટન પર ક્લિક કરશો એ સાથે આ વેબસાઇટ જ તમારા કમ્પ્યુટરમાં ગૂગલ અર્થનું પ્લગ-ઇન છે કે નહીં એ તપાસશે. જો નહીં હોય તો સિસ્ટમ તમને તેને ડાઉનલોડ કરવાની લિંક આપશે. આ પ્લગ-ઇન ઇન્સ્ટોલ કરો અને આગળ વધો.

જો તમારા કમ્પ્યુટરમાં તમે પહેલેથી ગૂગલ અર્થ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલો હશે તો બે વાતની શક્યતા છે. એક તો, તમે કોઈ તકલીફ વિના, બીજું કશું જ ડાઉનલોડ કરવાની ઝંઝટ વિના સીધા જ ફ્લાઇંગનો આનંદ ઉઠાવી શકશો. અને બીજી શક્યતા એ છે કે તમે સ્ક્રીન પર પ્રોગ્રામ લોડિંગનું ગોળ ગોળ ફરતું ચક્કર જોઈને થાકી જાવ પણ કશું લોડ થાય નહીં!

આનું કારણ એ છે કે ગૂગલ અર્થનું નવું વર્ઝન ૭.૦ કંઈક ગરબડ ઊભી કરે છે. સાઇટ ડેવલપર ઝેવિયર તેનો ઉપાય શોધે છે અને ત્યાં સુધી આપણને ગૂગલ અર્થનું ૬.૨ વર્ઝન ડાઉનલોડ કરવાની સલાહ આપે છે અને તેની લિંક પણ આપે છે (તમારા કમ્પ્યુટરમાં પહેલેથી અર્થનું લેટેસ્ટ વર્ઝન હોય તો તેને અનઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. ફક્ત પ્લગ-ઇન ઇન્સ્ટોલ કરવામાં પણ એરર આવતી હોય તો પણ તમે આખેઆખા અર્થ પ્રોગ્રામનું ૬.૨ વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો તે હિતાવહ છે). હવે આ સાઇટ નવા પ્લેટફોર્મ પર લઈ જવામાં આવી હોવાથી લગભગ આવી કોઈ મુશ્કેલી તમને પડશે નહીં.

આ લિંકની મદદથી, ડાઉનલોડ પેજ પર પહોંચો અને ત્યાં ‘એડ્વાન્સ્ડ સેટઅપ’ પર ક્લિક કરો. આ સ્ટેપ ચૂકી જશો તો વળી ગૂગલનું લેટેસ્ટ ૭.૦ વર્ઝન ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલેશન ફાઇને ડેસ્કટોપ પર સેવ કરવાને બદલે, કોઈ ડ્રાઇવની અંદર સેવ કરશો. આટલું કામ પૂરું થાય એટલે વેબસાઇટનું પેજ રિફ્રેશ કરો અને તમે તૈયાર છો ઊડવા માટે!

પહેલી ફ્લાઇટની તૈયારી!

તમે જુદી જુદી બે-ત્રણ રીતે આકાશમાં ઉડાન ભરી શકો છો, પણ એ પહેલાં તમારા પ્લેનને કંટ્રોલ કેવી રીતે કરવું તે સમજી લઈએ.

ગૂગલ અર્થમાં તમે ફ્લાઇટ સિમ્યુલેશનની અજમાયશ કરી હશે તો તમને ખ્યાલ હશે કે તેમાં પ્લેનના બે વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરીને પછી ‘સિલેક્ટ યોર સ્ટાર પોઝિશન’માં જઈને, આપેલી યાદીમાંથી કોઈ એક એરપોર્ટ પસંદ કરી શકો છો.

ત્યાર પછી કી-બોર્ડમાં પેજ અપ બટન દબાવી રાખતાં પ્લેન રન-વે પર દોડવા લાગે છે અને પછી માઉસને હળવેકથી પાછળની બાજુ ખેંચતાં પ્લેન ટેક-ઓફ કરે છે. આ જરા પ્રેક્ટિસ માગી લેતું કામ છે. તમે એરપોર્ટને બદલે ‘કરન્ટ વ્યૂ‘નો વિકલ્પ પસંદ કરી શકો છો.

