ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

યાહૂ! અરે, આહ!

હજી ત્રણચાર વર્ષ પહેલાં  તમે નોંધ્યું હોય તો  એવી સ્થિતિ હતી કે ઇન્ટરનેટની વાત નીકળતાં એક નામ અચૂક સંભળાતું  યાહૂ.કોમ! તમે નવું નવું કમ્પ્યુટર કે નેટ કનેક્શન લીધું હોય કે નેટ કનેક્શનમાં કંઈક ગરબડ હોય અને કમ્પ્યુટર એન્જિનીયર તમારે ત્યાં આવીને જરૂરી કામકાજ પતાવીને બધું ઠીકઠાક થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરીને એડ્રેસ બારમાં આંખો મીંચીને કઈ સાઈટનું એડ્રેસ લખતા? યાહૂ.કોમ! વાત નાની છે, પણ લોકોના દિમાગ પર કઈ વેબસાઇટ રાજ કરે છે એની એ સૌથી બોલકી સાબિતી છે.

હજી આજે પણ કોઈને ઈમેઇલનું એડ્રેસ પૂછો તો જવાબમાં ‘એટ ધ રેટ’ પછી મોટા ભાગે યાહૂ.કોમ જ સાંભળવા મળે (એક આડ વાત  આ @નિશાની નાણાંના સંદર્ભમાં હોય ત્યારે ‘એટ ધ રેટ’ બોલાય, પણ સાયબરજગતના સંદર્ભમાં તો એ ફક્ત સરનામું દર્શાવે છે, માત્ર ‘એટ’ પૂરતું છે!)

આવી જોરદાર પકડ ધરાવતી, ઇન્ટરનેટની કદાચ સૌથી પહેલી કંપની જે એક બ્રાન્ડ તરીકે વિકસી, એ યાહૂના હમણાં માઠા દિવસો ચાલી રહ્યા છે. હમણાં આવેલા સમાચાર મુજબ, કંપનીના નવા સીઈઓએ યાહૂને પોતાની પ્લાનિંગ મુજબ ફરી બેઠી કરવા માટે (બીજા શબ્દોમાં, ખર્ચ ઓછા કરવા માટે) યાહૂના દુનિયાભરમાં પથરાયેલા કુલ ૧૪ હજાર કર્મચારીઓમાં બે હજારને છૂટા કરી દેવાનો નિર્ણય કર્યો છે. એ સાથે યાહૂ મુશ્કેલીમાં હોવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.

એવું તે શું થયું કે આજે ગૂગલ કે ફેસબુક જે સ્થાને છે ત્યાં પહોંચવાની ક્ષમતા હોવા છતાં યાહૂ અત્યારે સાવ ડગમગી ગયેલી કંપની બની ગઈ?

ગૂગલ કે ફેસબુકની જેમ યાહૂની શરૂઆત પણ સ્ટુડન્ટની હોબી સ્વરૂપે થઈ હતી. સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરતા બે વિદ્યાર્થીઓએ તેમને ઉપયોગી અને કામની વેબસાઇટ્સની યાદી બનાવવાની શરૂઆત કરતી. યાદી લંબાતી જ ગઈ, એટલે એમણે એને જુદી જુદી કેટેગરીમાં વહેંચવાની શરૂઆત કરી, પછી સબકેટેગરીઝ બનાવતા ગયા... સાઇટ શરૂઆતમાં ‘જેરી એન્ડ ડેવિડ્સ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ’ તરીકે ઓળખાતી હતી. યાહૂની સાઇટ પર યાહૂનો ઇતિહાસ દર્શાવતા પેજ પર લખ્યું છે કે યાહૂ નામ મૂળ તો ‘યટ અનધર હાઇરાર્કિકલ ઓફિશિયલ ઓરેકલ’નું ટૂંકનામ હતું, પણ તેના સ્થાપક ડેવિડ ફિલો અને જેરી યેંગનું કહેવું છે કે ‘રુડ અને અનસોફિસ્ટિકેટેડ’ અભિગમ બતાવે એવું યાહૂ નામ તેમણે પસંદ કર્યંુ.

તેમણે તૈયાર કરેલી વેબસાઇટ્સની યાદી જોવા માટે બીજા લોકો પણ હજારોની સંખ્યામાં તેમની સાઇટ પર આવવા લાગ્યા, અને ત્યારે બંનેને ટ્યુબલાઇટ થઈ કે આ તો મોટો બિઝનેસ બની શકે તેમ છે! એ પછી યાહૂ રીતસર વેબદુનિયામાં છવાઈ ગઈ, કંપનીએ અનેક સર્વિસીઝ શરૂ કરી. ૨૦૦૨માં ગૂગલના શરૂઆતના સમયમાં યાહૂએ તેને ખરીદી લેવાની પણ કોશિશ કરી હતી.

યાહૂની અત્યાર સુધીની સફર તપાસીએ તો સમજાય છે કે યાહૂનું મેનેજમેન્ટ યાહૂનું ચોક્કસ પોઝિશનિંગ કરવામાં નિષ્ફળ રહ્યું. કંપની શરૂઆતમાં સોફ્ટવેર કંપની હતી, પણ તેને મીડિયા કંપની તરીકે રજુ કરવામાં આવી અને યાહૂએ પોતે ન્યૂઝ, મેપ્સ, ફાઇનાન્સ, ગેમ્સ, સ્પોટર્સ વગેરે વગેરે સેક્ટરમાં કન્ટેન્ટ પેદા કરવા પર ધ્યાન આપ્યું. બીજી તરફ ગૂગલ કે ફેસબુક જેવી સર્વિસને માત્ર એક પ્લેટફોર્મ તરીકે પોઝિશન કરવામાં આવી, જે વેબજગતના અલગ અલગ રીસોર્ઝિસને એકત્ર કરીને રજુ કરવાનું કામ કરે. વેબજગતમાં આ ટ્રેન્ડ વધુ ચાલતો જોઈને યાહૂએ પણ એ દિશામાં દોડવાની શરૂઆત કરી, પણ ત્યારે મોડું થઈ ગયું હતું.

થોડો સમય ગૂગલ સહિતની અલગ અલગ કંપનીની સર્ચ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા પછી તેણે પોતાની સર્ચ ટેક્નોલોજી વિક્સાવી, પછી વળી માઇક્રોસોફ્ટ સાથે હાથ મિલાવ્યા. સોશિયલ નેટવર્ક ઊભું કરવાના જાતે અખતરા નિષ્ફળ રહ્યા પછી કંપનીએ ફેસબુક સાથે જોડાણ કર્યંુ. આ દરમિયાન તેની હરીફ કંપનીઓ સર્ચ, વિડિયોશેરિંગ, ન્યૂઝ, ફોટોશેરિંગ, શોપિંગ વગેરે ક્ષેત્રમાં એક પછી એક નવાં પ્લેટફોર્મ ઊભાં કરતી ગઈ અને યાહૂની સ્થિતિ વધુને વધુ બગડતી ચાલી. પરિણામે કંપનીએ તેની અલગ અલગ સર્વિસીઝ કાં તો વેચવા કાઢી કે બંધ કરી.

યાહૂ હજી પણ જાયન્ટ છે, દર મહિને ૭૦ કરોડ લોકો યાહૂની વિઝિટ કરે છે, મેઇલ સર્વિસમાં પણ તે હોટમેઇલ અને જીમેઇલ સાથે ટોપ થ્રીમાં છે, પણ તેની ગતિ ઉપર તરફ હોવાને બદલે નીચેની તરફ થઈ રહી છે.

 

 

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

અરાઉન્ડ ધ વેબમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com