ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝઆપણને આવી શાળા મળી હોત તો?

આપણને આવી શાળા મળી હોત તો?

‘‘આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત ‘‘શિક્ષિત’’ બને તેવું કે તે ‘‘સમાજ ઉપયોગી’’ પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ...’’

શહેરોમાં આપણે આપણાં બાળકોને આવતી કાલનાં ‘સ્માર્ટ એન્ડ સક્સેસફૂલ’ નાગરિક બનાવવાનાં સ્વૅો સાથે ઇંગ્લિશ મીડિયમની મોંઘીદાટ શાળાઓમાં મોકલીએ ત્યારે, ઉપર લખ્યો છે એવો સવાલ શાળા તરફથી પૂછાવાની અપેક્ષા આપણે રાખી શકીએ? મોટા ભાગે જવાબ ના હશે. હજી આગળ વાંચો...

‘‘બાળકને એકમ સમજાવવા પાછળ આપણે જેટલી મહા-મહેનત કરીએ છીએ તેટલી જો આપણે બાળકને સમજવા પાછળ કરીશું તો આપણે બાળકોને શિક્ષણના એકમો સમજાવવા પાછળ વધારે મહેનતની જરૂર નહીં પડે, તેવું અમારા અનુભવોથી માનવું છે...’’, ‘‘આ બ્લોગ દ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવત્તિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે...’’

અહીં સુધી તમે ઇન્વર્ટેડ કોમામાં જે કંઈ વાચ્યું તેે ગુજરાતની કોઈ શાળાના બ્લોગ પરનું લખાણ છે એ તમે માની શકો? હજી બીજી આંચકો ખાવા તૈયાર રહો - આ શાળા ગુજરાતના સૌથી પછાત ગણાતા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલી છે! બ્લોગ પર જેની ઓળખાણ ‘મસ્તી કી પાઠશાલા’ તરીકે આપવામાં આવી છે અને બ્લોગના શીર્ષકમાં લખ્યા મુજબ ‘તારે ઝમીં પર’ના સૂત્ર ‘દરેક બાળક સ્પેશિયલ હોય છે’ને સાર્થક કરતી આ શાળા -  નવાનદીસર પ્રાથમિક શાળાનો બ્લોગ આવા તો અનેક સુખદ આંચકા આપે છે.

બ્લોગના પરિચયમાં જ લખેલું છે કે ‘‘આપ અત્યારે અમારા મુલાકાતી જ નહીં, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઈ બાળકના વાલી પણ હશો જ...’ બ્લોગમાં તમે જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ સમજાશે કે આ કોઈક અસામાન્ય શાળા છે.

ગુજરાત સરકારે રાજ્યની નાની નાની પ્રાથમિક શાળાઓ સુધી મફતમાં કોમ્પ્યુટર્સ પહોંચાડી દીધાં છે એટલે ગુજરાતી શાળાઓને કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ સાથે ઓળખાણ તો થઈ ગઈ છે, શાળાની વેબસાઇટ કે બ્લોગ હોય એ પણ કંઈ બહુ નવાઈની વાત નથી, પણ કોઈ શાળા કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આટલો સરસ ઉપયોગ કરી જાણે એ ચોક્કસ નવાઈની વાત છે. શિક્ષકોને પોતાના વ્યવસાયનું અગાઉ જે ગૌરવ હતું અને શિક્ષણમાં શિક્ષકોને જે ઊંડો રસ હતો એ બધું, વિવિધ અને દેખીતાં કારણોસર હવે ભૂતકાળની વાત બની ગયું છે ત્યારે બિલકુલ છેવાડાના, પૂરની આફત પછી નવા વસેલા અને માંડમાંડ પગભર થવા મથતા ગામની કોઈ શાળામાં એવો શિક્ષક પાકે જેને પોતાને મળતા પગાર કરતાં બાળકોના શિક્ષણમાં જ ખરેખરો રસ હોય, તો એ પણ ચોક્કસ નવાઈની વાત છે.

બ્લોગ પર મુકાયેલી વિવિધ પોસ્ટ કે નાના નાના વિભાગો પર આછેરી નજર ફેરવીએ તોય મનમાં એવો છાનો અફસોસ જાગે કે આપણને આવી શાળા મળી હોત તો? એક નાનું ઉદાહરણ : આપણે સૌ વર્ગમાં પાટલી પર બેસીને સાયમન કમિશનને પરત મોકલવા માટે ચલાવાયેલા આંદોલન વિશે ‘ભણી’ ગયા છીએ. આ શાળાએ શાળાનાં બાળકોને તેનો રોલ પ્લે કરાવ્યો, બ્લોગ પર તેની તસવીર મૂકાઈ અને સાથે કેપ્શન મુકાયું કે ‘‘ઇતિહાસ શિક્ષણ... આ રીતે પણ... તે વખતે ખરેખર તેમણે શું અનુભવ્યું હશે...?? જરા અનુભવી લઈએ!’’ બાળકોને જરૂરી ચીજવસ્તુની ખરીદી માટે શાળામાં એક ગાંધીહાટ શરૂ કરવામાં આવી છે, જેનો પારદર્શક હિસાબ વારાફરતી જુદાં જુદાં બાળકો સંભાળે છે. રોજેરોજ જે સૌથી સ્વચ્છ બાળક હોય તેને ‘આજના ગુલાબ’નો ખિતાબ અપાય છે. શાળાના એક ખૂણે ‘ખોયા-પાયા’ લખેલું એક ખોખું છે, જેને કંઇ નધણિયાતું મળે તે અહીં મૂકી જાય, જેનું ખોવાયું હોય તે મેળવી લે! શાળાએ શિક્ષણને બાળકો અને વર્ગખંડથી આગળ પણ વિસ્તાર્યું છે. શાળાની કમ્પાઉન્ડ વોલ પર કક્કાના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને ગામલોકોને મજેદાર રીતે સ્વચ્છતાનો પાઠ શીખવતાં સૂત્રો પેઇન્ટ કરાવ્યાં છે.

શિક્ષણનો સાચો મર્મ પકડીને ચાલતી આ શાળાની આ બધી વિવિધ પ્રવૃત્તિઓ તેના બ્લોગથી આખું ગુજરાત જાણી શકે છે. શાળાએ 2010થી બાયોસ્કોપ નામે પોતાનો ઇ-ન્યૂઝલેટર પણ તૈયાર કર્યો છે. શાળાનો બ્લોગ અહીં http://nvndsr.blogspot.comમાણી શકશો. https://www.facebook.com/navanadisar પર શાળાના મિત્ર બની શકશો. આખા બ્લોગમાં ક્યાંય કોઈનું નામ નથી, એ ફક્ત તમારી જાણ માટે અને હવે છેલ્લો આંચકો - આ શાળામાં એકેય કોમ્પ્યુટર નથી!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Ramesh G. Shah  - Inquiry about your magazine cybersafar     |2012-10-05 06:02:45
આ મેગેઝીન મુંબઇમાં કયાં મળી શકશે?

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com