કોઈ જગવિખ્યાત સ્થળે પહોંચીને પછી ફ્લાઇટ સિમ્યુલેશન ચાલુ કરો તો એ જ સ્થળે આકાશમાં તમારું પ્લેન તરતું થઈ જાય.

જીઇએસએફ સાઇટમાં આ બધું જ છે, પણ વિકલ્પો અને સરળતા બંને બાબતમાં એ ગૂગલ અર્થ કરતાં ચઢિયાતી પુરવાર થાય છે (યાદ રહે, ગૂગલ અર્થ ગૂગલના અનેક એન્જિનિયર્સે તૈયાર કરેલો પ્રોગ્રામ છે, જ્યારે જીઇએસએફ ફક્ત એક ભેજાબાજે, નોકરી પછી ફ્રી ટાઇમમાં કરેલું સર્જન છે!).

જીઇએસએફમાં ફ્લાય મોડમાં જતાં, આપણા સ્ક્રીન પર ઓપ્શન બાર જોવા મળશે.

એરક્રાફ્ટની પસંદગી

અહીં આપણને આપણી ફ્લાઇટ માટે પૂરા ૧૬ એરક્રાફ્ટના વિકલ્પ મળે છે. તેમાં જૂના જમાનાનાં ગ્લાઇડર અને પ્રોપેલર પ્લેનથી માંડીને સુખોઈ ફાઇટર પ્લેન, મહાકાય એરબસ, કોન્કોર્ડ, ટચૂકડું સેસના પ્લેન, હેલિકોપ્ટર, એક વ્યક્તિ ચેરમાં બેસીને ઉડાવી શકે તેવી ગોટ એરચેર અને હોટ એર બલૂન કે પેરાશૂટનો સમાવેશ થાય છે (ઝેવિયરે આ બધાં એરક્રાફ્ટ માટે મોટા ભાગે ગૂગલના ૩ડી મોડલિંગના વેરહાઉસની મદદ લીધી છે).

તમે કોઈ પણ એરક્રાફ્ટ પસંદ કરીને ફ્લાઇંગ શરૂ કરી શકો છો, પણ શરૂઆતમાં એરબસ એ-૩૮૦ પસંદ કરશો તો સારું રહેશે. કારણ? કારણ કે આ મહાકાય પ્લેન વજનમાં ભારે હોવાથી આકાશમાં સ્થિર ગતિએ ઊડે છે. શરૂઆતમાં પ્રોપેલરવાળું કે ગ્લાઇડર જેવું કોઈ નાનું પ્લેન પસંદ કરશો એ માઉસ કે કી-બોર્ડના હળવા ઇશારે એ આકાશમાં ભાગંભાગી કરશે અને કંટ્રોલમાં રહેશે નહીં.

લોકેશન પસંદ કરો

ઓપ્શન બારમાં આપણો બીજો મુકામ છે, લોકેશનનું બીજું બટન. અહીંથી આપણે પ્લેન ક્યાં ઉડાડવું છે તે નક્કી કરી શકીએ છીએ. શરૂઆત કરવા માટે તમે માઉન્ટ એવરેસ્ટ કે ઓસ્ટ્રેલિયાનું સિડની શહેર પસંદ કરી શકો છો.

ધારો કે એરક્રાફ્ટ તરીકે એરબસ સિલેક્ટ કરી અને લોકેશનમાં સિડની પસંદ કર્યું, તો સિડની પર ક્લિક કરતાં થોડી જ ક્ષણોમાં તમારું પ્લેન હવામાં તરતું દેખાશે અને પ્લેનની બરાબર આગળ દેખાશે સિડની શહેર!

