ઇન્ટરનેટ અને મોબાઇલ એકમેકની એટલા નજીક આવી ગયા છે કે સાયબરસફરને મોબાઇલ સુધી વિસ્તાર્યા વિના છૂટકો નથી! તકલીફ એક જ છે કે ઇન્ટરનેટ અંતે તો સૌને માટે સમાન છે, જ્યારે મોબાઇલમાં તો જેટલી કંપની એટલી અલગ અલગ વાતોનો માહોલ છે. એ ન્યાયે આજનો લેખ એન્ડ્રોઇડ બેઝ્ડ સ્માર્ટફોન ધરાવતા લોકોને વધુ ઉપયોગી થશે, પણ...
અચ્છા, આટલું વાંચીને ‘આ એન્ડ્રોઇડ છે શું?’ એવી ક્યારની દુ:ખતી નસ દબાઈ ગઈ? તો જાણી લો કે જેમ કમ્પ્યૂટરમાં વિન્ડોઝ, લિનક્સ વગેરે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એમ મોબાઇલમાં પણ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે. આ એન્ડ્રોઇડ વાસ્તવમાં લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે, જે સ્માર્ટફોન (જેમાં તમે વાતચીત ઉપરાંત ઇન્ટરનેટ એક્સેસ કરીને ઘણું બધું કરી શકો) અને ટેબલેટમાં પણ વપરાય છે.
મૂળ એન્ડ્રોઇડ નામની કંપનીએ આ સોફ્ટવેર વિક્સાવ્યું અને 2005માં ગૂગલે એ કંપની ખરીદી લીધી. ત્યાર પછી મોબાઇલ સાધનો માટે ઓપન સ્ટાન્ડર્ડ્સ વિક્સાવતી 86જેટલી હાર્ડવેર, સોફ્ટવેર અને ટેલિકોમ કંપનીઓએ સાથે મળીને ઓપન હેન્ડસેટ એલાયન્સ રચ્યું, જેની આગેવાની ગૂગલે લીધી. આ એલાયન્સ એન્ડ્રોઇડનાં જુદાં જુદાં વર્ઝન વિક્સાવે છે. સાદા શબ્દોમાં એમ કહેવાય કે ગૂગલ એન્ડ્રોઇડના કોડ્સ જાહેર કરે છે અને સંખ્યાબંધ કંપનીઓ તેને આધાર બનાવીને એન્ડ્રોઇડ ધરાવતાં મોબાઇલ સાધનોમાં ઉપયોગી થાય એવાં ટચૂકડાં સોફ્ટવેર બનાવે છે, જેને આપણે એપ્સ કહીએ છીએ.
તમારી પાસે એન્ડ્રોઇડ બેઝ્ડ સ્માર્ટફોન હોય તો તમારા ફોનથી એન્ડ્રોઇડ માર્કેટ તરીકે અત્યાર સુધી ઓળખાતા ઓનલાઇન સ્ટોરમાં જઈને તમને ઉપયોગી લાગે તેવી જાતભાતની એપ્લિકેશન્સ (એપ્સ!) ફ્રીમાં કે નાણાં ચૂકવીને ડાઉનલોડ કરી શકો છો. આ લખાય છે ત્યાં સુધીમાં એન્ડ્રોઇડ પર સાડા ચાર લાખ એપ્સ હોવાનો અંદાજ છે અને ડિસેમ્બર 2011સુધીમાં 10અબજ એપ્સ ડાઉનલોડ થઈ ચૂકી છે.
આવી જબરજસ્ત લોકપ્રિય એન્ડ્રોઇડ માર્કેટ હમણાં અચાનક બંધ થઈ ગઈ! ‘‘હેં, હોય નહીં!’’ એવો ઉદગાર સરી પડ્યો હોય તો તમે સાચા છો, વાસ્તવમાં તેનું ફક્ત નામ બદલાયું છે - હવે તે ઓળખાય છે ગૂગલ પ્લે તરીકે!
ગૂગલે એન્ડ્રોઇડ સર્વિસમાં મૂવી રેન્ટલ, બુક્સ, મ્યુઝિક સર્વિસ (આ બધું હજી યુએસ, યુકે, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં) જેવી નવી નવી સવલતો ઉમેરી પછી તેને લાગ્યું કે વાત હવે ફક્ત એન્ડ્રોઇડ અને ફોન પૂરતી સીમિત નથી એટલે નવા અને ઘણી બધી વાતોને લાગુ કરી શકાય એવા ગૂગલ પ્લે નામ પર કળશ ઢોળાયો.
જે લોકો એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી એન્ડ્રોઇડ માર્કેટ એક્સેસ કરતા હતા એમના માટે ગૂગલ પ્લેમાં લગભગ કોઈ જ નવી વાત નથી - લોગો બદલાયો છે. જોકે ગૂગલ કહે છે કે આ નવી સિસ્ટમથી તમારું ફેવરિટ મ્યુઝિક, બુક્સ, મૂવીઝ, એપ્સ અને ગેમ્સ વગેરે બધું જ એક જગ્યાએ રહેશે, જેને તમે વેબ પર કે એન્ડ્રોઇડ ડિવાઇસ પર એક્સેસ કરી શકશો. મતલબ કે તમે તમારા ફોનનો ઉપયોગ કરીને કોઈ પુસ્તક ખરીદી શકો અને પછી ચાહો તો વેબ બેઝ્ડ પ્લે સ્ટોર પર તેને વાંચી શકો - કોઈ વધારાનો ખર્ચ કર્યા વિના. હવે બધું જ ક્લાઉડબેઝ્ડ છે, જે ટચવગું કે ક્લિકવગું રહેશે.
ટૂંકમાં જેમ ગૂગલે તેની વેબબેઝ્ડ સર્વિસને એકમેક સાથે સાંકળી તેમ હવે મોબાઇલ, ટેબલેટ વગેરે જેવાં હેન્ડહેલ્ડ ડિવાઇસીઝ પર ઉપબલ્ધ અને વેબબેઝ્ડ સર્વિસીઝને પણ હવે એક પ્લેટફોર્મ પર લાવી દીધી છે. વાસ્તવમાં એપલના આઇટ્યૂન્સ સ્ટોરે જે રીતે લોકોના દિલોદિમાગ સર કર્યાં છે એ રીતે, મોબાઇલ માર્કેટમાં એન્ડ્રોઇડની ધાક હોવા છતાં ગૂગલની એક આઇડેન્ટિટી ક્રિએટ થઈ નથી. એન્ડ્રોઇડ એટલે માત્ર ફ્રી એપ્સ નહીં, પણ બીજું ઘણું બધું એવી છાપ ગૂગલ ઊભી કરવા માગે છે અને એટલે ગૂગલ પ્લેની રમત કરવામાં આવી છે.
પણ તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ન હોય તો? નો પ્રોબ્લેમ, તમે https://play.google.comપર જઈને દુનિયા કેવી બદલાઈ રહી છે એ તો જાણી જ શકો છો!
| Comments |
|
|
||||||||






