આવું આપણા બધા સાથે ઘણી વાર બનતું હોય છે - રૂપિયા ઉપાડવા માટે બેન્કના એટીએમમાં ઘૂસીએ ને ખિસ્સામાં હાથ નાખીએ ત્યારે ખ્યાલ આવે કે પર્સ તો ઘરે ભૂલાઈ ગયું છે. પર્સ હોય તો અંદર કાર્ડ ન હોય! નિરાશ થઈને બહાર નીકળીએ ત્યારે બીજો ઝાટકો લાગે - કારની ચાવી અંદર રહી ગઈ હોય અને આપણે કાર લોક કરી દીધી હોય!
જે વસ્તુ જ્યારે જરૂર હોય ત્યારે ત્યાં હાજર ન હોય ત્યારે આવી બધી ગરબડ ઊભી થાય. વાસ્તવિક જિંદગીમાં એવું ન થઈ શકે કે એટીએમ કાર્ડ આપણા ઘરના કબાટમાં પડ્યું હોય અને આપણે એટીએમમાં એને શોધીએ ત્યારે ‘સીમ સીમ આવી જા’ એવું કંઈક બોલતાં એ આપણા વોલેટમાં હાજર થઈ જાય. વાસ્તવિક જગતમાં યાદશક્તિ સુધાર્યા વિના છૂટકો નથી, પણ, થેંક્સ ટુ ઇન્ટરનેટ, સોફ્ટ ફાઇલ્સની બાબતમાં એવું શક્ય છે.
તમારી ઓફિસમાં અને ઘરમાં બંને જગ્યાએ પીસી હોય અને વત્તા છોગામાં એક લેપટોપ પણ હોય, તો ત્રણે કોમ્પ્યુટરમાં રહેલી ફાઇલ્સની તમને ધાર્યું ન હોય એવી જગ્યાએ જરૂર પડી શકે છે. ધારો કે તમે ઓફિસના પીસીમાં મનગમતાં ગીતો ડાઉનલોડ કર્યાં હોય (ઓફિસના પીસીનો આવો ઉપયોગ પણ થતો હોય છે!) અને ઘરના પીસીમાં ઓફિસનું કંઈક કામ કરતા હો (પછી તો ઘરે કામ કરવું જ પડેને!) ત્યારે કોઈ ચોક્કસ ગીત સાંભળવાની ચાનક ચઢી આવે તો?
મજાક બાજુએ રાખીએ, પણ હવે આપણે સૌ વિવિધ જગ્યાનાં પીસી, લેપટોપ, મોબાઇલ વગેરે જુદાં જુદાં સાધનો પર કામ કરવા લાગ્યા છીએ એટલે આ બધાં સાધનોમાંની ફાઇલ્સ, અગત્યનાં ડોક્યુમેન્ટ્સ વગેરે એકમેક સાથે સિન્ક્ડ રહે એ આજના સમયની અનિવાર્યતા બની ગઈ છે.
ઘણા લોકો પોતાનાં પાનકાર્ડ, વોટરઆઇડી કાર્ડ વગેરે અગત્યનાં ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને પોતાના ઇમેઇલ એકાઉન્ટની મદદથી પોતાને જ મેઇલ કરી લેતા હોય છે. પછી તમે બહારગામ હો અને ત્યાં આવા ડોક્યુમેન્ટની જરૂર ઊભી થાય તો ફટ દઈને મેઇલ એક્સેસ કરી પ્રિન્ટ કાઢી શકો!
આવો ટૂંકો રસ્તો તો છે જ, પણ બધા પ્રકારની ફાઇલને તમારાં તમામ જુદાં જુદાં સાધનો વત્તા ઇન્ટરનેટ પર ક્લાઉડમાં સેવ કરી રાખવી હોય અને ખાસ તો સિંક્ડ રાખવી હોય (એટલે કે એકમાં ફેરફાર કરો એ બધામાં થઈ જાય) તો એક કામગરો ઉપાય છે ડ્રોપબોક્સ (http://www.dropbox.com/) નામની એક સર્વિસનો લાભ લેવાનો.
તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે ડ્રોપબોક્સની સાઇટ પર જવાનું, તમારું એકાઉન્ટ ખોલાવવાનું (ફ્રી એકાઉન્ટમાં 2જીબી સ્પેસ મળશે) અને તમારા પીસી માટે એક સોફ્ટવેર (14.3એમબી) ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનું. આ રીતે તમારા પીસીમાં, તમે કહેશો ત્યાં ડ્રોપબોક્સનું એક ફોલ્ડર બનશે. તમારે જે ફાઇલ ગમે ત્યાંથી એક્સેસ કરવી હોય એ આ ફોલ્ડરમાં મૂકવાની. હવે તમારી પાસે ડ્રોપબોક્સનાં બે ફોલ્ડર થયાં - એક તમારા પીસીમાં અને બીજું ઇન્ટરનેટ પર ડ્રોપબોક્સની સાઇટ પર તમારા એકાઉન્ટમાં. તમે પીસીમાં જે ફાઇલ મૂકશો તે નેટ પરના એકાઉન્ટમાં આપોઆપ અપલોડ થશે અને સિંન્ક્ડ રહેશે. આ સર્વિસ અમુક મોબાઇલમાં પણ ચાલશે.
હવે જેમ ઘરના પીસીમાં ડ્રોપબોક્સનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને ડ્રોપબોક્સનું ફોલ્ડર બનાવ્યું એ જ રીતે લેપટોપ અને ઓફિસના પીસીમાં પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને ડ્રોપબોક્સનું ફોલ્ડર બનાવી લેવાનું. ત્રણેય સાધનમાં તમારા ડ્રોપબોક્સની સાઇટ પરના એકાઉન્ટનો જ ઉપયોગ કરવાનો.
આટલું થયું એટલે તમારી બધી ફાઇલ તમારાં બધાં સાધનોમાં એક સાથે ક્લિકવગી રહેશે. ધારો કે તમે વર્ડની કોઈ ફાઇલમાં ઘરના પીસી પર કામ કર્યું, તો એ જ ફાઇલ ઓફિસના પીસી પરના ફોલ્ડરમાં પણ દેખાશે, તેને ક્લિક કરીને વર્ડમાં ઓપન કરો અને કામ આગળ ધપાવો!
એવો વિચાર આવ્યો ને કે આટલી કટાકૂડવાળી સર્વિસ તો વળી કોણ ઉપયોગમાં લેવાનું અને એવી જરૂર પણ કોને હોય? તો જાણી લોકો કે અત્યારે ડ્રોપબોક્સ દુનિયાની પાંચમા ક્રમની મોસ્ટ વેલ્યુએબલ સ્ટાર્ટઅપ કંપની છે અને 2009માં સ્ટીવ જોબ્સે તેને ખરીદી લેવા માટે નવ આંકડાની રકમ (ડોલરમાં!) ઓફર કરી હતી, જેને ડ્રોપબોક્સના મેનેજમેન્ટે નકારી કાઢી હતી.
| Comments |
|