હવે પ્લેનને કંટ્રોલ કરવાના સાદા કમાન્ડ સમજી લઈએ. પ્લેનને આગળ તરફ લઈ જવા માટે કોઈ કી પ્રેસ કરવાની જરૂર નથી, એ આપમેળે ઊડતું રહેશે, આપણે ફક્ત તેને ઉપર-નીચે કે ડાબે-જમણે લઈ જવાનું છે. એ માટે કી-બોર્ડની એરો કીઝનો ઉપયોગ સૌથી સહેલો છે. ઓપ્શન્સમાં જઈને માઉસથી કંટ્રોલ કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકાય અથવા તમારી પાસે જો જોયસ્ટિક હોય તો તેને પણ કનેક્ટ કરી શકાય (જોકે તેને માટે વધુ એક બ્રાઉઝર પ્લગ-ઇન ઇન્સ્ટોલ કરવું પડશે, જેની લિંક સાઇટ પર આપેલી છે).

કી-બોર્ડની એરો કીઝનો ઉપયોગ કરતા હો તો એટલું ધ્યાન રાખવાનું કે અપ એરો કીનો ઉપયોગ કરતાં પ્લેન નીચે ઊતરશે અને ડાઉન એરો કીથી ઉપર ચઢશે! બરાબર એ જ રીતે ડાબી એરો કીથી પ્લેન જમણી તરફ વળશે અને જમણી એરો કીથી ડાબી તરફ!

શરૂમાં થોડું વિચિત્ર લાગશે પણ આપણે એટલે જ તો ધીમી ગતિએ આગળ વધતું અને આપણા કંટ્રોલમાં રહેતું પ્લેન પસંદ કર્યું છે!

બસ, હવે તો કશું જ કરવાનું નથી, ફક્ત કી-બોર્ડના ઇશારે પ્લેનને હવામાં તરતું રાખવાનું છે.

એક વાર પ્લેનને કંટ્રોલમાં રાખવાનું ફાવી જાય એટલે કંટ્રોલ બારમાં બીજા વિકલ્પો તપાસવા માટે આગળ વધો.

લોકેશનમાં તમે જોઈ શકશો કે એક સર્ચ બોક્સમાં આપણી પોતાની પસંદગીના લોકેશન પર ફલાઇંગનો વિકલ્પ પણ છે. કાંકરિયા, અમદાવાદ, ઇન્ડિયા જેવું એડ્રેસ આપો અને એ લોકેશન પર ફ્લાઇંગની મજા લૂંટો.

એટલું ધ્યાનમાં રાખશો કે તમે જે સ્થળ પસંદ કર્યું હશે તેની બરાબર ઉપર આકાશમાં, ૧૦૦૦ ફૂટની ઊંચાઈએથી તમારું પ્લેન હવામાં તરતું થશે. એટલે જો તમે લોકેશન તરીકે કાંકરિયા આપ્યું હશે તો કાંકરિયા પ્લેનની બરાબર નીચે હોવાથી એ નજરમાં આવશે નહીં. પ્લેન આકાશમાં આગળ વધતું હોવાથી આપણે થોડું ચક્કર લગાવીને કાંકરિયા શોધવું પડશે!

આ શોધખોળ થોડી સહેલી બનાવે છે ઓપ્શન બારમાંનું કેમેરા બટન.

તપાસો કેમેરા ઓપ્શન્સ

ચાલુ ફ્લાઇટે તમે કી બોર્ડમાં ‘સી’ કી પ્રેસ કરતા જશો તેમ તેમ કેમેરાના વિવિધ ઓપ્શન્સ બદલી શકશો (ગૂગલ અર્થ કરતાં વધુ ચઢિયાતી વધુ એક ખાસિયત!). ‘ફોલો’ વિકલ્પમાં કેમેરા આપણા પ્લેનની પાછળ પાછળ નિશ્ર્ચિત અંતરે ગતિ કરતો હોય એવો વ્યૂ જોવા મળશે. તમે માઉસને રાઇટ ક્લિક કરી, કેમેરાનું અંતર ગોઠવી શકો છો.

