સોશિયલ મીડિયાની બેધારી તલવાર

પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા પછી ઇન્ટરનેટ પર ભારતવિરોધી તત્ત્વો સક્રિય થતાં, વધુ એક વાર ભારત સરકાર અને સોશિયલ મીડિયા વચ્ચેનો તણાવ સપાટી પર આવી ગયો. સવાલ એ છે કે ઇન્ટરનેટ પર અંકુશ શક્ય છે ખરો?

ગયા મહિને પૂર્વોત્તર ભારતમાં થયેલાં તોફાનોનો લાભ લેવા માટે ભારતવિરોધી તત્ત્વોએ સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્યું. ભારત પર ત્રાટકેલી કુદરતી આફતો સમયની તસવીરો અને વીડિયો ફૂટેજને આસામનાં તોફાનોના ફોટોઝ સાથે મિક્સ કરવામાં આવ્યાં અને ગૂગલ પ્લસ, ફેસબુક, ટ્વીટર, સંખ્યાબંધ બ્લોગ્સ અને ફોટોવીડિયો અપલોડિંગ સાઇટ્સ વગેરે પર આ બધું એક સાથે દેખાવા લાગ્યું. આસામમાં તોફાનોને કારણે, ભારતના બીજા ભાગોમાં રહેતા પૂર્વોત્તર ભારતના લોકો આમ પણ ચિંતાગ્રસ્ત હતા. એમની ચિંતામાં ઉમેરો થયો અને જુદાં જુદાં શહેરોમાં તેમણે અસલામતીના ભયે ઉચાળા ભરવાના શરુ કર્યા.

આ સાથે ફરી એક વાર ભારત સરકાર અને ગૂગલ, ફેસબુક, ટિવટર જેવી કંપનીઓ વચ્ચે તણાવ સર્જાઈ ગયો. સરકારે અગાઉ કંપનીઓના સોશિયલ મીડિયા નેટવર્ક્સ પર અંકુશો લાવવાના પ્રયાસો કર્યું હોવાથી આ વખતે તેમની પાસે ધાર્યું કરાવવામાં ભારત સરકારને તકલીફ થઈ. ભારત સરકાર થોડા વિલંબ પછી ૨૪૫ જેટલી સાઇટ્સ કે બ્લોગ્સ અને ૮૦થી વધુ ઇન્ટરનેટ પેજીસ અને ફેસબુક એકાઉન્ટ્સને બ્લોક કરી શકી. ફેસબુકે સ્થિતિની ગંભીરતા સમજીને ભારત સરકારને સમયસર સહયોગ આપ્યો, પણ ટ્વીટર તરફથી મદદ માટે એવી ખાસ ઉતાવળ બતાવવામાં આવી નહીં. ઇન્ટરનેટ પર ઠલવાયેલા હેટ ટેરરનાં મૂળ પાકિસ્તાનમાં હોવાનો ઘટસ્ફોટ થયો અને રાબેતા મુજબ ભારત સરકારે પાકિસ્તાન સામે ‘ઉગ્ર વિરોધ’ નોંધાવીને ‘પુરાવાઓ રજુ કરવાની તૈયારી’ બતાવી. ફરી રાબેતા મુજબ, પાકિસ્તાને આ બધા આક્ષેપોને ફગાવી દીધા.

આ બધા હોબાળા વચ્ચે, ટ્વીટર જેવા માધ્યમમાં ભારતના બુદ્ધિજીવીઓએ સરકાર તેમના અભિવ્યક્તિના સ્વાતંત્રય પર તરાપ મારી રહી હોવાના આક્ષેપો શરુ‚ કરી દીધા છે અને ફરી રાબેતા મુજબ, તેના વિરોધ અને તરફેણમાં દલીલો શરૂ થઈ ગઈ છે.

એક અગત્યનો મુદ્દો સમજવા જેવો એ છે કે ભારત સરકારે ભારતમાંની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ કંપનીઓની મદદથી હેટ કન્ટેન્ટ ધરાવતી સાઇટ્સ બ્લોક કરી છે, એટલે કે ભારતમાં તે દેખાવાની બંધ થઈ છે, પરંતુ એ કન્ટેન્ટ ઇન્ટરનેટ પર તો છે જ, જાણકારો ચીલા ચાતરીને આ કન્ટેન્ટ સુધી પહોંચી શકે છે અને કન્ટેન્ટ અપલોડ કરનારા પણ બીજી સાઇટ્સ, સર્વર્સનો ઉપયોગ કરી શકે છે. ભારત સરકારની ચિંતા અને સક્રિયતા આ વખતે સાચી છે, પણ અધકચરા પ્રયાસો અને સોશિયલ મીડિયા સામેનો તેનો ભૂતકાળ નડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here