ચિત્રકથાની રોમાંચક સર્જનયાત્રા

તમને કોમિક્સ એટલે કે ચિત્રવાર્તાઓ વાંચવાનો શોખ હોય કે ન હોય, તમે અમર ચિત્રકથાનું નામ તો અચૂક સાંભળ્યું જ હશે. ભારતનાં બાળકોને અત્યંત રસપ્રદ રીતે ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવનારા અનંત પાઈ તો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સ્વર્ગવાસી થયા, પણ એમની ચિત્રકથાઓનો અમૂલ્ય વારસો પોતાની પાછળ છોડતા ગયા.

અમર ચિત્રકથાનું વિચારબીજ કેવી રીતે રોપાયું એ પણ જાણવા જેવું છે. ૧૯૬૭માં દૂરદર્શન પર બાળકો માટેની એક સ્પર્ધા યોજાઈ હતી, એમાં એક પ્રશ્ન હતો ‘રામની માતાનું નામ શું?’ બાળકો એ સવાલનો જવાબ આપી ન શક્યાં. એ જ બાળકો ગ્રીસની પુરાણકથાઓના સવાલોના ફટાફટ જવાબ આપતાં હતાં (આજે જેમ બાળકો અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામાને ઓળખે છે, પણ ભારતનાં રાષ્ટ્રપ્રમુખ કોણ એમ પૂછો તો માથું ખંજવાળે છે). ટીવી પર એ સ્પર્ધા જોનારા અનેક લોકો હશે, પણ એમાંથી એક – ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના બુક ડિવિઝનમાં કામ કરતા અનંત પાઈને આ આખી વાત ખટકી – ભારતના સૌથી લોકપ્રિય ગ્રંથ રામાયણ વિશેની આવી સાદી વાત પણ બાળકોને ખબર નથી? ભારતીય સંસ્કૃતિ વિશે વિગતવાર નહીં તો સામાન્ય ખ્યાલ તો હોવો જોઈએને?

અનંત પાઇએ મૂળ તો કેમિકલ ટેક્નોલોજીમાં ઉચ્ચ પદવી મેળવી હતી, પણ એમનો જીવ બાળકો માટે મેગેઝિન શરુ‚ કરવામાં હતો. ૧૯૫૪માં એ દિશામાં એક પ્રયાસનું બાળમરણ થયા પછી એ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં જોડાયા હતા.

દૂરદર્શનની સ્પર્ધાએ એમની જૂની ઇચ્છાને ફરી જાગ્રત કરી. એમણે ઇન્ડિયા બુક હાઉસનો સંપર્ક સાધ્યો. બાળકોને ચિત્રવાર્તાના માધ્યમથી આપણા સાંસ્કૃતિક-ઐતિહાસિક મૂળ સાથે જોડવાનો એક પ્રોજેક્ટ રજૂ કર્યો. તેના પહેલા કદમ તરીકે, રાષ્ટ્રીય એક્તા માટે પ્રેરણારૂપ એક વાર્તા એ તે ચિત્રવાર્તા સ્વરુપે પ્રગટ થઈ. અને પુસ્તિકા ૨૦ ભાષામાં પ્રગટ થઈ અને તેની કુલ નવ કરોડ નકલો વેચાઈ!

પછી તો અનંત પાઈએ ભારતીય પુરાણકથાઓ, પૌરાણિક પાત્રો, ઐતિહાસિક ઘટનાઓ, સ્થળો વગેરે વિશે ઊંડાં સંશોધનોના આધારે, રસાળ શૈલીમાં વાર્તાઓ લખી, પોતે માર્ગદર્શન આપીને બીજાઓ પાસે લખાવી, ઉત્તમ કલાકારનો સાથ લઈને ચિત્રવાર્તાઓ તૈયાર કરી અને અમર ચિત્રકથાની વિરાટ યાત્રા શરુ થઈ. તેમણે બાળકો માટે બીજું ઘણું સાહિત્ય પણ તૈયાર કર્યુ, પણ અમર ચિત્રકથાઓ તેમાં શિરમોર રહી.

આ આખી વાત અત્યારે યાદ કરવાનું કારણ એ કે અમર ચિત્રકથા મીડિયાએ યુટ્યૂબ પર એક મજાનો વીડિયો મૂક્યો છે, જેમાં એક અમર ચિત્રકથા કેવી રીતે તૈયાર થાય છે એની આખી મજા પડે એ રીતે સમજાવી છે.

અમર ચિત્રકથાની ઓફિસમાં દિવસની શરૂઆત થાય, એક પછી એક કર્મચારીઓ આવીને કામે લાગે, સૌની મિટિંગ થાય અને કયા નવા વિષય પર ચિત્રકથા બનાવવી તેની ચર્ચાથી વાતની શરૂઆત થાય. એક વિષય પસંદ થાય તે પછી, ચિત્રકથા લખવાની જવાબદારી જેના માથે હોય એ એ વિષયને સંબંધિત માહિતી એકઠી કરવાની શરૂઆત કરે. જે તે સ્થળની મુલાકાત લે. પુસ્તકાલયોમાં પુસ્તકો ફંફોસે, નોટ્સ એકઠી કરે અને છેવટે તેમાંથી સાર તારવીને, બાળકોને રસ પડે એ રીતે એક વાર્તાને જન્મ આપે.

અંતિમ સ્વરૂપ ચિત્રકથાનું છે એટલે એ પ્રમાણે, એક પછી એક ચિત્ર કેવું હોવું જોઈએ એની કલ્પનાના સથવારે એક રૂપરેખા તૈયાર થાય, વળી લોકો ભેગા મળીને તેના પર ચર્ચા કરે, નવેસરથી માળખું તૈયાર થાય, આખી સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ તૈયાર થાય એ એડિટર નકારી કાઢે. વળી મહેનત થાય, નવો ડ્રાફ્ટ તૈયાર થાય, વળી એડિટર માથું ધૂણાવે. આવા આઠ-નવ ડ્રાફ્ટને અંતે એડિટરને સંતોષ થાય એટલે ચિત્રકારોની કસરત શરૂ થાય. એ જુદાં જુદાં પાત્રોને જુદાં જુદાં માહોલ, સ્વરૂપમાં રજૂ કરવા માટે ઓફિસના સહકર્મચારીઓને જ મોડેલ તરીકે ઉપયોગમાં લે. જેવું લખાણમાં થયું એમ જ ચિત્રોમાં ના…ના…ના… ને છેવટે હાનો દોર ચાલે, સૌને કંઈક સરસ સર્જન કયર્નિો સંતોષ થાય તે પછી ચિત્રકથા ફાઇનલ થાય અને અમર બનવા તરફ આગળ વધે.!

આ આખી પ્રક્રિયા વીડિયોમાં સરસ રીતે રજૂ કરવામાં આવી છે. એક ચિત્રકથા વાંચ્યા જેવી જ મજા પડશે. ખાસ તો, કોઈ પણ સર્જન કેવું ટીમવર્ક અને કેટલી મહેનત માગે છે એ સમજાશે – જરૂર જોજો!

(માહિતી આધાર : ‘વિશ્વવિહાર’માં શ્રી રજની વ્યાસ લિખિત લેખ અને શ્રી અમિત અગ્રવાલનો બ્લોગ http://www.labnol.org)

જાણો વધુ માહિતી

વધુ માહિતી માટે માઉસને આપો પાંખો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here