ફરી ‘સી’ કી પ્રેસ કરશો એટલે પ્લેનની કોક-પીટમાંથી દેખાય એવો વ્યૂ દેખાશે. ફરી ‘સી’ કી પ્રેસ કરતાં કોક-પીટની વિન્ડો વિના, પણ તેમાંથી જ જોતા હોઈએ એવો વ્યૂ દેખાશે.

ફરી ‘સી’ કી પ્રેસ કરતાં, કેમેરા સ્થિર થશે અને આખા સ્ક્રીન પર આમ તેમ (આપણી મરજી મુજબ) ગતિ કરતું પ્લેન જોવા મળશે. હજી વધુ એક વાર ‘સી’ કી પ્રેસ કરતાં કેમેરા ‘ફ્રી મોડ’માં આવશે. આ મોડમાં તમે માઉસને ફેરવીને કેમેરાનો એંગલ તમે ઇચ્છો તે રીતે ગોઠવી શકો છો. ચાહો તો તમારા પ્લેનની બાજુએ રહીને તેને ઊડતું જુઓ અથવા પ્લેનની ઉપર બાજુએથી જુઓ!

અવનવી ફ્લાઇટ ટ્રાય કરો

જીઇએફએસ ફક્ત પ્લેન ઉડાડવા માટેની ગેમ નથી. અહીં તમે વિશ્વનાં જુદાં જુદાં એરપોર્ટ અને જગપ્રસિદ્ધ સ્થળોની જાતમુલાકાત લેવા જેવો અનુભવ કરી શકો છો, એ પણ અવનવી રીતે.

જેમ કે આગળ વાત કરી તેમ પ્રયાગના ત્રિવેણી સંગમનાં આકાશમાંથી દર્શન કરવાં હોય તો એરક્રાફ્ટ તરીકે પેરાગ્લાઇડર કે હોટ એર બલૂન પસંદ કરો અને લોકેશનમાં ‘રુદ્રપ્રયાગ, ઇન્ડિયા’ લખી ‘ગો’ ક્લિક કરતાં આપણે રુદ્રપ્રયાગના ત્રિવેણી સંગમની ઉપર આવી પહોંચીશું. પછી તો કેમેરાને બલૂન કે પેરા ગ્લાઇડરની ઉપર સેટ કરો અને જુઓ મજા!

એ રીતે, દરિયા- કિનારે ઊંચા ખડક પરથી પડતું મૂકીને ચોતરફ વિસ્તરતા સમુદ્રકિનારા પર ગ્લાઇડિંગની મજા માણવી હોય તો મોટું પ્લેન નહીં ચાલે, અહીં ગોટ એરચેર પસંદ કરી ટ્રાય કરી જુઓ. લોકેશનમાં સૌથી ઉપરના રીજ સોરિંગ/ ગ્લાયડિંગમાં આપેલાં લોકેશન્સ તપાસી જુઓ.

તમે કોઈ પણ સ્થળ પર ફ્લાઇંગ કરી રહ્યા હો ત્યારે ઓપ્શન્સ બારમાં મેપના બટન પર ક્લિક કરતાં સ્ક્રીન પર ડાબે ખૂણે ગૂગલ મેપ જોવા મળશે. તેમાં બરાબર કયા લોકેશન પર તમે ફ્લાઇંગ કરી રહ્યા છો તે જોઈ શકાશે. આપણે જે સમયે ફ્લાઇંગ કરી રહ્યા હોઈએ એ જ સમયે દુનિયા અલગ અલગ ખૂણેથી બીજા લોકો પણ આ સાઇટની મદદથી ફ્લાઇંગ કરી રહ્યા હોય એવું બની શકે છે. એ સૌનાં પ્લેન આ મેપ પર નાના સ્વરૂપે (અને મુખ્ય સ્ક્રીનમાં રીતસરના એરક્રાફ્ટ સ્વરુપે) જોઈ શકો છો.

બીજા લોકોની ભીડ હોય તેવી જગ્યાએ ફ્લાઇંગ કરવું હોય તો સાઇટના હોમ પેજ પર આપેલો મેપ તપાસો અને પછી બીજા પ્લેનની ભરમારવાળા વિસ્તારમાં તમે પણ તમારું પ્લેન લઈને પહોંચી જાવ. ઓપ્શન બારમાં આપેલો ‘ટોક’ ઓપ્શન ઇનેબલ કરીને તમે તમારી સાથે ફ્લાઇંગ કરતા બીજા લોકો સાથે ચેટ કરી શકો છો!

રન-વે પરથી ટેકઓફ કરો

અત્યાર સુધી, આપણે કોઈ પણ લોકેશન પસંદ કરીને એ સ્થળે આકાશમાં પ્લેન મેળવીને તેને કંટ્રોલ કરવાની વાત કરી, હવે માણીએ પ્લેનને રન-વે પરથી ટેક-ઓફ કરવાની મજા.

જીઇએફએસમાં આપણે વિશ્વનાં ૩૦,૦૦૦ જેટલાં એરપોર્ટ પરથી આપણા પ્લેનને ટેક-ઓફ કરી શકીએ છીએ.

ચાહો તો લોકેશનના ઓપ્શન્સમાં આપેલા એરપોર્ટ અને તેના રનવે તપાસો અથવા સાઇટના હોમપેજ પરના મેપ સાથે આપેલી ‘ફૂલ પેજ મેપ’ની લિંક પર ક્લિક કરો. એક નવી નવી ટેબમાં આખો નક્શો ખૂલશે જેમાં લીલાં અને બ્લૂ ટપકાંની ભરમાર દેખાશે. આ બધાં નાના-મોટા રન-વેવાળાં એરપોર્ટ છે.

ઇચ્છા પડે તો રાજકોટનું એરપોર્ટ પસંદ કરો અથવા એમ્સ્ટરડેમ કે લંડનનું હિથરો એરપોર્ટ પસંદ કરો. અહીં વળી, રનવે પરથી પ્લેન ટેક-ઓફ કરવાનો અથવા એરપોર્ટ પર ડાયરેક્ટ આકાશમાં ફ્લાઇંગ શરૂ કરવાના ઓપ્શન્સ હશે.

વિશ્વનું જાણીતું, મોટું એરપોર્ટ પસંદ કર્યું હશે તો એરપોર્ટના ગ્રાફિક્સ વધુ જીવંત લાગશે. અહીં તમારું પ્લેન ટેક-ઓફની તૈયારીમાં ઊભું હોય ત્યારે તેને ગતિ આપવા માટે, થ્રોટલ ઓન કરવા કી-બોર્ડ પર એક પછી એક ૧-૨-૩… વગેરે કી પ્રેસ કરતા જાવ. સ્ક્રીન પરનાં ડાયલ્સમાંના છેલ્લામાં કાંટો ફરતો દેખાશે અને પ્લેન ધીમી ગતિએ આગળ વધવા લાગશે. અહીં સુધી આપણે એરો કીઝ પ્રેસ કરવાની જરુર નથી. પ્લેન નિશ્ચિત ગતિ પકડતાં જ હવામાં ઊંચકાશે અને પછી આપણે એરો કીઝથી તેનો કંટ્રોલ સંભાળી લેવાનો છે.

બરાબર એ જ રીતે, આ લેખનું કામ તમને આ અનોખી સાઇટના રન-વે પર લાવી દેવાનું છે. અહીં આપેલા લખાણનું કામ તમારા મનના થ્રોટલને ઓન કરવાનું છે. વિચારો વેગ પકડે પછી તેને કંટ્રોલ કરવાનું અથવા કહો કે વિશ્વભરમાં મુક્ત મને વિહરવા કરવાનું કામ તમારું, ઓલ ધ બેસ્ટ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.